Get The App

ભારતમાં એક નહીં ત્રણ પ્રકારના મતદાતા છે, આ લોકો ઈમેલથી આપી શકે છે મત

મત આપવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ભારતમાં એક નહીં ત્રણ પ્રકારના મતદાતા છે, આ લોકો ઈમેલથી આપી શકે છે મત 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. આ વખતે ચૂંટણી પંચે યુવા અને વૃદ્ધ મતદારોના મતદાન માટે ખાસ વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે, 'આ વખતે વૃદ્ધ મતદારોને મતદાન કરવા માટે સંઘર્ષ કરવો પડશે નહીં. મતદાન મથક પોતે વૃદ્ધ મતદારો પાસે જશે.' ત્યારે ચૂંટણી સાથે જોડાયેલી તમે તમામ બાબતો જાણતા હશો, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કેટલા પ્રકારના મતદારો છે. અહીં એવા ત્રણ મતદારો, ચૂંટણીના પ્રકારો અને તેની મતદાનની પદ્ધતિઓ વિશે વિગતવાર જણાવીશું.

ભારતમાં ત્રણ પ્રકારના મતદારો

ભારતમાં ત્રણ પ્રકારના મતદારો છે. સામાન્ય મતદારો, સેવા મતદારો અને પ્રવાસી મતદારો. સામાન્ય મતદારો પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણીમાં મતદાન મથકે જઈને મતદાન કરે છે. બીજા હોય છે સેવા મતદારો, જે ચૂંટણી પ્રણાલી સાથે સંકળાયેલા છે, પરંતુ ચૂંટણી વ્યવસ્થામાં સામેલ હોવાને કારણે મતદાન મથક પર જઈને મતદાન કરી શકતા નથી. જેમાં સશસ્ત્ર દળો, રાજ્ય સશસ્ત્ર દળો અને વિદેશી સેવાઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ મતદારોને સેવા મતદારો કહેવામાં આવે છે. એવું કહી શકાય કે મતદાન દરમિયાન જે સરકારી કર્મચારીઓ ફરજ હોય તે સેવા મતદારો છે. ત્રીજા હોય છે કે, પ્રવાસી મતદારો જે નાગરિકો નોકરી, ધંધા કે અભ્યાસ માટે અન્ય કોઈ દેશમાં રહેતા હોય અને ત્યાંનું નાગરિકત્વ લીધું ન હોય, તેઓ પણ અહીં મતદાન કરી શકે છે. આવા લોકોએ ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને ફોર્મ 6A ભરવાનું રહેશે. આ ફોર્મમાં ફોટોગ્રાફ, પાસપોર્ટની નકલ, વિઝાની નકલ જેવા દસ્તાવેજો જોડવાના રહેશે.

સેવા મતદારો કેવી રીતે મતદાન કરે છે?

સેવા મતદારો મતદાન દરમિયાન તેમના શહેર કે ગામમાં ન હોય, પરંતુ તેઓ તેમની પસંદગીના ઉમેદવારને પણ મત આપે છે. આવા લોકો ઈમેલ દ્વારા પોતાનો મત આપે છે. સેવા મતદારને ઈમેલ મોકલવામાં આવે છે. તેમાં ફોર્મ-2, 2A અને ફોર્મ 3નો સમાવેશ થાય છે. વાસ્તવમાં આ સંપૂર્ણ બેલેટ પેપર છે. તેની પ્રિન્ટ આઉટ લીધા પછી, તે તેની પસંદગીના ઉમેદવારની સામે ટિક કરે છે. હવે તેને એક પરબિડીયામાં સીલ કરીને તમારા મતવિસ્તારના ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે છે. મતગણતરીના દિવસે EVM મતોની ગણતરી થાય તે પહેલા આ મતોની ગણતરી કરવામાં આવે છે.

ચૂંટણી એ ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર

જો તમે ભારતના નાગરિક છો, તમારી ઉંમર 18 વર્ષ અથવા 18 વર્ષથી વધુ છે, તો તમને મત આપવાનો અધિકાર છે. મત આપવા માટે, તમારું નામ મતદાર યાદીમાં હોવું આવશ્યક છે. પછી તમે કોઈપણ ઓળખ કાર્ડ સાથે ચૂંટણીના દિવસે તમારી પસંદગીના નેતા અથવા પક્ષ માટે તમારો મત આપી શકો છો. ચૂંટણી એ ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે અને દરેક મતદાતાએ આ તહેવારમાં પોતાનો મત આપીને મજબૂત લોકશાહીના નિર્માણમાં પોતાની ભાગીદારીની ખાતરી કરવી જોઈએ.

નોધનીય છે કે,ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 'જે મતદારો 85 વર્ષથી વધુ ઉંમરના છે અને મતદાન મથક પર આવી શકતા નથી, ચૂંટણી અધિકારી ફોર્મ 12-C સાથે તેમના ઘરે જશે અને તેમને ઘરે જ મતદાન કરાવશે.'

97 કરોડ મતદારો

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, 'આ વખતે લોકસભા ચૂંટણીમાં દેશભરમાં 97 કરોડ મતદારો નોંધાયા છે. મતદાન માટે 10.5 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે અને 1.5 કરોડ મતદાન અધિકારીઓ ચૂંટણીમાં તહેનાત કરવામાં આવશે. 97 કરોડ મતદારોમાંથી 2.18 લાખ એવા મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. 88.5 લાખ વિકલાંગ મતદારો છે. કુલ મતદારોમાંથી 82 લાખ એવા મતદારો છે જેમની ઉંમર 85 વર્ષથી વધુ છે.'

ભારતમાં એક નહીં ત્રણ પ્રકારના મતદાતા છે, આ લોકો ઈમેલથી આપી શકે છે મત 2 - image


Google NewsGoogle News