Aadhar Cardમાં કેટલીવાર નામ અને જન્મ તારીખ બદલી શકાય છે? જાણો નિયમ અને રીત
નવી મુંબઇ,તા. 28 નવેમ્બર 2023, મંગળવાર
આધારકાર્ડની જરુર દરેક કામમાં થાય છે. આધારકાર્ડને ભારતીય નાગરિક માટે આ એક વિશેષ દસ્તાવેજ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ મેળવવા કે શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવા કે બેંક ખાતું ખોલાવવા જેવા અનેક હેતુઓ માટે થતો હોય છે. પરંતૂ જો આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, ઘરનું સરનામું કે અન્ય માહિતી ખોટી હોય તો આપણને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, આધાર કાર્ડ અપડેટ કરીને, તમે ખોટી વિગતો પણ સુધારી શકો છો.
લોકો આધાર કાર્ડ પરનું સરનામું ઘણી વખત બદલી નાખે છે કારણ કે, એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવું કેટલાક લોકો માટે સામાન્ય બાબત હોઈ શકે છે, પરંતુ શું તમે નામ અથવા જન્મ તારીખ બદલવા સંબંધિત નિયમો વિશે જાણો છો? શું તમે જાણો છો કે વ્યક્તિ તેના આધાર કાર્ડમાં પોતાનું નામ અથવા જન્મ તારીખ કેટલી વાર અપડેટ કરી શકે છે?
આધાર કાર્ડ સુધારણા નિયમો
આધાર કાર્ડમાં નામ અને જન્મ તારીખ બદલવાના કેટલાક નિયમો છે. આ નિયમો અનુસાર, વ્યક્તિ તેના આધાર કાર્ડમાં નામ તેના જીવનમાં ફક્ત બે વાર બદલી શકે છે.
જન્મતારીખ સંબંધિત સમાન નિયમ એ છે કે, તે જીવનકાળમાં માત્ર બે વાર અપડેટ કરી શકાય છે. આ સિવાય સરનામું ઘણી વખત બદલી શકાય છે, પરંતુ આધારમાં લિંગ માત્ર એક જ વાર બદલી શકાય છે.
આધાર કાર્ડ ક્યાં અપડેટ કરવું?
આધાર કાર્ડ પર કોઈપણ માહિતી અપડેટ કરવા માટે, તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. આ સિવાય તમે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ આધાર કાર્ડમાં સુધારેલી માહિતી મેળવી શકો છો.
આ રીતે આધાર કાર્ડમાં નામ અપડેટ કરો
- સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- અહીં લોગ ઇન કર્યા પછી, તમારો આધાર નંબર અને કેપ્ચ કોડ દાખલ કરો.
- આધાર કાર્ડનો રજીસ્ટર્ડ નંબર દાખલ કરો.
- તે નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
- અપડેટ આધાર વિકલ્પ પર ક્લિક કરો,આ પછી એક નવું પેજ ખુલશે.
- અહીં નામ બદલવાનો વિકલ્પ હશે, તેને પસંદ કરો.
- માંગેલા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ કરો.
- આ પછી, OTP મોકલવાનો વિકલ્પ પસંદ કરો અને પછી OTP દાખલ કરીને, નામ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.