જાણો સંસદમાં કેટલા લેયરની હોય છે સુરક્ષા: Y, Z અને Z પ્લસ કેટેગરીની સિક્યોરિટીથી કેટલી અલગ હોય છે
Image Source: Twitter
- સંસદની સુરક્ષા હાલમાં ત્રણ લેયરમાં થઈ રહી છે
નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર
સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થવાનો મામલો સામે આવ્યો છે જેમાં લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી કુદી પડ્યા હતા અને વેલમાં ઘૂસી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાની ધજિયા ઉડાવતા આ લોકોએ સંસદભવનમાં સ્મોક કેન્ડલ પણ સળગાવી હતી. જોકે, સુરક્ષાકર્મીઓએ ઘટના સ્થળ પરથી જ કસ્ટડીમાં લઈ લીધા હતા. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે, સંસદની સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ? ચાલો હવે તમને જણાવીએ કે સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી કોની છે અને તે કેટલા લેયરમાં હોય છે.
ત્રણ લેયરમાં હોય છે સંસદની સુરક્ષા
સંસદની સુરક્ષા હાલમાં ત્રણ લેયરમાં થઈ રહી છે. તેમાં બાહ્ય સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસની છે. એટલે કે, જો કોઈ સંસદ ભવન જાય છે અથવા કોઈ બળજબરીથી સંસદભવનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે તો સૌથી પહેલા તેણે દિલ્હી પોલીસનો સામનો કરવો પડશે. ત્યારબાદ બીજું લેયર પાર્લામેન્ટ ડ્યુટી ગ્રુપનું હોય છે. ત્રીજું લેયર હોય છે પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસનું. પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસ રાજ્યસભા અને લોકસભા માટે અલગ-અલગ હોય છે.
પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસ કેવી રીતે કામ કરે છે
રાજ્ય સભા અને લોકસભા બંને માટે પોતાની પર્સનલ પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસ હોય છે. પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસ વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. તે પહેલા તેને વોચ એન્ડ વોર્ડના નામથી ઓળખાતુ હતું. આ સિક્યોરિટી સર્વિસનું કામ સંસદમાં એક્સેસને કંટ્રોલ કરવાનું, સ્પીકર, સભાપતિ, ઉપ સભાપતિ અને સાંસદોને સુરક્ષા પ્રદાન કરવાનું છે.
બીજી તરફ પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસનું કામ સામાન્ય લોકો અને પત્રકારોની સાથે-સાથે એવા લોકો વચ્ચે પણ ક્રાઉડ કંટ્રોલ કરવાનું હોય છે માનનીય અથવા બંધારણીય હોદ્દા પર છે. આ ઉપરાંત તેમનું કામ સંસદમાં પ્રવેશતા સાંસદોની યોગ્ય ઓળખ કરવાનું છે. તેમના સામાનનું ફ્રિસ્કિંગ કરવાનું અને સ્પીકર, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, રાષ્ટ્રપતિ વગેરેની સિક્યોરિટી ડિટેલ સાથે લાયજનિંગ કરવાનું છે.
Y, Z, Z Plus સુરક્ષા કરતા આ કેટલી અલગ હોય છે
તમે VIP અને મંત્રીઓને આપવામાં આવતી સુરક્ષા સબંધિત મામલે Y, Z અને Z Plus જેવા શબ્દો ખૂબ સાંભળ્યા હશે. વાસ્તવમાં આ સુરક્ષાની કેટેગરીઓ છે. તે VIP મુજબ તેમને આપવામાં આવે છે. જેમ કે ગૃહમંત્રી કે વડાપ્રધાનને ઝેડ પ્લસ સુરક્ષા મળે છે. એ જ રીતે અલગ-અલગ VIP લોકોને અલગ-અલગ કેટેગરીની સુરક્ષા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સુરક્ષા કોઈ વ્યક્તિ વિશેષ માટે હોય છે. જ્યારે ઉપર બતાવવામાં આવેલી સિક્યોરિટી સર્વિસિસ કોઈ બિલ્ડિંગની સુરક્ષામાં તૈનાત કરવામાં આવે છે. બીજી તરફ જે મંત્રીને Y, Z અથવા Z પ્લસ સુરક્ષા મળી હોય છે તેમને પણ સંસદમાં પ્રવેશ કરતી વખતે પોતાના સિક્યોરિટી ગાર્ડસ બહાર છોડી દેવા પડે છે.