ચૂંટણી પહેલા કેટલા ટિકાકારોને જેલમાં ધકેલશો?, સુપ્રીમ કોર્ટનો તામિલનાડુ સરકારને સવાલ
Supreme Court News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં સોશિયલ મીડિયા પર સરકારનું સમર્થન કે ટિકા કરનારાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્પૂર્ણ સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જે લોકો યુટયુબ પર ટિકાઓ કરી રહ્યા છે તેઓને ચૂંટણી પહેલા જેલમાં મોકલવાનું શરૂ કરી દઇશું તો કેટલા લોકો જેલમાં જશે?
તામિલનાડુમાં એક યુટયૂબર દ્વારા સરકારની ટિકા કરવામાં આવી હતી, જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અંગે વાંધાજનક ટિપ્પણી બદલ ધરપકડ કરાયેલા યુટયૂબર એ. દુરાઇમુરુગને મદ્રાસ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને શરતો સાથે મંજૂર કરાઇ હતી. જોકે બાદમાં હાઇકોર્ટે એમ કહીને રદ કરી દીધી કે અરજદારે જામીન મળ્યા બાદ પણ વાંધાજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ રાખ્યું હતું. જે બાદ યુટયૂબરે સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી હતી.
તેની અપીલની સુનાવણી ચાલી રહી હતી ત્યારે તામિલનાડુ સરકાર વતી હાજર વકીલ મુકુલ રોહતગીને સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેંચે સવાલ કર્યો હતો કે ચૂંટણી પહેલા યુટયૂબ પર ટિકા કરનારાઓની ધરપકડ કરવાનું શરૂ કરવામાં આવે તો કેટલા લોકો જેલમાં જશે? સુપ્રીમે કહ્યું હતું કે આ કેસમાં અમને નથી લાગી રહ્યું કે અરજદાર યુટયૂબરે તેને મળેવી સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો હોય. બાદમાં રોહતગીએ અપીલ કરી હતી કે જામીન મંજૂર કરવામાં આવે તો પણ યુટયૂબર પર શરતો મુકવામાં આવે કે તે ફરી આવી કોઇ ટિપ્પણી નહીં કરે. જોકે સુપ્રીમ કોર્ટે આવી કોઇ શરત મુકવાની ના પાડી દીધી હતી અને અરજદારના જામીન મંજૂર કર્યા હતા. યુટયૂબર સામે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં એમ બે ફરિયાદો થઇ હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે એ કોણ નક્કી કરશે કે ટિપ્પણી વિવાદિત છે કે નહીં?