લક્ષદ્વીપ માટે પણ પાકિસ્તાનના ઇરાદા ખરાબ હતા, જો થોડો વધુ સમય લાગ્યો હોત તો તે ભારતના હાથમાંથી નીકળી ગયું હોત
આઝાદી દરમ્યાન લક્ષદ્વીપ ભારત કે પાકિસ્તાન બંને માંથી કોઈપણ દેશનો ભાગ ન હતું
તે સમયે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સેના મોકલીને લક્ષદ્વીપ પર કબજો કર્યો હતો
Lakshadweep Island: તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી. જેના કારણે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યું છે.
લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતું
એવામાં લોકો લક્ષદ્વીપ વિષે પણ જાણકારી મેળવી રહ્યા છે. શું તમને ખબર છે કે આઝાદી દરમ્યાન લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતું. એવા તે ભારતમાં કેવી રીતે સમાવવામાં આવ્યું તેની પાછળ એક રસપ્રદ કિસ્સો છે... તે જાણીએ. 32.62 વર્ગ કિમીના ક્ષેત્રફળમાં ફેલાયેલું લક્ષદ્વીપ 36 નાના ટાપુઓનો સમૂહ છે. ત્યાંની કુલ વસ્તી 70 હજારથી વધુ છે. જેમાં 96 ટકા વસ્તી મુસ્લિમ છે. તેમજ ત્યાંનો સાક્ષરતા દર 91.82 ટકા છે. આ વિસ્તાર પર્યટનની દ્રષ્ટીએ ખુબ જ સુંદર છે.
કઈ રીતે ભારતનો હિસ્સો બન્યું લક્ષદ્વીપ?
જયારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે બંને દેશોની નજર પંજાબ, બંગાળ, સિંધ જેવા મોટો પ્રદેશ પર હતી તેમજ તેના વિષે જ મંત્રણા પણ કરવામાં આવતી હતી. એવામાં લક્ષદ્વીપ મેનલેન્ડનો ભાગ ન હોવાથી બંને દેશોનું ધ્યાન તેના તરફ ન ગયું. એવામાં ભારત કે પાકિસ્તાન, કોઈ જ દેશે તેના પર પોતાનો અધિકાર સ્થાપ્યો નહિ. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ બધા રજવાડાને એક કરવાની કોશિશ કરતા હતા. એવામાં લક્ષદ્વીપ પર મુસ્લિમ વસ્તી વધુ હોવાથી પાકિસ્તાનની નજર તેના પર પડી. બંને માંથી કોઈપણ દેશે લક્ષદ્વીપ પર દાવો કરેલો ન હોવાથી મૂંઝવણની સ્થિતિ હતી અને પાકિસ્તાને લક્ષદ્વીપ પર કબજો મેળવવા માટે ત્યાં પોતાનું યુદ્ધજહાજ મોકલ્યું.
એવામાં અહી સરદાર પટેલનું પણ લક્ષદ્વીપ પર ધ્યાન જતા તેમને પણ ભારતીય સેનાને ત્યાં વહેલી તકે પહોંચવા આદેશ આપ્યો. બંને દેશની સેના લક્ષદ્વીપ પહોંચવા રવાના થઇ. અંતે ભારતે ત્યાં પહેલા પહોંચીને તિરંગો લહેરાવ્યો. પરતું જયારે થોડીવાર પછી પાકિસ્તાની સેના ત્યાં પહોંચી તો તિરંગો જોઇને જ તે પાછી જતી રહી હતી. આ રીતે કોઈ જ યુદ્ધ કે મંત્રણા વગર જ લક્ષદ્વીપ ભારતનો ભાગ બન્યું હતું.
લક્ષદ્વીપ પહેલા પણ રહી ચૂકયું છે મૈસુરનો ભાગ
મૈસુરના ટીપુ સુલતાન પણ લક્ષદ્વીપના મિનિકોય ભાગ પર શાસન કરતા હતા. 1799માં ટીપુની હત્યા બાદ આ ટાપુ બ્રિટિશ શાસન હેઠળ આવી ગયું હતું. ભારતનો ધ્વજ લહેરાવ્યા બાદ તેને વર્ષ 1956માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. ભાષાના આધારે, તે અગાઉ ભારતના મદ્રાસ રેસિડેન્સી સાથે જોડાયેલું હતું કારણ કે ટાપુ પરના મોટાભાગના લોકો દક્ષિણ ભાષાઓ બોલતા હતા. વર્ષ 1971માં, લક્કાદીવ-મિનિકોય-અમિનીદિવિ માંથી આ ટાપુઓનું સંયુક્ત નામ લક્ષદ્વીપ કર્યું.
અહીં બૌદ્ધ અને હિન્દુઓએ અપનાવ્યો ઇસ્લામ
લક્ષદ્વીપનો સૌપ્રથમ ઉલ્લેખ ગ્રીક વિચરતીઓએ કર્યો હતો. તેમણે આ ટાપુને ખૂબ જ સુંદર અને અસ્પૃશ્ય ગણાવતા કહ્યું કે દરિયાઈ કાચબાનો શિકાર ત્યાં સરળતાથી કરી શકાય છે. સાતમી સદીની આસપાસ, ખ્રિસ્તી મિશનરીઓ અને આરબ વેપારીઓ બંને અહીં આવવા લાગ્યા, જેથી લક્ષદ્વીપમાં ધાર્મિક રંગ બદલાવા લાગ્યો. આ પહેલા અહીં બૌદ્ધ અને હિન્દુઓની વસ્તી હતી. 11મી સદીમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ અને મોટાભાગના લોકોએ ઈસ્લામ અપનાવ્યો. હાલમાં અહીં 95 ટકા વસ્તી મુસ્લિમ છે.
લક્ષદ્વીપનું રાજનૈતિક મહત્વ
ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે. લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે. જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ લો ઓફ સી કન્વેન્શન મુજબ કોઈપણ દેશના સમુદ્ર તટથી 22 કિમીનો વિસ્તાર તે દેશના અધિકારમાં આવે છે. જેના કારણે ભારતને હિંદ તેમજ પ્રશાંત મહાસાગરમાં વધુ જગ્યાનો પણ હક મળી રહે છે. લક્ષદ્વીપ માત્ર સેના બાબતે જ નહિ પરંતુ સમુદ્ર માર્ગે થતા વેપાર માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.
ભારતનો ભાગ હોવા છતાં જરૂર પડે છે પરમિટની
લક્ષદ્વીપ ભારતનો ભાગ હોવા છતાં પણ અહીં જવા માટે ભારતીયોને પરમિટની જરૂર પડે છે. ટાપુ પરની 95% વસ્તી ST છે. આથી લક્ષદ્વીપ ટુરીઝમની વેબસાઈટ અનુસાર, આ ત્યાં હાજર આદિવાસી જૂથની સુરક્ષા અને તેમની સંસ્કૃતિને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. લક્ષદ્વીપના કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટ મુજબ લક્ષદ્વીપમાં સૈન્યના કર્મચારીઓ, તેમના પરિવારો અને સરકારી અધિકારીઓને જ આ પરમિટમાં છૂટ મળે છે.
આ રીતે મેળવી શકાય છે પરમિટ
આ માટે એક ફોર્મ ભરવાનું રહેશે, જેની ફી 50 રૂપિયા છે. આ સિવાય ID અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની કોપી જરૂરી છે. પરમીટ મળ્યા બાદ પ્રવાસીએ લક્ષદ્વીપ પહોંચીને પોલીસ સ્ટેશનમાં તે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. ટ્રાવેલ એજન્ટની મદદથી કોચીથી પણ પરમિટ બનાવી શકાય છે.