રસપ્રદ કહાની : ...તો લક્ષદ્વીપ ભારત નહીં પાકિસ્તાન પાસે હોત, આ રીતે બન્યો આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ
આઝાદી દરમ્યાન લક્ષદ્વીપ ભારત કે પાકિસ્તાન બંને માંથી કોઈપણ દેશનો ભાગ નહોતો
તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સેના મોકલીને લક્ષદ્વીપ પર કબજો કર્યો હતો
How Lakshadweep become part of India: તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી. જેના કારણે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ કરી રહ્યું છે.
લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતું
એવામાં લોકો લક્ષદ્વીપ વિષે પણ જાણકારી મેળવી રહ્યા છે. શું તમને ખબર છે કે આઝાદી દરમ્યાન લક્ષદ્વીપ ભારતનો હિસ્સો ન હતું. એવા તે ભારતમાં કેવી રીતે સમાવવામાં આવ્યું તેની પાછળ એક રસપ્રદ કિસ્સો છે... તે જાણીએ. 32.62 વર્ગ કિમીના ક્ષેત્રફળમાં ફેલાયેલું લક્ષદ્વીપ 36 નાના ટાપુઓનો સમૂહ છે. ત્યાંની કુલ વસ્તી 70 હજારથી વધુ છે. જેમાં 96 ટકા વસ્તી મુસ્લિમ છે. તેમજ ત્યાંનો સાક્ષરતા દર 91.82 ટકા છે. આ વિસ્તાર પર્યટનની દ્રષ્ટીએ ખુબ જ સુંદર છે.
કઈ રીતે ભારતનો હિસ્સો બન્યું લક્ષદ્વીપ?
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે બંને દેશોની નજર પંજાબ, બંગાળ, સિંધ જેવા મોટો પ્રદેશ પર હતી તેમજ તેના વિષે જ મંત્રણા પણ કરવામાં આવતી હતી. એવામાં લક્ષદ્વીપ મેનલેન્ડનો ભાગ ન હોવાથી બંને દેશોનું ધ્યાન તેના તરફ ન ગયું. એવામાં ભારત કે પાકિસ્તાન, કોઈ જ દેશે તેના પર પોતાનો અધિકાર સ્થાપ્યો નહિ. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ બધા રજવાડાને એક કરવાની કોશિશ કરતા હતા. એવામાં લક્ષદ્વીપ પર મુસ્લિમ વસ્તી વધુ હોવાથી પાકિસ્તાનની નજર તેના પર પડી. બંને માંથી કોઈપણ દેશે લક્ષદ્વીપ પર દાવો કરેલો ન હોવાથી મૂંઝવણની સ્થિતિ હતી અને પાકિસ્તાને લક્ષદ્વીપ પર કબજો મેળવવા માટે ત્યાં પોતાનું યુદ્ધજહાજ મોકલ્યું.
એવામાં અહી સરદાર પટેલનું પણ લક્ષદ્વીપ પર ધ્યાન જતા તેમને પણ ભારતીય સેનાને ત્યાં વહેલી તકે પહોંચવા આદેશ આપ્યો. બંને દેશની સેના લક્ષદ્વીપ પહોંચવા રવાના થઇ. અંતે ભારતે ત્યાં પહેલા પહોંચીને તિરંગો લહેરાવ્યો. પરંતુ જયારે થોડીવાર પછી પાકિસ્તાની સેના ત્યાં પહોંચી તો તિરંગો જોઇને જ તે પાછી જતી રહી હતી. આ રીતે કોઈ જ યુદ્ધ કે મંત્રણા વગર જ લક્ષદ્વીપ ભારતનો ભાગ બન્યું હતું.
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ કઈ રીતે બન્યું?
ભારતીય સેનાના લક્ષદ્વીપ પર કબજા બાદ 1 નવેમ્બર 1956માં તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું. જો કે પહેલા તેનું નામ લક્કાદીવ-મિનિકોય-અમિનીદિવિ હતું. પરંતુ 1 નવેમ્બર 1973ના રોજ ભારતે નામ તેનું નામ બદલીને લક્ષદ્વીપ કરી નાખ્યું હતું.
લક્ષદ્વીપનું રાજનૈતિક મહત્વ
ભારત માટે રાજનૈતિક રીતે લક્ષદ્વીપ ખૂબ જ મહત્વનું સ્થળ છે. લક્ષદ્વીપની રાજધાની કવરત્તીમાં ભારતીય સેનાનું બેઝ છે. જો ચીન સાથે ભારતની તણાવની સ્થિતિ સર્જાય તો લક્ષદ્વીપ ઘણું મદદરૂપ સાબિત થાય એમ છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ લો ઓફ સી કન્વેન્શન મુજબ કોઈપણ દેશના સમુદ્ર તટથી 22 કિમીનો વિસ્તાર તે દેશના અધિકારમાં આવે છે. જેના કારણે ભારતને હિંદ તેમજ પ્રશાંત મહાસાગરમાં વધુ જગ્યાનો પણ હક મળી રહે છે. લક્ષદ્વીપ માત્ર સેના બાબતે જ નહી પરંતુ સમુદ્ર માર્ગે થતા વેપાર માટે પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.