હરિયાણામાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની હેટ્રીક: ચૂપચાપ કઈ રીતે ખેલ કરી ગયા સૈની, એક્ઝિટ પોલ પણ ખોટા પડ્યા
Haryana Assembly Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ જોરદાર જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ આજે (આઠમી ઑક્ટોબર) મતગણતરી દરમિયાન સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. સતત ત્રીજી વખત સત્તા જીતવી સરળ કામ નથી. બપોરના 12 વાગ્યા સુધી ભાજપ 50 બેઠક પર અને કોંગ્રેસ ગઠબંધન 34 બેઠક પર આગળ હતું. ભાજપ હરિયાણામાં સારું પ્રદર્શન કરતું જોવા મળી રહ્યો છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે યુવાનો, પહેલવાનો અને ખેડૂતોને આકર્ષવાની કોંગ્રેસની રણનીતિ નિષ્ફળ ગઈ છે. તો ચાલો જોઈએ કે ભાજપની આ લીડ પાછળ કયા કારણો કામ કરે છે.
જાટ વિરોધી મતોના ધ્રુવીકરણની વ્યૂહનીતિ કામ કરી ગઈ
હરિયાણામાં જાટ મતો મોટાભાગે કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ લોકદળ(INLD)ને ગયા છે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને જાટ મતોની અમુક ટકાવારી મળી હતી, પરંતુ વર્ષ 2019માં મોટા ભાગના મત કોંગ્રેસ અને આઇએનએલડીને ગયા હતા. કોંગ્રેસ અને જેજેપી વચ્ચે જાટ મતો વહેંચાયા હતા. અહીંથી ભાજપે એવી રણનીતિ પર કામ કરવાનું શરુ કર્યુ કે તેને હરિયાણામાં જાટ મત નથી જોઈતા. જાટ વિરોધી મતોનું ધ્રુવીકરણ કરવા ભાજપે પંજાબી હિન્દુઓ, ઓબીસી અને બ્રાહ્મણો પર ગેમ રમી. પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ જાટને સ્થાન આપવામાં આવ્યું નથી. એક બ્રાહ્મણને પ્રદેશ ભાજપનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો. અંતે આ વ્યૂહનીતિ ભાજપ માટે કામ આવી.
ખેડૂત અને પહેલવાનોનું આંદોલન
ખેડૂતો અને પહેલવાનના આંદોલનથી ભાજપ ખૂબ નારાજ હતું. પરંતુ ભાજપે આ આંદોલન સામે કોઈ પગલું ન ભરીને તેને વધવા દીધું. પહેલવાનો, ખેડૂતો અને સૈનિકોની અવરજવર એટલી વધી ગઈ કે અન્ય વર્ગના લોકો ચિડાઈ ગયા. ખેડૂતોએ પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ઘણા મંત્રીઓને ગામડાઓમાં પ્રવેશતા પણ રોકી દીધા. હરિયાણામાં ખેડૂતોના આંદોલનમાં મોટાભાગના જાટ સામેલ હતા. અન્ય જાતિઓ, ખેડૂતો, વેપારીઓ અને અન્ય વર્ગોને લાગ્યું કે જો આ લોકો સત્તામાં આવશે તો અશાંતિ વધુ વધશે. જો ભાજપે ખેડૂતો પર કેસ કર્યો હોત અથવા તેમને હેરાન કર્યા હોત તો તે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થાત. હાલમાં, ભાજપની શાંત રહેવાની વ્યૂહનીતિ કામ કરી ગઈ છે.
સૈનીને સીએમ બનાવવું ફાયદાકારક સાબિત થયું
ચૂંટણીની છેલ્લી ઘડીએ નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવાનું કામ ફાયદામાં રહ્યું. એન્ટી ઇન્કમ્બન્સીના કારણે જ્યારે પણ કોઈ ભાજપના નેતાઓને સવાલ પૂછે ત્યારે સ્થાનિક સ્તરે નેતાઓ ફક્ત એટલું જ કહેતા કે હવે સરકાર બદલાઈ ગઈ છે. હવે બધું થઈ જશે. બીજું સૈનીનું સૌમ્ય વ્યક્તિત્વ પણ કામ કરતું. સૈનીને બહુ ઓછો સમય મળ્યો પરંતુ તેમણે ઓબીસી અધિકારો માટે ઘણાં કાયદા બનાવ્યા. આવી અનેક યોજનાઓ બનાવવામાં આવી છે જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થશે. સૈની પણ ઓબીસી મતોનું ધ્રુવીકરણ કરવામાં સફળ રહ્યા હતા.
દલિત મતે મહત્ત્વની ભૂમિકા ભજવી
આ ચૂંટણીઓમાં દલિત મતે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર રાજ્યમાં લગભગ 20 ટકા દલિત મત છે. જે રીતે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં બંધારણ બચાવો-આરક્ષણ બચાવોના નારા લગાવીને રમત રમી હતી. તેવી જ રીતે હરિયાણામાં પણ તૈયારી કરવાની હતી. પરંતુ આ વખતે ભાજપ દલિત મતો માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું. અશોક તવર જેવા દલિત ચહેરાને લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં લાવવામાં આવ્યો હતો. જો કે, અંતિમ મતદાન પહેલા તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ ભાજપે હાર સ્વીકારી ન હતી.
ભાજપે દલિતોને સમજાવ્યું કે તેમની સાથે મિર્ચપુર અને ગોહાના જેવી ઘટનાઓ ભાજપના શાસનમાં બની નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકોમાં વારંવાર મિર્ચપુર અને ગોહાનાની ઘટનાની ચર્ચા કરી હતી.
ભાજપનું પોલિટિકલ મેનેજમેન્ટ કામ કરી ગયું
ભાજપે હરિયાણામાં કોંગ્રેસને ટક્કર આપવા માટે વિચારી વિચારીને પગલાં ભર્યા. મનોહર લાલ ખટ્ટર પ્રત્યે લોકોમાં નારાજગી હતી, તેથી તેમને થોડા દિવસો માટે સાઇડલાઇન કર્યા હતા. વડાપ્રધાન મોદીની સભામાં પણ તેમને જવા દેવામાં આવ્યા ન હતા. વિનેશ ફોગાટે વારંવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું પરંતુ ભાજપના કોઈ નેતાએ તેનો જવાબ આપ્યો નહીં. સીએમ સૈની પોતે ટિકિટ વહેંચણી બાદ અસંતોષ વ્યક્ત કરનારાઓ સુધી પહોંચ્યા અને પાર્ટી સામે જવાની વાત કરી.