Get The App

ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે?

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? 1 - image


Indus Water Treaty: ભારતે 1960ની સિંધુ જળ સંધિ(IWT)ને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. મોટા ભાગના લોકોને લાગે છે કે, મોદી સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરી એટલે પાકિસ્તાનને મળતું પાણી બંધ થઈ જશે પણ આ માન્યતા ખોટી છે.

સિંધુ જળ સંધિના પાણી રોકવા આ પગલાં લઈ શકે

ભારત સિંધુ જળ સંધિને સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું તમામ પાણી રોકી શકવાની સ્થિતિમાં નથી. ભારત સિંધુ જળ સંધિ સ્થગિત કરવા માટે બે પગલાં ભરી શકે છે. 

જેમાં એક પશ્ચિમી નદીઓ એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબમાં નિયંત્રિત પાણીના પ્રવાહને અટકાવી શકે છે. આ નદીઓ પરના ડેમ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાંથી પાણી છોડવાનું બંધ કરી શકે પણ આ ભારતમાં આ ત્રણ નદીઓ પર બહુ પ્રોજેક્ટ નથી તેથી મોટા પ્રમાણમાં પાણીને ના રોકી શકાય.

ચિનાબના બગલીહાર ડેમ બંધ કરી પાણી અટકાવી શકે

બીજું ચિનાબ પરનો બગલીહાર ડેમ સહિતના ડેમમાંથી ભારત પાણી ના છોડે તો પાકિસ્તાન તરફના પ્રવાહમાં ઘટાડો થઈ શકે છે. પાકિસ્તાનના સિંચાઈ અને પીવાના પાણીમાં ઘટાડો થશે તેથી તેની અસર પાકિસ્તાન પર પડશે. જો કે આ નદીઓમાંથી કુદરતી પ્રવાહ ચાલુ રહેશે તેથી પાણી સંપૂર્ણપણે બંધ નહીં થાય.

નવા ડેમ બનાવી પાણી રોકી શકે છે

ભારત ભવિષ્યમાં નવા ડેમ બનાવીને આ ત્રણ નદીઓના પ્રવાહને પાકિસ્તાનમાં જતું રોકી શકે. ભારતમાં ચિનાબ નદી પર બની રહેલા પાકલ દુલ (1,000 મેગાવોટ) અને સાવલકોટ (1,856 મેગાવોટ) બંધોના કામમાં ઝડપ લાવીને ભવિષ્યમાં ચિનાબમાં પાણીના પ્રવાહ પર નિયંત્રણ વધારી શકશે.

આ પણ વાંચોઃ 1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UN ના ધક્કા ખવડાવ્યાં

વિયેના સંધિ હેઠળ સિંધુ જળ કરાર રદ કરવાની સત્તા

ભૂતકાળમાં ભારત સિંધુ જળ સંધિને રદ કરી શકે તેમ હતું પણ ભારતે એવું ના કર્યું કેમ કે ભારત માનવીય અભિગમ બનાવીને વર્ત્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1965 અને 1971માં બે પૂર્ણ કક્ષાના યુદ્ધ થયા, જ્યારે કારગિલમાં 1999માં યુદ્ધ થયું છતાં આ સંધિ ટકી રહી હતી. સિંધુ જળ સંધિ રદ કરવાની માગ થઈ હતી છતાં સંધિને અસર નહોતી થઈ. પુલવામા હુમલા પછી નરેન્દ્ર મોદી સરકારે સિંધુ જળ સંધિ રદ કરવા વિચારણા કરી હતી પણ પછી નિર્ણય ટાળ્યો હતો. 

હવે ભારત ઇચ્છે તો સિંધુ જળ સંધિને રદ પણ કરી શકે છે. પાકિસ્તાન આતંકવાદી જૂથોનો ઉપયોગ કરીને ભારતમાં નિર્દોષ લોકોની હત્યા કરાવે છે એવું કારણ આપીને ભારત આ સંધિ રદ કરાવી શકે છે. વિયેના સંધિના લૉ ઑફ ટ્રીટીઝની કલમ 62 હેઠળ ભારતને સંધિમાંથી હટી જવાનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા પ્રમાણે, બં દેશો વચ્ચેના સંબંધોની મૂળભૂત સ્થિતિમાં પરિવર્તન થાય તો કોઈ પણ સંધિને રદ કરી શકાય છે.

શાહપુર કાંડી બેરેજથી રાવીનું પાણી અટકાવ્યું

ભારતે રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જાય જ નહીં એવી ગોઠવણ કરી છે પણ બાકીની નદીઓનું પાણી રોકી શકાય તેમ નથી. ભારતે રાવી નદી ઉપર શાહપુર કાંડી બેરેજ બનાવ્યો છે. આ બેરેજનું ગયા વરસે ફેબ્રુઆરીમાં બાંધકામ પૂરું  થઈ જતાં રાવી નદીનું પાણી પાકિસ્તાનમાં જતું બિલકુલ બંધ થઈ ગયું છે. મતલબ કે, રાવી નદીનું એક ટીપું પણ પાણી હવે પાકિસ્તાનમાં નથી જતું. 

પંજાબ અને જમ્મુ તથા કાશ્મીર સરહદે બનેલા શાહપુર કાંડી બેરેજના કારણે પહેલાં પાકિસ્તાનમાં 1150 ક્યુસેક પાણી જતું રહેતું. નવો બેરેજ બનતાં આ પાણીનો ઉપયોગ ભારતમાં પંજાબ અને જમ્મુ તથા કાશ્મીરમાં સિંચાઈ માટે કરી શકાય છે. આ બંને રાજ્યોમાં કુલ મળીને 1.50 લાખ વીઘા ખેતી માટે પાણી મળે છે અને સાથે સાથે વીજળી પણ પેદા થાય છે તેથી બંને રાજ્યોને મોટો ફાયદો થયો છે. શાહપુર કાંડી બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત 1995માં પી.વી. નરસિંહરાવે કર્યું હતું. મોદી સરકારના શાસનમાં એટલે કે લગભગ ત્રણ દાયકા પછી યોજના પૂરી થઈ છે.


Tags :