લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત મુદ્દે માલદીવ, અમેરિકા અને પાકિસ્તાન સહિતના વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
Foreign Media On Narendra Modi's Oath Taking Ceremony: નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. રવિવારે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં મોદી સાથે ભાજપ અને એનડીએ ગઠબંધનમાં સામિલ પક્ષોમાંથી કુલ 71 મંત્રીઓએ પદના શપથ લીધા હતા. ભવ્ય શપથવિધિ સમારોહમાં પડોશી દેશોના વડાઓ સહિત બોલિવૂડ અને બિઝનેસ જગતની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. શપથવિધિની નોંધ વિશ્વસ્તરે લેવાઈ હતી. માલદીવ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અમેરિકા, બ્રિટન વગેરે જેવા દેશોના મીડિયાએ પણ શપથવિધિ સમારોહને વિશેષ કવરેજ કર્યું હતું.
માલદીવ
પીએમ મોદીના શપથવિધિ સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની શપથવિધિ સમારોહમાં વિશેષ નોંધ લેવાઈ રહી હતી. કારણ કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વર્તમાનમાં તણાવપૂર્ણ રહ્યા છે. ચીન સમર્થક મુઈજ્જુએ સતામાં આવતા જ ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. તેમણે માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને પરત ફરવાનો આદેશ કર્યો હતો.
માલદીવના અગ્રણી અખબાર 'Sun.tv'એ લખ્યું કે નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક રીતે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. શપથવિધિ સમરોહમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ પણ સામેલ થાય હતા. અગાઉ 2014માં મોદીના શપથવિધિ સમારોહમાં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને હાજરી આપી હતી.
અખબાર ભારત-માલદીવ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વિશે ઉલેખ્ખ કરતા લખ્યું કે રાષ્ટ્રપતિ મુઈજ્જુ ચીનની તરફેણમાં છે. જ્યારે તેમના અગાઉના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને ભારત તરફી માનવામાં આવતા હતા. મુઈજ્જુ સત્તામાં આવતાની સાથે જ ભારત-માલદીવના સંબંધો બગડ્યા છે અને મુઈજ્જુ સરકારના મંત્રીઓએ મોદી અને ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જો કે માલદીવ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે તે મંત્રીઓના નિવેદનોને સમર્થન આપતી નથી.
માલદીવના અન્ય અખબાર 'The Edition'એ લખ્યું છે કે મોદીએ રવિવારે વડાપ્રધાન તરીકેના ત્રીજી વખત શપથ લીધા હતા, તેમણે સરકાર બનાવવા માટે ગઠબંધન સહયોગીઓની જરૂર પડી છે. મોદીની હિન્દુ-રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા એક દાયકાથી દેશમાં એકછત્ર શાસન કર્યું છે. પરંતુ મોદી અગાઉની બે અદભૂત જીતનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યા છે. બીજેપી પાસે બહુમતી ન હોવાથી એનડીએ પક્ષોનો ટેકો લીધો છે. અને ગઠબંધનમાં સામિલ પક્ષોએ સમર્થનના બદલામાં મોટી છૂટની માંગ કરી છે.
પાકિસ્તાન
પાકિસ્તાનના જાણીતા અખબાર 'ડોન'માં લખ્યું કે મોદીના શપથવિધિ સમારોહમાં દક્ષિણ એશિયાના દેશો બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખોએ ભાગ લીધો હતો પરંતુ ચીન-પાકિસ્તાનને આમંત્રણ અપાયું ન હતું.
અન્ય અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' પોતાના સંપાદકીયમાં લખ્યું કે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ દિલ્લીમાં આયોજિત ભવ્ય સમારોહમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં સાત પડોશી દેશોના વડાઓ બોલિવૂડ સેલિબ્રિટીસ અને ઉદ્યોગપતિઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. અખબાર આગળ લખે છે મોદીએ પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત ભાજપની વૈચારિક સંસ્થા હિન્દુ રાષ્ટ્રવાદી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે પ્રચારક તરીકે કરી હતી. આઝાદી પછી જવાહરલાલ નેહરુ બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનાર મોદી બીજા વ્યક્તિ છે. મોદી એનડીએના 14 પ્રાદેશિક પક્ષોના સમર્થનથી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, જ્યારે તેમના છેલ્લા બે કાર્યકાળમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી હતી. તાજેતરના ચૂંટણી પરિણામોને મોદીની લોકપ્રિયતા માટે મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યા છે.
મોદીના છેલ્લા બે કાર્યકાળમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી હતી. પરંતુ હાલની ચૂંટણીમાં બહુમત ન મળતા એનડીએના 14 પ્રાદેશિક પક્ષોના સમર્થનની જરૂર પડી છે. આ ચૂંટણીના પરિણામોને મોદીની લોકપ્રિયતા માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યા છે.
બાંગ્લાદેશ
બાંગ્લાદેશના અખબાર 'ધ ડેઇલી સ્ટાર' પોતાન લેખમાં જણાવ્યું કે રવિવારે મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા છે. તેમને આ કાર્યકાળ ઘણાં પડકારો સાથે મળ્યો છે કારણ કે તેમને આ વખતે સરકાર રચવા માટે અન્ય સહયોગીઓની જરૂરિયાત પડી છે. હવે મોદી સરકારને ગઠબંધનના સાથીઓએ ટેકો આપવાના બદલામાં કેબિનેટ પોસ્ટ અને તેમના રાજ્યો માટે વિશેષ ભંડોળની માંગ કરી છે. મોદી માટે પડકાર છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, પરંતુ દેશની માથાદીઠ આવક જી-20 દેશોમાં સૌથી ઓછી છે.
નેપાળ
ભારતના પાડોશી દેશ નેપાળના પ્રમુખ અખબાર 'ધ કાઠમાંડુ પોસ્ટ'એ લખ્યું કે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ નરેન્દ મોદીના વડાપ્રધાન તરીકેના શપથવિધિ સમારોહમાં સામિલ થયા હતા. શપથવિધિ બાદ દહલ અને મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. આ ઉપરાંત બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવીણ કુમાર જુગનાથ, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ સમારોહમાં હાજરી આપી હતી.
અમેરિકા
અમેરિકી મીડિયા સંસ્થા 'બ્લૂમબર્ગ'એ શપથવિધિના ભવ્યતા વિશે લખતા કહ્યું કે આ સમારોહમાં પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, ઉદ્યોગપતિ અને બોલિવૂડ સેલિબ્રિટી સહિત 8,000 મહેમાનોએ હાજરી આપી હતી.
બ્રિટેન
બ્રિટીશ મીડિયા સંસ્થા 'બીબીસી'એ લખ્યું છે એક્ઝીટ પોલ દ્વારા જે અનુમાન લગાવ્યું હતું તેના કરતા એનડીએને ઓછી બેઠકો મળી છે. આ એવી ચૂંટણી હતી કે જેમાં વિપક્ષનું પુનરુત્થાન જોવા મળ્યું છે.
કતાર
કતારના 'અલ જજીરા' નેટવર્કે લખ્યું કે ભાજપ માટે ગઠબંધન સરકાર ચલાવી મુશ્કેલીભર્યું રહેશે. ગઠબંધનના બે દિગ્ગજ નેતાઓ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ તરફથી મોદી સરકારને પડકારોનો સામનો કરવો પડી શકે છે. કારણ કે અગાઉ તેઓ ઈન્ડિયા ગઠબંધનના પક્ષો સાથે રહી ચૂક્યાં છે.