Get The App

ઓલિમ્પિકમાં રમનારા ખેલાડીઓને સરકારી નોકરી કેવી રીતે મળે છે? જાણો નિયમો અને પે ગ્રેડ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિકમાં રમનારા ખેલાડીઓને સરકારી નોકરી કેવી રીતે મળે છે? જાણો નિયમો અને પે ગ્રેડ 1 - image


Image: Freepik

Sports Quota Jobs: ભારતીય રેલવે, ભારતીય સેના, પોલીસ, સરકારી બૅન્ક/યુનિવર્સિટી, પબ્લિક સેક્ટર સહિત ઘણા સરકારી વિભાગ સમયાંતરે મેધાવી ખેલાડીઓની ભરતી કરે છે. ભારત સરકારના આ વિભાગ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા તત્પર રહે છે. તેનાથી ખેલાડીઓને નોકરીની સુરક્ષા મળે છે અને દેશ માટે રમતના માધ્યમથી ગૌરવ મેળવવાની તેમની ઇચ્છા પ્રબળ થાય છે. તેનું સારું ઉદાહરણ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે, જેને 2011નો વર્લ્ડ કપ જીત્યા બાદ ટેરિટોરિયલ આર્મીએ લેફ્ટનન્ટ કર્નલના માનદ રેન્કથી નવાઝ્યો હતો. આ રેન્ક બાદથી તે સમયાંતરે આર્મીમાં જઈને ટ્રેનિંગ કરે છે. આ સિવાય પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પંજાબમાં ડેપ્યુટી એસપી બનાવવામાં આવ્યો હતો.

ભારત સરકાર દક્ષિણ એશિયા ફેડરેશન ગેમ્સ, એશિયન ગેમ્સ, ફેડરેશન કપ, વર્લ્ડ કપ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ, યુએસઆઈસી ચેમ્પિયનશિપ અને અન્ય રમતગમતની પ્રવૃત્તિઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આયોજનોનું પ્રતિનિધિત્વ કરતાં હોશિયાર ખેલાડીઓની સીધી ભરતી દ્વારા ગ્રુપ 'સી' અથવા તત્કાલિન ગ્રુપ 'ડી' માં કોઈપણ પોસ્ટ પર નિમણૂક કરે છે.

મેધાવી ખેલાડીઓની નિમણૂક કરતી રમતગમતની યાદી

તીરંદાજી, એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધાઓ સહિત) અત્યા-પટ્યા, બેડમિન્ટન, બોલ-બેડમિન્ટન, બાસ્કેટબોલ, બિલિયર્ડ્સ અને સ્નૂકર, બૉક્સિંગ, બ્રિજ, કેરમ, ચેસ, ક્રિકેટ, સાયકલિંગ, અશ્વારોહણ રમતો, ફૂટબોલ, ગોલ્ફ, જિમ્નેસ્ટિક (બોડી બિલ્ડીંગ સહિત), હેન્ડબોલ, હોકી, આઇસ-સ્કીઇંગ, આઇસ-હોકી, આઇસ-સ્કેટિંગ, જુડો, કબડ્ડી, કરાટે, કયાકિંગ અને કેનોઈંગ, ખો-ખો, પોલો, પાવરલિફ્ટિંગ, રાઇફલ શૂટિંગ, રોલર સ્કેટિંગ, રોઈંગ, સોફ્ટ બોલ, સ્ક્વોશ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, તાઈકવૉન્ડો, ટેનિસ, વૉલીબૉલ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી અને સેલિંગ.

સ્પોર્ટ્સ ક્વોટાની નોકરીઓ માટેની પાત્રતા માપદંડ

સ્પોર્ટ્સ ક્વોટાના માધ્યમથી ભરતી માટે લઘુતમ પાત્રતા માપદંડ 10મું ધોરણ અને ઇન્ટરમીડિયેટ છે. અલગ-અલગ વિભાગોમાં સ્પોર્ટ્સ ક્વોટાની નોકરીઓ માટે અલગ-અલગ પસંદગી માપદંડ છે. જેને પૂરા કરવા ખેલાડીઓ માટે જરૂરી છે. આ સિવાય સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી માટે અલગ-અલગ ગ્રેડ પે અનુસાર અલગ-અલગ યોગ્યતા માપદંડની પણ જોગવાઈ છે.

સરકારી નોકરી માટે ખેલાડીઓની યોગ્યતા

- તે ઉમેદવાર જેણે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કોઈ રાજ્ય કે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય.

- તે ઉમેદવાર જેણે આંતર-યુનિવર્સિટી રમતગમત બોર્ડ દ્વારા આયોજિત આંતર-યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં પોતાની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હોય.

- તે ઉમેદવાર જેણે ઓલ ઇન્ડિયા સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત સ્કૂલ માટે રાષ્ટ્રીય રમત/રમતોમાં રાજ્ય સ્કૂલ ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું હોય.

- તે ખેલાડી જેણે રાષ્ટ્રીય શારીરિક કાર્યક્ષમતા અભિયાન હેઠળ શારીરિક તંદુરસ્તીમાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હોય.

2,400/2,800 ગ્રેડ પે વાળી નોકરી માટે યોગ્યતા

ઉમેદવારોની પાસે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ યુનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય/વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય/ કોમનવેલ્થ ગેમ્સ/એશિયન ગેમ્સ/વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓછામાં ઓછું ત્રીજું સ્થાન મેળવ્યું હોય.

1,900/2,000 ગ્રેડ પે વાળી નોકરી માટે યોગ્યતા

ઉમેદવારે 10+2 પાસ કરેલું હોવું જોઈએ અને કોઈ પણ શ્રેણી-બી ચેમ્પિયનશિપ/ઇવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય અને કોઈ પણ શ્રેણી-સી ચેમ્પિયનશિપ/ઇવેન્ટમાં ઓછામાં ઓછું ત્રીજું સ્થાન મેળવ્યું હોય/ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશન હેઠળ આયોજિત સીનિયર/યુવા/જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ/નેશનલ ગેમ્સમાં ત્રીજું સ્થાન/ભારતીય યુનિવર્સિટીઓના સંગઠન હેઠળ આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ કે ફેડરેશન કપ ચેમ્પિયનશિપ(વરિષ્ઠ શ્રેણી)માં પ્રથમ સ્થાન મેળવ્યું હોય.

1800 ગ્રેડ પે વાળી નોકરી માટે યોગ્યતા

કોઈ પણ શ્રેણી-સી ચેમ્પિયનશિપ/ઈવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય કે ફેડરેશન કપ ચેમ્પિયનશિપ (વરિષ્ઠ શ્રેણી) માં ત્રીજું સ્થાન મેળવ્યું હોય કે મેરેથોન અને ક્રોસ કન્ટ્રી સિવાય સીનિયર/યુવા/જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં રાજ્ય કે સમકક્ષ એકમનું પ્રતિનિધિત્વ કર્યું હોય કે રાજ્યના તમામ એકમો અને જિલ્લા માટે સીનિયર રાજ્ય ચેમ્પિયનશિપમાં ઓછામાં ઓછું ત્રીજું સ્થાન મેળવ્યુ હોય.

સ્પોર્ટ્સ ક્વોટાથી નોકરીઓ માટે પસંદગી પ્રક્રિયા 

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/સ્પોર્ટ્સ ટ્રાયલ/મેડિકલ ટેસ્ટ બાદ ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવે છે. 

ભરતી માટે આ ખેલાડીઓને પસંદગી મળે છે

- જેમણે રમતગમત વિભાગની મંજૂરીની સાથે કોઈ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય.

- રમતગમત વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય રમત ફેડરેશન દ્વારા આયોજિત સીનિયર કે જુનિયર સ્તરની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ કે ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આયોજિત રાષ્ટ્રીય રમતોમાં રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય અને મેડલ જીત્યા હોય કે ત્રીજા સ્થાન સુધી સ્થાન પ્રાપ્ત કર્યું હોય.

- ઓલ ઇન્ડિયા સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય રમત/સ્કૂલો માટે રમતોમાં રાજ્યની સ્કૂલોમાં ભાગ લીધો હોય અને મેડલ જીત્યા હોય કે ત્રીજા સ્થાન સુધી સ્થાન પ્રાપ્ત કર્યું હોય.

- રાષ્ટ્રીય શારીરિક કાર્યક્ષમતા અભિયાન હેઠળ શારીરિક કાર્યક્ષમતામાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે કે જેમણે રાજ્ય/સંઘ શાસિત પ્રદેશ/યુનિવર્સિટી/રાજ્ય સ્કૂલ ટીમોમાં પ્રતિનિધિત્વ કર્યું હોય.

સ્પોર્ટ્સ ક્વોટાની નોકરીઓ માટે ભરતીની માહિતી

ખેલાડીઓની ભરતી માટેની અરજી રોજગાર સમાચારમાં જાહેરાતના માધ્યમથી કે સત્તાવાર વેબસાઇટ પર પરિપત્રના માધ્યમથી મંગાવવામાં આવે છે. નિમણૂક કરનાર અધિકારી અથવા ઉચ્ચ અધિકારી દ્વારા ખેલાડી પાસેથી મળેલી અરજી પર મંત્રાલય/વિભાગ અથવા વિભાગના વડા દ્વારા આગળની ભરતી પ્રક્રિયા માટે વિચાર કરવામાં આવે છે.



Google NewsGoogle News