રાજીવ ગાંધીએ અટલજીનું જીવન કઈ રીતે બચાવ્યું? પૂર્વ- વડાપ્રધાનો સાથે સંકળાયેલી થોડી વાતો
- 16 ઑગસ્ટ અટલજીની પુણ્યતિથિ
- 'ઓજસ્વી વક્તા, માર્મિક સાહિત્યકાર અને એક મહામાનવ તરીકે ભારત આજે પણ અટલજીને યાદ કરે છે'
નવી દિલ્હી : અટલબિહારી વાજપેયીનો આજે પણ સમગ્ર દેશ એક સફળ વડાપ્રધાન, ઓજસ્વી વક્તા, માર્મિક સાહિત્યકાર અને તેથી પણ વધુ એક મહામાનવ તરીકે આદર કરે છે. તેઓની કવિતાઓ અને વકતવ્યો આજે સત્ય કરતા વધારે જોવા મળે છે.
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય નેતાઓ અને વડાપ્રધાનો પૈકીના એક અટલબિહારી વાજપેયીના નિધનને ૧૬મી ઑગસ્ટે પાંચ વર્ષ પૂરા થયાં છે. ૨૦૧૮ની ૧૬મી ઑગસ્ટે તેઓએ 'વિદાય' લીધી.
૧૯૯૯માં તેઓ ભારતના વડાપ્રધાન હતા. નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન હતા અટલજી ઇચ્છતા હતા કે પાકિસ્તાન સાથે સંબંધો સારા બને તેથી અમૃતસર અને લાહોર વચ્ચે નવી બસ સર્વિસ શરૂ કરી તે બસ સર્વિસમાં તેઓ પોતે લાહોર પહોંચ્યા જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું. સ્વાગત પછી પ્રેસ કોન્ફરન્સ હતી. અટલજી અવિવાહિત હતા ત્યારે એક મહિલા પત્રકારે ધડાકો કર્યો કે મારી સાથે લગ્ન કરો અને લગ્નની ભેટ તરીકે કાશ્મીર પાકિસ્તાનને આપો. ઘડીભર તો પત્રકાર પરિષદમાં સન્નાટો ફેલાઈ ગયો. ત્યારે અટલજીએ કહ્યું : દહેજ તરીકે મને સમગ્ર પાકિસ્તાન આપી શકશો ? આ જવાબ સાંભળી પેલા મહિલા પત્રકારના મુખ ઉપર કાલીમા છવાઈ ગઈ. તેઓ મૂંગા મૂંગા બેસી ગયા.
અટલબિહારી જીવન પર્યંત કોંગ્રેસ વિરોધી રહ્યા પરંતુ તે સમયે રાજકારણ વિચારધારા પૂરતું મર્યાદિત હતું અંગત મતભેદોને તેમાં સ્થાન ન હતું. બન્યું એવું કે, '૮૦ના દાયકામાં અટલજીને કેન્સરની બીમારી થઈ ત્યારે ભારતમાં તેના પૂરતા ઇલાજો જ નહોતા. અમેરિકામાં તે ઇલાજો થઈ શકતા, પરંતુ અટલજી પાસે તે માટે પૂરતા પૈસા ન હતા. આ વાતની તે સમયે વડાપ્રધાનપદે રહેલા રાજીવ ગાંધીને ખબર પડી. આ અંગે અટલજીએ પોતે જ જણાવ્યું હતું કે, 'રાજીવજીને જેવી આ વાતની (કેન્સરની) ખબર પડી કે તુર્ત જ તેઓને રાજીવ ગાંધીએ પોતાના કાર્યાલયમાં બોલાવ્યા અને સંયુક્ત રાષ્ટ્ર પ્રતિનિધિ મંડળમાં તેઓને સભ્ય તરીકે સમાવિષ્ટ કર્યા તો તેઓ ન્યુયોર્ક ગયા પછી ન્યુયોર્કમાં કેન્સરની સારવાર પણ લીધી તેનો ખર્ચ કેન્દ્રએ ઉઠાવ્યો' રાજીવ ગાંધીએ આ વાત કદી કોઈને કરી ન હતી. રાજીવ ગાંધીની હત્યા પછી અટલબિહારી વાજપેયીએ જ આ વાત સૌને કરી હતી.
૧૯૯૧નું વર્ષ ભારત માટે અતિ મહત્ત્વનું બની રહ્યું ઐતિહાસિક બની રહ્યું તે વર્ષે ભારતે તેનું બજાર વિશ્વ માટે ખોલ્યું. દેશે ઉદારીકરણની આર્થિક નીતિ અપનાવી વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા ચાલુ વિત્ત મંત્રી તરીકે મનમોહનસિંહે સંસદમાં સંપૂર્ણ બજેટ રજૂ કર્યું ત્યારે અટલબિહારી વાજપેયી વિરોધ પક્ષમાં હતા તેઓએ બજેટની અસામાન્ય ટીકા કરી મનમોહનસિંહ હતાશ થઈ ગયા અને ટીકા પછી તેમણે વિત્ત મંત્રી તરીકે ત્યાગપત્ર આપવા વિચાર્યું ત્યારે વડાપ્રધાનપદે રહેલા નરસિંહરાવે વાજપેયીએ તુર્ત જ ફોન જોડયો તેથી અઠલજી સામે ચાલી મનમોહનસિંહને મળવા ગયા તેઓને કહ્યું, 'મેં કરેલી ટીકાઓ તો રાજકીય હેતુસર હતી તો તમારે અંગત રીતે લેવી ન જોઈએ' તે સાથે મનમોહનસિંહે ત્યાગપત્ર આપવાનો વિચાર માંડી વાળ્યો. આવા હતા અટલબિહારી વાજપેયી રાજઘાટ પાસે 'સદૈવ અટલ' તેવા તેઓના સમાધિ સ્થાને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી સહીત અનેકોએ આજે તેઓની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી.