ભાજપ સામે 'લાચાર' શિંદે સેના માટે અજિત પવાર માથાનો દુઃખાવો, ફડણવીસને થશે મોટો ફાયદો!
Maharashtra Elections: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને મોટી જીત મળી છે. આ પછી પણ હજુ સુધી મુખ્યમંત્રીને લઈને ચિત્ર સ્પષ્ટ થયું નથી. એક તરફ 132 બેઠક મળ્યા બાદ ભાજપના નેતાઓ ઉત્સાહિત છે અને દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ એકનાથ શિંદેની શિવસેના પણ આશાવાદી છે.
શિવસેનાના ઘણા નેતાઓનું કહેવું છે કે આ ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી, તેથી તેમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્યારે અજિત પવાર ભાજપ માટે આશાનું કિરણ બની ગયા છે.
એનસીપી ઈચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને
અત્યાર સુધી ગઠબંધન માટે ચિંતાનું કારણ ગણાતા અજિત પવાર અને તેમની એનસીપી હવે ભાજપના હિતમાં હોવાનું જણાય છે. અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેના અંગત સંબંધો ખૂબ સારા હોવાથી એનસીપીના ધારાસભ્યો ઈચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને. 2019માં પણ બંનેએ શપથ લીધા હતા, પરંતુ સરકાર ચલાવી શક્યા ન હતા.
એક કારણ એવું પણ છે કે એનસીપી અને ભાજપનો ટેકો અલગ-અલગ વિસ્તારોમાં છે. જ્યારે શિવસેના તમામ સીટો પર એનસીપી સાથે સીધી લડાઈ કરી રહી છે. આથી એનસીપી ઈચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને.
શિવસેના ઈચ્છે છે કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બને
જયારે શિવસેનાના નેતાઓને લાગે છે કે કદાચ ભાજપે ગઠબંધન ધર્મને આગળ વધારવા માટે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. જો કે, એક નેતાએ કહ્યું કે અમને આશા છે કે ભાજપ એકનાથ શિંદેને તક આપશે, પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે તેમને 132 બેઠકો મળી છે અને અમે દબાણ લાવવાની સ્થિતિમાં નથી.
આ પણ વાંચો: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, સરકાર બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરી શકે, હોબાળાની શક્યતા
ભાજપ એક ભાગીદારની મદદથી પણ સરકાર બનાવી શકે છે
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં બહુમત માટે 145 બેઠકની જરૂર છે અને ભાજપને સત્તામાં આવવા માટે માત્ર 13 બેઠકની જ જરૂર છે. આ સિવાય અજિત પવારની NCP પાસે પણ 41 બેઠક છે, જ્યારે એકનાથ શિંદે પાસે 57 બેઠક છે. આ રીતે ભાજપ એક ભાગીદારની મદદથી પણ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.