ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઇલ ઇમ્પોર્ટ પર નજર, રશિયાને ઝટકો આપવાની તૈયારી
India-US Crude Oil And Gas Trade : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન તેમણે ક્રૂડના સોદાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. ટ્રમ્પે પીએમ મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમારી પાસે અન્ય દેશોની તુલનાએ વધુ ક્રૂડ અને ગેસ છે. તેમને (ભારતને) બંનેની જરૂરીયાત છે અને તે અમારી પાસે છે.
અમે ભારત સાથે મોટી સમજૂતીની જાહેરાત કરીશું : ટ્રમ્પ
ટ્રમ્પે વેપારી નીતિ અંગે કહ્યું કે, ‘અમે ભારત સાથે કામ કરવાની યોજના બનાવી છે. અમે ભવિષ્યમાં ભારત સાથે મોટી સમજૂતી કરારની જાહેરાત કરવાના છીએ.’
પીએમ મોદીએ ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતી વખતે કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રીય હિતને હંમેશા સર્વોચ્ચ માને છે અને તેમની જેમ હું પણ ભારતના રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ રાખું છું.
‘ભારતને ક્રૂડ-ગેસની જરૂર, અમારી પાસે છે’
ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, ‘અમારી પાસે વાત કરવા માટે કેટલીક મહત્ત્વની બાબતો છે. ભારત અમેરિકા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદવાનું છે. વિશ્વના કોઈપણ દેશની તુલનાએ અમારી પાસે સૌથી વધુ ક્રૂડ અને ગેસ છે. ભારતને તેની જરૂર છે અને અમારી પાસે તે છે. અમારા બંને વચ્ચે ઉર્જા પર સમજૂતી થઈ છે, જેનાથી આપણે ભારતમાં તેલ અને ગેસના અગ્રણી સપ્લાયર બનીશું..
ટ્રમ્પની નજર ભારતની ક્રૂડ શોપિંગ પર
ભારત દર વર્ષે અન્ય દેશો પાસેથી કેટલી રકમનું પેટ્રોલ-ડિઝલ ખરીદે છે? તેની વાત કરીએ તો આ આંકડો 132 અબજ ડૉલર એટલે કે 11 લાખ કરોડ છે. ભારત ચીન અને અમેરિકા બાદ ક્રૂડ ઓઇલ ખરીદનાર વિશ્વનો ત્રીજો મોટો દેશ છે. જોકે ભારત 80 ટકા ક્રૂડ અન્ય દેશોમાંથી મંગાવે છે અને તે માટે 2024માં 11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. તેથી જ ભારતની ક્રૂડ શોપિંગ પર ટ્રમ્પની નજર છે.
કોઈપણ દેશને માલામાલ કરવાની ‘ભારતની ક્રૂડ શક્તિ’
અમેરિકા ઇચ્છે છે કે, ભારત પોતાની જરૂરીયાતમાંથી વધુમાં વધુ ક્રૂડ તેની પાસેથી ખરીદે. ક્રૂડ ઓઇલમાં ભારતની ખરીદ ક્ષમતા એટલી વિશાળ છે કે, તે કોઈપણ દેશને ડૉલરથી માલામાલ કરી શકે છે.