કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
Image: Facebook
Supreme Court: સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી. મહેતાએ કહ્યું કે જે કાર્યવાહી કરવામાં આવી છે, તે મ્યુનિસિપલ કાયદા અનુસાર જ કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે ગેરકાયદે કબ્જાના મામલે મ્યુનિસિપલ સંસ્થાઓ દ્વારા નોટિસ આપ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવી છે. જસ્ટિસ વિશ્વનાથને સરકાર પાસે વિસ્તૃત જવાબ માગ્યો છે. કોર્ટે નોટિસ, કાર્યવાહી અને અન્ય આરોપો પર સરકારને જવાબ આપવાના આદેશ આપ્યા છે. મામલામાં આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર ઉઠાવ્યા ગંભીર સવાલ
સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈના ઘરને તોડવું યોગ્ય નથી. કોર્ટે શાસન અને વહીવટની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જો કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ગુનામાં દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું કે જેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તે ગુના કે આરોપના કારણે નહીં પરંતુ ગેરકાયદેસર કબ્જો કે નિર્માણના કારણે નિશાના પર છે.
જમીયત ઉલેમા એ હિંદે દાખલ કરી અરજી
જમીયત ઉલેમા એ હિન્દે અરજી દાખલ કરીને સરકાર દ્વારા આરોપીઓના ઘર પર મનમાની રીતે બુલડોઝર ચલાવવા પર રોક લગાવવાની માગ કરી છે. અરજીમાં યુપી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરમાં થયેલી બુલડોઝર કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં લઘુમતી સમુદાયને નિશાન બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીમાં બુલડોઝર જસ્ટિસની પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટથી ઝડપથી સુનાવણીની અપીલ કરવામાં આવી હતી.
અરજી પર ઝડપી સુનાવણીની માગ કરવામાં આવી હતી
વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ આ અરજી પર ઝડપી સુનાવણીની માગ કરી હતી. અરજી જહાંગીરપુરી મામલામાં વકીલ ફરુખ રશીદ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે રાજ્ય સરકાર હાંસિયા પર હાજર લોકો, ખાસ કરીને લઘુમતીઓ વિરુદ્ધ દમન ચક્ર ચલાવીને તેમના ઘરો અને સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવાને પ્રોત્સાહન આપી રહી છે. જેનાથી પીડિતોને કાનૂની ઉપાય કરવાની તક મળતી નથી.
કોર્ટે સૂચન માગ્યા
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કોઈ પણ ગેરકાયદેસર માળખાને સુરક્ષા આપશે નહીં જે જાહેર માર્ગોને અવરોધિત કરતું હોય. કોર્ટે સંબંધિત પક્ષોથી સૂચન માગ્યા છે જેથી તે સમગ્ર દેશમાં સંપત્તિઓના ધ્વસ્તીકરણ સંબંધમાં યોગ્ય દિશા-નિર્દેશ જારી કરી શકે.
તાજેતરમાં ઘણા બુલડોઝર એક્શન થયા
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ફેબ્રુઆરી 2024ના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2022થી જૂન 2023ની વચ્ચે દિલ્હી, આસામ, ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપીમાં સાંપ્રદાયિક હિંસા બાદ 128 સંપત્તિઓને બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવાઈ. મધ્યપ્રદેશમાં એક આરોપીના પિતાની સંપત્તિ પર બુલડોઝર ચલાવી દેવાયુ, અને મુરાદાબાદ તથા બરેલીમાં પણ બુલડોઝરથી સંપત્તિઓ ધ્વસ્ત કરી દેવાઈ. તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં રાશિદ ખાનનું ઘર પણ બુલડોઝરથી પાડી દેવાયું જેમાં તેમના 15 વર્ષીય પુત્ર પર સ્કુલમાં પોતાના સહાધ્યાયીને ચાકુથી મારવાનો આરોપ હતો.