ખાનગી હોસ્પિટલે દુષ્કર્મ પીડિતાની મફત સારવાર કરવી પડશે, ઈનકાર કરવા પર થશે દંડઃ દિલ્હી હાઈકોર્ટ
Delhi High Court: કોઈપણ ખાનગી હોસ્પિટલ હવે દુષ્કર્મ પીડિતા, એસિડ અટેક સર્વાઈવરને મફક સારવાર આપવાનો ઈનકાર કરી શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે એક મામલે સુનાવણી કરતાં આ મહત્ત્વનો આદેશ આપ્યો છે.
કોર્ટે એક કેસમાં સુનાવણી કરતાં ધ્યાન દોર્યુ હતું કે, કોર્ટ અને દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ વારંવાર હસ્તક્ષેપ કર્યો હોવા છતાં પીડિતાને એક ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સારવાર માટે રાહ જોવી પડી હતી.
દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, દિલ્હીમાં પ્રત્યેક મેડિકલ સુવિધાએ એક બોર્ડ લગાવવુ પડશે, જેમાં લખવુ પડશે કે, દુષ્કર્મ પીડિતા, ગેંગરેપ, એસિડ અટેક પીડિતાઓ માટે નિઃશુલ્ક બાહ્ય અને આંતરિક ઉપચાર.
આ પણ વાંચોઃ BRICSમાં ભારતે બતાવ્યો દબદબો: પાકિસ્તાનને મોટો ઝટકો, ચીનની ચાલાકી પણ કામ ન આવી
હોસ્પિટલો દ્વારા દિશા-નિર્દેશોનું પાલન કરવા આદેશ આપતાં હાઈકોર્ટે કહ્યું છે કે, આ ગુનાઓમાં પીડિતાઓની તાત્કાલિક ધોરણે તપાસ કરી નિદાન કરવુ પડશે તેમજ એચઆઈવી જેવી બીમારી માટે સારવાર પણ આપવી પડશે. દુષ્કર્મ, એસિડ અટેક અને યૌન હુમલાની પીડિતાઓને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમમાં મફત સારવાર પ્રદાન કરવી પડશે.તેઓ મફત સારવારનો ઈનકાર કરી શકશે નહીં.
જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ અમિત શર્માની બેન્ચે 16 વર્ષીય યુવતી પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચર્યુ હોવાના કેસમાં આ આદેશ આપ્યો હતો. જો કોઈ હોસ્પિટલના ડોક્ટર, કર્મચારી કે મેનેજમેન્ટ મફત સારવારનો ઈનકાર કરે તો તેને દંડ કરવામાં આવશે. મફત સારવારમાં કોઈપણ પ્રકારના ટેસ્ટ, નિદાન અને લાંબા ગાળાની સારવાર સામેલ છે.