હોર્સ ટ્રેડિંગ લોકશાહી માટે જોખમરૂપ : સુપ્રીમ
- ચંડીગઢમાં મેયરની ચૂંટણી, સંદેશખલી વિવાદ, કર્ણાટકમાં સિદ્ધારામૈયાના દેખાવો મુદ્દે સર્વોચ્ચ અદાલતનો સપાટો
- આઝાદ ભારતમાં પહેલી વખત મુખ્ય ન્યાયધીશે કોર્ટમાં કોઇનું ક્રોસ એક્ઝામિન કર્યું : કોર્ટ ખુદ બેલેટ પેપરની ચકાસણી કરશે
નવી દિલ્હી : ચંડીગઢના મેયરની ચંૂટણીમાં ગેરરીતિ કરી હોવાનું રિટર્નિંગ ઓફિસરે સ્વીકારી લીધુ છે. જેને પગલે હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સોમવારે સુનાવણી થઇ હતી, રિટર્નિંગ ઓફિસરે પોતાનો ગુનો કબુલ કર્યો હતો, જે બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અધિકારીએ બેલેટ પેપરમાં છેડછાડ કરી હોવાનું સાબિત થાય છે માટે તેની સામે કેસ ચલાવવો જોઇએ. એટલુ જ નહીં સુપ્રીમ કોર્ટ ખુદ પણ બેલેટ પેપરની તપાસ કરશે. આ ચૂંટણીમાં વિપક્ષ આપ-કોંગ્રેસના આઠ મતોની સાથે છેડછાડ કરીને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. બેલેટ પેપર સાથે રિટર્નિંગ ઓફિસર છેડછાડ કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
સોમવારે સુનાવણી દરમિયાન રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ પણ હાજર રહ્યા હતા, સુપ્રીમ કોર્ટે અનિલ મસીહને પૂછ્યું હતું કે તમે બેલેટ પેપર સાથે છેડછાડ કરી હતી કે કોઇ નિશાન લગાવ્યા હતા કે નહીં? જવાબમાં પોતાનો ગુનો કબુલ કરતા અનિલ મસીહે કહ્યું હતું કે મે બેલેટ પેપર પર નિશાન લગાવ્યા હતા. જોકે તેની ગણતરી કરવામાં સરળતા રહે તે માટે આ નિશાન લગાવ્યા હોવાનો વિચિત્ર તર્ક તેમણે આપ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે અમે મંગળવારે ફરી સુનાવણી કરીશું, તે સમયે તમે હાજર રહેજો.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે હોર્સ ટ્રેડિંગને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. ચંડીગઢ આપના ત્રણ કાઉન્સેલર ભાજપમાં જતા રહ્યા હતા, જેને ટાંકીને સુપ્રીમે આ ટિપ્પણી કરી હોવાના અહેવાલો છે. સુપ્રીમ કોર્ટ હવે ફરી ચૂંટણી યોજવાના આદેશ આપશે કે કેમ અને રિટર્નિંગ ઓફિસર સામે શું કાર્યવાહી થશે તે મંગળવારે સામે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે અગાઉ મેયરની પુરી ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. અને કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે રિટર્નિંગ ઓફિસર બેલેટ પેપર સાથે છેડછાડ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની આ શંકા સાચી ઠરી છે અને રિટર્નિંગ ઓફિસરે ગુનો કબુલી લીધો છે.
૩૦મી જાન્યુઆરીએ ચંડીગઢ મેયરની ચૂંટણી થઇ હતી, ભાજપ સાંસદ કિરણ ખેરના મત બાદ ગણતરી શરૂ કરાઇ હતી. મતગણતરી રિટર્નિંગ ઓફિસર અને ભાજપ સાથે લિંક ધરાવતા અનિલ મસીહે કરી હતી. ભાજપને ૧૬ મત મળ્યા હતા જ્યારે આપ અને કોંગ્રેસ ગઠબંધનને ૨૦ મત મળ્યા હતા. બાદમાં અનિલ મસીહે દાવો કર્યો હતો કે આપ અને કોંગ્રેસના આઠ મત અયોગ્ય જાહેર કરવામાં આવે છે કેમ કે તેના બેલેટ પેપરમાં અન્ય ટિકમાર્ક હતા. અને તેથી આપ અને કોંગ્રેસના ૨૦માંથી આઠ મત રદ થતા આંકડો ૧૨ પર આવી ગયો હતો. અને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. પરીણામ જાહેર કરીને ખુદ આરોપી રિટર્નિંગ ઓફિસરે ભાજપના ઉમેદવારને ખુરશી પર બેસાડયા હતા. આ તમામ પ્રક્રિયાના વીડિયો સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયા હતા. જેને જોયા બાદ સુપ્રીમે કહ્યું હતું કે અમે લોકશાહીની હત્યા નહીં થવા દઇએ.
સીબીઆઇ, એસઆઇટીને તપાસની માગ ફગાવી
સંદેશખલી વિવાદને મણિપુર સાથે સરખાવી શકાય નહી
- હાઇકોર્ટ અગાઉથી જ આ મામલે કાર્યવાહી કરી રહી છે, ત્યાં અરજી કરી શકો છો
પશ્ચિમ બંગાળમાં સંદેશખલીમાં મહિલાઓ પર અત્યાચાર મુદ્દે તપાસની માગણી કરતી એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. પીઆઇએલમાં સીબીઆઇ અથવા તો એસઆઇટીને તપાસ સોપવાની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું કે આ મામલાની હાઇકોર્ટ દ્વારા સુઓમોટો દ્વારા નોંધ લેવામાં આવી છે. એક વકીલ દ્વારા આ પીઆઇએલ કરવામાં આવી હતી, જેમા ંમાગણી કરવામાં આવી હતી કે સંદેશખલીમાં જે પણ કઇ થયંુ તેની પોલીસ દ્વારા યોગ્ય રીતે તપાસ નથી થઇ રહી માટે એસઆઇટી અથવા તો સીબીઆઇ દ્વારા તપાસ થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે તમે હાઇકોર્ટમાં અરજી કરી શકો છો. કલકત્તા હાઇકોર્ટે આ મામલાની નોંધ લીધી છે. સંદેશખલીમાં ટીએમસી નેતાએ સ્થાનિક મહિલાઓ પર અત્યાચાર કર્યો હોવાનો દાવો કેટલીક મહિલાઓ કરી રહી છે. જ્યારે સત્તાધારી પક્ષ ટીએમસીએ કહ્યું છે કે અમે જે પણ આરોપીઓ હતા તેની સામે કાર્યવાહી કરી લીધી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે ટીએમસી નેતા શાજહાન શેખ હજુ ફરાર છે.
કર્ણાટક કોંગ્રેસના 35 નેતા સામે કાર્યવાહી પર સ્ટે
સરકાર સામે દેખાવો કરવાનો નેતા અને જનતાને અધિકાર
- વર્ષ 2022માં ભાજપ સરકાર સામે ધરણાં બદલ ફરિયાદ થઇ હતી
સુપ્રીમ કોર્ટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્યો સામેના વર્ષ ૨૦૨૨ના કેસમાં ચાલી રહેલી કોર્ટ કાર્યવાહી પર સ્ટે મુકી દીધો છે. તત્કાલીન ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચાર સહિતના મામલે કોંગ્રેસ નેતાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેને પગલે આશરે ૩૫થી વધુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોંગ્રેસ નેતાઓએ પોતાની સામે દાખલ ફરિયાદ રદ કરવાની માગણી કરી હતી, જેને પગલે સુપ્રીમ કોર્ટે ફરિયાદી પાસેથી પણ જવાબ માગ્યો છે. સદ્ધારમૈયાએ નીચલી કોર્ટમા ૨૬મી તારીખે હાજર થવાનું હતું, જોકે તેના પર પણ સ્ટે મુકી લીધો છે. હવે આ મામલે આગામી સુનાવણી છ સપ્તાહ બાદ કરવામાં આવશે.
આ ઉપરાંત કર્ણાટક હાઇકોર્ટે સિદ્ધારમૈયા, રણદીપ સુરજેવાલા, રામલિંગા રેડ્ડી સહિતના કેટલાક નેતાઓને ૧૦ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો જેના પર પણ સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી લીધો છે. એક કોન્ટ્રાક્ટરની આત્મહત્યા બાદ તેની ચિઠ્ઠીના આધારે કોંગ્રેસના નેતાઓએ તત્કાલીન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇના આવાસની ઘેરાબંધી કરી હતી. સાથે જ જે મંત્રી પર આરોપ હતો તેના રાજીનામાની પણ માગણી કરી હતી. આ વિરોધ પ્રદર્શન બદલ કોંગ્રેસના નેતાઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.