VIDEO : ઉત્તરાખંડમાં ભયાનક ભૂસ્ખલનના દૃશ્યો કેમેરામાં કેદ, હાઈવે બંધ થતાં વાહનો ફસાયા
Horrific Landslide In Uttarakhand : ઉત્તરાખંડથી એક ભયાનક ભૂસ્ખલનની વીડિયો સામે આવ્યો છે. આ ભૂસ્ખલનની ઘટના ધારચૂલા-તવાઘાટ નેશનલ હાઈવે પર બની હતી. આ ઘટના ભયાનક હતી કે ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને હાઇવે પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો.
અનેક વાહનો સાથે લોકો ફસાયા
આ ભૂસ્ખલન એટલો ભયાનક હતો કે મોટા મોટા પથ્થરો તૂટીને નેશનલ હાઈવે પર ધસી આવ્યા હતા. જેના પગલે વાહનોની અવર-જવર અટકી ગઇ હતી. અચાનક જ પર્વત પરથી ખડકો ધસવાના દૃશ્યો કેમેરામાં લોકોએ કેદ કરી લીધા હતા. હાલ બંને બાજુએ ઘણા વાહનો અટવાઈ ગયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
મળતી માહિતી અનુસાર ભૂસ્ખલનના સંકેત મળી જતાં લોકોએ તેમના વાહનો પહેલાથી જ અટકાવી દીધા હતા અને ઘટનાને કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે હાઇવે પણ ઠપ થઇ ગયો છે. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી.
આ ઘટના ક્યાં અને કેવી રીતે બની?
માહિતી અનુસાર આ ઘટના ઉત્તરાખંડના તવાઘાટ નેશનલ હાઈવે પર બની હતી. જેના લીધે ઝીરો પોઈન્ટ પાસેનો નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. આ રૂટ ભારત ચીનની બોર્ડરની પાસે છે. રોડ પર અનેક સ્થળે બાંધકામ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત-તિબેટ-ચીન સીમા સુધીનો 150 કિલોમીટરનો રોડ બની રહ્યો છે. જ્યારે બીજી બાજુ તવાઘાટ પાસે એક ડેમ બની પણ બની રહ્યો છે.