હોરી હૈ રસિયા, બરજોરી હૈ રસિયા...
વ્રજની હોળી જગવિખ્યાત છે. રાધા-કૃષ્ણ રંગોત્સવ રમતા હોય એવા સેંકડો ગીતો જાણીતા છે. કૃષ્ણ ગોપીઓ સાથે રંગોત્સવની ઉજવણી કરતા હોય એવા ભાવ સાથે વ્રજમાં હજુય પરંપરાગત રીતે હોળીનો તહેવાર ઉજવાય છે. કહે છે કે હોળીમાં દેવતાઓ પણ વ્રજમાં હોળી રમવા આવે છે. કેટલાય આશ્રમોમાં જુદી જુદી રીતે રંગોત્સવ ઉજવાય છે. વ્રજમાં હોળી રમવાની પદ્ધતિઓ પણ અનેક છે અને એના કારણે મથુરા-ગોકુળ-બરસાનાની હોળીના ભાગ લેવા માટે દેશભરમાં શ્રદ્ધાળુઓ આવે છે. વ્રજની હોળી એટલા માટેય અલગ તરી આવે છે કે આ વિસ્તારમાં હોળીનો તહેવાર ૪૦-૪૦ દિવસ સુધી જુદી જુદી રીતે ઉજવાય છે.
પ્રેમ જગત કા સાર મનવા : હજારો ગોળીઓની ગર્જના વચ્ચે ગૂંજતી પ્રેમધૂન
રશિયાએ યુક્રેનના વધુ એક શહેર ચાસિવ યાર પર જુલાઈ મહિનામાં કબજો કરી લીધો હતો. એ પહેલાં શહેરને નિશાન બનાવીને રશિયાએ મિસાઈલોનો મારો ચલાવ્યો હતો અને મકાનો ધ્વસ્ત કરી દીધા હતા. શહેરને બચાવવા મથતા યુક્રેનના સૈનિકો પર ભયાનક હુમલા થઈ રહ્યા હતા. યુક્રેનના સૈનિકો પર મોત ઝળૂંબતું હતું. ગમે ત્યારે મોતના ભય વચ્ચે એક સૈનિકે તબાહ થયેલાં ઘરમાં પડેલા પિયાનોમાં પ્રેમની ધૂન વગાડી હતી.
વાવાઝોડાં અને પૂરપ્રકોપથી હાહાકાર આસામ ફ્લોરિડા
ભારતમાં કેટલાય રાજ્યોમાં અતિભારે વરસાદથી પૂરપ્રકોપની સ્થિતિ સર્જાઈ હતી. આસામમાં પૂરના કારણે ૧૨૦ જેટલાં લોકોનાં મોત થયા હતા. ૨૦ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ઉત્તર પ્રદેશમાં ૯૫૦ ગામડાંમાં પૂરનું પાણી ભરાયું હતું. તો હિમાચલમાં ૩૧ લોકોનાં મોત થયા હતા. અમેરિકામાં ત્રાટકેલું તોફાન હેલેન ૨૦૧૭ પછી સૌથી વધુ ખતરનાક તોફાન હતું. સપ્ટેમ્બરમાં ફ્લોરિડા, જ્યોર્જિયા, કેરોલિના જેવા રાજ્યોમાં તરખાટ મચાવનારા આ વાવાઝોડાંમાં ૨૨૮ લોકોનાં મોત થયા અને હજુય ૨૬ ગુમ છે. હેલેનના કારણે ૧૨૪ અબજ ડોલરનું નુકસાન થયું. સ્પેનમાં વાવાઝોડું અને પૂરના કારણે કાર પણ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.
353 બેલે ડાન્સર્સના નામે વર્લ્ડ રેકોર્ડ બન્યો
ન્યૂયોર્કની પ્લાઝા હોટેલમાં ૧૭મી એપ્રિલે બેલે ડાન્સની એક ઈવેન્ટ યોજાઈ હતી. એમાં અમેરિકાની ૩૫૩ બેલે ડાન્સર્સને એક મંચ પર એકઠી કરવામાં આવી હતી. ડાન્સના અંતે તમામે એન પોઈન્ટ કર્યું ત્યારે તાળીઓનો ગડગડાટ થયો હતો અને કેટલીક વાર સુધી તાળીઓ ગૂંજી હતી. ટીવી અને સોશિયલ મીડિયામાં આ ઈવેન્ટનું લાઈવ કવરેજ પણ થયું હતું. બેલે ડાન્સમાં પગ વાળવાની ખાસ ટેકનિકને એન પોઈન્ટ કહેવામાં આવે છે. એ વખતે પગના પંજાનો ભાગ આખો સીધો થઈ જાય છે. એક જ સમયે ૩૫૩ બેલે ડાન્સર્સે એન પોઈન્ટ કરીને દર્શકોને તો મંત્રમુગ્ધ કર્યા જ હતા, પરંતુ તેની નોંધ ગિનેસ બુકે લીધી હતી અને બેલે ડાન્સર્સના આ ગુ્રપના નામે રેકોર્ડ દર્જ કર્યો હતો.
સહારાના રણમાં પાણી ભરાયું!
સહારા દુનિયાનું સૌથી વિશાળ ગરમ રણ છે અને જગતનું ત્રીજા નંબરનું સૌથી મોટું રણ છે. આ સહારાના રણમાં દાયકાઓ પછી પહેલી વખત સરેરાશ કરતાં વધુ વરસાદ થયો. આ ઘટના ખૂબ દુર્લભ કહેવાય, કારણ કે દુનિયાના સૌથી સૂકા વિસ્તારોમાં આ રણની ગણતરી થાય છે. રેતીના ઢૂંવા અને પામના વૃક્ષો પાણીમાં તરબોળ થયાં. ૫૦ વર્ષમાં પહેલી વખત આ વિસ્તારમાં પૂર આવ્યું હતું. જ્યાં આટલો વરસાદ ખાબક્યો છે તે સહારાનો પ્રદેશ મોરોક્કોમાં આવ્યો છે. મારઝુગા નામના આ એરિયામાં આટલો વરસાદ થયો તેનાથી હવામાન નિષ્ણાતોને આશ્વર્ય થયું છે. મોરોક્કો સહિતના દેશોમાંથી નેચર ફોટોગ્રાફીના શોખીનો રેતી અને પાણીના મિલનને કેમેરામાં કંડારવા પહોંચી ગયા હતા.
તમે મને પ્રેસિડેન્સી સોંપી હતી, ફરી હું તમને સોંપું છું!
અમેરિકાના રાજકીય ઈતિહાસમાં બહુ જ રેર બનતી ઘટના આ વર્ષે બની. ૨૦૨૦ની ચૂંટણીમાં પરાજય થયો પછી અમેરિકાની પરંપરા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેનના હાથમાં સત્તાના સૂત્રો સોંપ્યા હતા. ત્યારે કોઈએ કલ્પના નહીં કરી હોય કે એ જ બાઈડેન ફરીથી ટ્રમ્પને જ અમેરિકાના પ્રમુખપદની જવાબદારી સોંપશે. અમેરિકાના ઈતિહાસમાં ભાગ્યે જ આવી ઘટનાઓ બની છે. પ્રથમ ટર્મ પછી હારેલા પ્રમુખ બીજી ટર્મ માટે કમબેક કરીને જેમને સત્તા સોંપી હોય એ જ પ્રમુખ પાસેથી સત્તાના સૂત્રો સંભાળે એવું અમેરિકાના ઈતિહાસમાં ૧૩૨ વર્ષ બાદ બન્યું હતું. આ તસવીરમાં છે બે પૂર્વ પ્રમુખો અને બે વર્તમાન પ્રમુખો પણ...