સંસદની સુરક્ષામાં ચૂક બાદ ગૃહ મંત્રાલયનો મહત્ત્વનો નિર્ણય, સુરક્ષાની જવાબદારી CISFને સોંપવામાં આવી
સંસદમાં અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાન સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા હતા
Parliament Security Breach : સંસદની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સંસદની સુરક્ષાની જવાબદારી હવે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હી પોલીસના જવાન સંસદની સુરક્ષા સંભાળી રહ્યા હતા.
આ નિર્ણય તપાસ કમિટિની ભલામણ બાદ લેવાયો
સંસદની સુરક્ષામાં 13મી ડિસેમ્બરે ચૂક થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદની સુરક્ષાને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. વિરોધ પક્ષોની માંગ છે કે આ સુરક્ષા ચૂકને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમાં આવીને નિવેદન આપે. સંસદની સુરક્ષાની જવાબદારી હવે CISFને આપવાનો નિર્ણય તપાસ કમિટિની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. CISFએ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)નો એક ભાગ છે, જે પરમાણુ અને એરોસ્પેસ ડોમેન હેઠળ આવતી સંસ્થાઓ, એરપોર્ટ અને દિલ્હી મેટ્રોની સુરક્ષાનું કામ કરે છે. આ ઉપરાંત દિલ્હીમાં ઘણા મંત્રાલયોના ભવનોની સુરક્ષાની જવાબદારી પણ CISF પાસે છે. આ રીતે સરકારના આ નિર્ણય બાદ હવે CISF પાસે દેશની સૌથી સુરક્ષિત ગણાતી સંસદની સુરક્ષાની જવાબદારી પણ આવી ગઈ છે.
CISF સંસદ ભવન પરીસરનો સરવે કરશે
ગૃહમંત્રાલયે CISFને સંસદ પરીસરનો સરવે કરવા નિર્દેશ આપ્યો છે જે કારણે સુરક્ષાની જવાબદારી લેતા પહેલા CISF સંસદ ભવન પરીસરનો સરવે કરશે. આ સરવે દ્વારા જાણી શકાય છે કે CISFની સિક્યુરિટી અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાતી કેવી રીતે થઈ શકે છે. આ કામ માટે કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા કરનારી CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના એક્સપર્ટ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારી તેમની મદદ કરશે. આ ટીમમાં CISS ફાયર અને રેસ્ક્યું ઓફિસર્સનો પણ સમાવેશ કરવામાં આવશે.