'જમાત-એ-ઇસ્લામી' પર વધુ 5 વર્ષનો પ્રતિબંધ લગાવાયો, ગૃહ મંત્રાલયનો નિર્ણય
Jamaat e Islami Banned : ગૃહ મંત્રાલયે આગામી પાંચ વર્ષો માટે જમ્મુ કાશ્મીરના સંગઠન જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ વધારી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાના 'X' એકાઉન્ટ પર માહિતી આપતા તેની પુષ્ટિ કરી છે. શાહે કહ્યું કે, દેશની સુરક્ષાનો ખતરો પહોંચાડનારાઓને છોડીશું નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, આતંકવાદ અને અલગાવવાદ વિરૂદ્ધ જીરો ટોલરેન્સની નીતિ હેઠળ સરકારે જમાત-એ-ઈસ્લામ પર પ્રતિબંધ પાંચ વર્ષ સુધી વધારી દેવાયો છે.
સાથે કહ્યું છે કે સંગઠન રાષ્ટ્રની સુરક્ષા, અખંડતા અને સંપ્રભુતા વિરૂદ્ધ પોતાની ગતિવિધિઓ શરૂ રાખતુ જોવા મળ્યું છે. સંગઠને પહેલી વખત 28 ફેબ્રુઆરી 2019એ 'ગેરકાયદે સંગઠન' જાહેર કરી દેવાયું હતું.
ગત વખત 2019ના રોજ લગાવાયો હતો પ્રતિબંધ
જમાત-એ-ઇસ્લામી જમ્મુ કાશ્મીર પર ગત વખત 28 ફેબ્રુઆરી, 2019ના રોજ પ્રતિબંધ લગાવાયો હતો. આ સંગઠન જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવામાં સતત સામેલ છે, જે ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતા માટે હાનિકારક છે.
જમાત-એ-ઇસ્લામી જમ્મુ કાશ્મીર અને તેના સભ્યો વિરૂદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 સહિત કાયદાની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ જમ્મુ-કાશ્મીરમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સી (એસઆઈએ) દ્વારા ટેરર ફંડીગ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ હતી. જે અંતર્ગત 125 મિલકતો જપ્ત કરાઈ હતી, તે પૈકી એકલાં જમાત-એ-ઇસ્લામની જ 77 પ્રોપર્ટી સમાવિષ્ટ હતી. આ પ્રોપર્ટીઓનો ઉપયોગ આતંકીઓને નાણાકીય સહાય પહોંચાડવામાં થતો હતો. આ જપ્ત થયેલી મિલકતો (નિવાસ સ્થાનો કે દુકાનો) વેચી નહીં શકાય કે ખરીદી પણ નહીં શકાય, કે તેને ભાડે નહીં આપી શકાય કે લીઝ ઉપર પણ આપી નહીં શકાય.
સ્પષ્ટ છે કે તેનો હેતુ તે દ્વારા થતાં ટેરર ફંડીંગની કમર તોડવાનો છે તેમ કહેતાં સાધનો વધુમાં જણાવે છે કે કાશ્મીર ઘાટીમાં સૌથી વધુ મિલકતો જમાત-એ-ઇસ્લામી જૂથની છે. તેની મિલ્કતો નાનાં શહેરો અને ગામોમાં પણ રહેલી છે.