દેશ વિરુદ્ધ બોલ્યા તો જેલ, મોબ લિંચિંગ બદલ ફાંસી, ગૃહમંત્રીએ લોકસભામાં રજૂ કર્યા ત્રણ બિલ
આતંકવાદની વ્યાખ્યા પણ કરાશે, રાજદ્રોહને દેશદ્રોહમાં બદલવામાં આવશે
Parliament Winter Session 2023: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતિય) સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતિય) સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય (દ્વિતિય) અધિનિયમ 2023 બિલ લોકસભામાં રજૂ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે ‘ગુનાખોરીને લગતા આ ત્રણ કાયદાના બદલે રજૂ કરાઈ રહેલા આ ત્રણ બિલ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવા અને અંગ્રેજોના સમયના કાયદામાંથી મુક્તિ અપાવવા માટે નરેન્દ્ર મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અગાઉના કાયદામાં આતંકવાદની વ્યાખ્યા પણ ન હતી, પરંતુ હવે સરકાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે. રાજદ્રોહને પણ દેશદ્રોહમાં બદલવામાં આવશે. મોબ લિંચિંગ પણ એક ઘૃણાસ્પદ ગુનો છે. અમે તે બદલ ફાંસીની સજાની જોગવાઈ કરી છે. ’
સીઆરપીસીની 484 કલમ વધારીને 531 કરાઈ, 177 કલમમાં ફેરફાર
આ દરમિયાન વિપક્ષને આડે હાથ લેતા ગૃહ મંત્રીએ કહ્યું કે ‘મારો તમને સવાલ છે કે તમે પણ દેશમાં વર્ષો સુધી શાસન કર્યું, તો તમે મોબ લિંચિંગ વિરુદ્ધ કાયદો કેમ ના બનાવ્યો? તમે મોબ લિંચિંગ શબ્દનો ઉપયોગ ફક્ત અમને ગાળો આપવા કર્યો પરંતુ સત્તામાં હતા ત્યારે કાયદો બનાવવાનું જ ભૂલી ગયા. આ ત્રણેય બિલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાયો છે. તે બનાવતા પહેલા 158 કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો હતો. અગાઉ સીઆરપીસીમાં 484 કલમ હતી, જેમાં હવે 531 કલમો હશે. 177 કલમમાં ફેરફાર કરાયા છે, 39 નવી પેટા કલમ અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.’
અંગ્રેજોના જમાનાના જૂનાપુરાણા કાયદા બદલાશે
આ અંગે વધુ વિગત આપતા ગૃહ મંત્રીએ કહ્યું કે ‘આ ત્રણેય બિલના માધ્યમથી સરકાર ત્રણેય કાયદાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યા છે. અગાઉના કાયદામાં દેશની નહીં પણ બ્રિટિશ રાજની સુરક્ષા જ પ્રાથમિકતા અપાઈ હતી. આવા ત્રણ કાયદામાં પહેલીવાર અમે ભારતીયતા, ભારતીય બંધારણ અને ભારતની એ પ્રજાની ચિંતાને સ્થાન આપ્યું છે. અમે આમૂલ પરિવર્તન લઈને આવ્યા છીએ, જે ભારતની પ્રજાના હિતમાં છે. આઝાદી પછી પહેલીવાર ગુના વિરુદ્ધ ન્યાયની સિસ્ટમ સાથે સંકળાયેલા ત્રણ કાયદાનું માનવીયકરણ થશે. આ ત્રણેય બિલમાં અમે મહિલાઓ અને બાળકોને અસર કરતા કાયદાને પ્રાથમિકતા આપી છે. ત્યાર પછી માનવ અધિકારો સાથે સંકળાયેલા કાયદા અને દેશની સુરક્ષા સંબંધિત કાયદાને પ્રાથમિકતા અપાઈ છે.’