વક્ફ બિલ: અખિલેશ યાદવ પર બરાબરના વિફર્યા અમિત શાહ, કહ્યું- ગોળગોળ વાતો નહીં કરવાની
Waqf Amendment Bill: સંસદમાં આજે સંસદીય કાર્ય અને લઘુમતી બાબત મંત્રી કિરેન રિજિજૂએ સંશોધિત વક્ફ બિલ રજૂ કર્યું છે. જેના પર કોંગ્રેસ અને સપાના સાંસદો સહિત વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બિલ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત બિલને ઘાર્મિક આસ્થા પર હુમલો તેમજ લોકતંત્ર વિરૂદ્ધ ગણાવ્યું હતું. દરમિયાન અખિલેશ યાદવે સ્પિકરના અધિકારો છીનવાઈ રહ્યા હોવાની વાત કરતાં ગૃહમંત્રી અમિત શાહ તેમના પર ભડકી ઉઠ્યા હતા.
બિલ અંગે અખિલેશ યાદવે શું કહ્યું?
કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, વક્ફ બૉર્ડમાં સંશોધન બાદ જે બિલ લાવવામાં આવ્યું છે એ એકદમ સમજીને વિચારેલા કાવતરાં હેઠળ રજૂ કરાયું છે. વક્ફ બૉર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવાનો શું ઉદ્દેશ્ય છે? ઇતિહાસ વાંચો. એક જિલ્લાધિકારી હતા તેમણે શું-શું કર્યું તે આપણે બધાં જાણીએ છીએ. લઘુમતીઓના અધિકારો છીનવાઈ રહ્યા છે. ભાજપ સંપૂર્ણ રીતે ભયભીત તેમજ નિરાશ છે. આ માટે તે માત્ર કેટલાક કટ્ટર સમર્થકોના સંતોષ માટે આ બિલ લાવી રહ્યું છે. આ વચ્ચે અખિલેશ યાદવે ગૃહ અધ્યક્ષના અધિકારો અંગે વાત કરતાં ગૃહમંત્રી અમિત શાહ તેમના પર ભડકી ઉઠ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહ વિફર્યા
બિલ પર વાત કરતી વખતે અખિલેશ યાદવ અને અમિત શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. હકીકતમાં, અખિલેશ યાદવે લોકસભા સ્પીકરને કહ્યું કે, મેં સાંભળ્યું છે કે તમારા અધિકારો પણ છિનવાઈ રહ્યા છે. હવે અમે બધાએ મળીને તમારા માટે પણ લડવું પડશે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ તેમને વચ્ચે જ અટકાવતાં પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા હતા અને વાંધો વ્યક્ત કરતાં કહ્યું કે, તમે ગૃહનું અપમાન કરી રહ્યા છો. તમે અધ્યક્ષના અધિકારના સંરક્ષક નથી. અહીં ગોળમાળ વાતો નહીં કરવાની.
વિપક્ષનો વિરોધ
સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન મોદી સરકારે વક્ફ બૉર્ડ એક્ટમાં સુધારો કરવા સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું છે. આ બિલ અંગે સંસદમાં હોબાળો જોવા મળી રહ્યો છે. સરકાર મુજબ, આ બિલ વક્ફની સંપત્તિઓની સંભાળ માટે લાવવામાં આવી રહ્યું છે. જો કે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, સપા તેમજ નેશનલ કૉન્ફરન્સ જેવા વિપક્ષી દળોએ બિલનો વિરોધ કરી બિલને સ્થાયી સમિતિ પાસે મોકલવાની અપીલ કરી છે.
આ પણ વાંચોઃ વક્ફ બિલમાં સુધારા સાથે જ ઘણું બધું બદલાઈ જશે, સંસદમાં તેના પર જ થયું ઘમસાણ
વક્ફ કાયદો 1995ની કલમ 40 દૂર કરાઈ
સંશોધિત બિલમાં જે વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કરી રહ્યો હોય તે પોતાની ચલ-અચલ સંપત્તિને વક્ફમાં દાન કરી શકશે. વક્ફ-અલલ-ઔલાદ મહિલાઓને વારસાગત અધિકારોથી ઇન્કાર કરી શકતો નથી. વક્ફ કાયદો 1995ની કલમ 40ને દૂર કરવામાં આવી રહી છે. આ કાયદા હેઠળ વક્ફ બૉર્ડને કોઈપણ સંપત્તિને વક્ફ સંપત્તિ જાહેર કરવાનો અધિકાર હતો. પરંતુ હવે સંપત્તિના અધિકારો પર કાતર મૂકવામાં આવી છે. વક્ફ અધિનિયમની કલમ 40 પર સૌથી વધુ વિવાદ છે. કલમ 40ની જોગવાઈ છે કે, જો વક્ફ બૉર્ડ કોઈપણ સંપત્તિને વક્ફની સંપત્તિ સમજે છે, તો તેણે નોટિસ પાઠવી તપાસ હાથ ધર્યા બાદ તેનો નિર્ણય લેવામાં આવશે. તે શિયા વક્ફ છે કે સુન્ની તે પણ નક્કી કરી શકે છે. વક્ફ બૉર્ડના નિર્ણય વિરૂદ્ધ માત્ર ટ્રિબ્યુનલમાં જવાનો અધિકાર છે. જો કે, સંશોધિત બિલમાં ક્લેક્ટર કે ડેપ્યુટી ક્લેક્ટર જ સર્વે કમિશ્નર રહેશે.