HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલાથી જ ફેલાયેલો...' ICMRનો મોટો દાવો
Image Source: Twitter
HMPV Already In Circulation, Including In India: દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) નામના વાઈરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. હવે આ વાઈરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. ત્યારે હવે HMPVના વધી રહેલા જોખમ વચ્ચે ટોચની તબીબી સંસ્થા - ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આજે મોટો દાવો કરતા કહ્યું કે, 'HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે.' જો કે, તેણે એ પણ જણાવ્યું કે, ભારત શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે તૈયાર છે.
HMPV વાઈરસના ભારતમાં ત્રણ કેસ નોંધાયા
ICMRનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ વાઈરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. કર્ણાટકના બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ અને ત્રણ મહિનાના બાળકોમાં આ વાઈરસના લક્ષણ જોવા મળ્યા છે. બીજી તરફ અમદાવાદમાં પણ આજે ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાના બાળકનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગે અન્ય ક્ષેત્રો અથવા દેશોમાંથી સંક્રમણની શક્યતાઓને નકારી દેતા કહ્યું કે, સંક્રમિત બાળકો અને તેમના પરિવારોની તાજેતરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે અહીં જણાવ્યું હતું કે, ICMR દ્વારા નિયમિત પરીક્ષણમાં કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ મળી આવ્યા છે. દેશભરમાં શ્વસન સબંધિત બીમારી પર દેખરેખ રાખવા માટે ICMR દ્વારા ચાલી રહેલા પ્રયાસોના ભાગ રૂપે જ આ બંને કેસોની ઓળખ કરવામાં આવી છે.
વાઈરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલાથી જ ફેલાયેલો છે
મંત્રાલયે કહ્યું કે આ વાઈરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલાથી જ ફેલાયેલો છે અને ઘણા દેશોમાં તેના શ્વસન સબંધિત બીમારીના કેસ સામ આવ્યા છે. આ ઉપરાંત ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના હાલના ડેટાના આધારે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વસન સબંધિત બીમારી (SARI) ના કેસોમાં કોઈ અસામાન્ય વધારો નથી થયો.
આ પણ વાંચો: ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક દર્દી
આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.