ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે HMPV, હવે નાગપુરમાં નવા બે કેસ: જાણો ક્યાં સુધી પહોંચ્યો કુલ આંકડો
HMPV Virus India: દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. જેમાં બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે. જો કે આ અંગે કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ સર્જાશે નહીં.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જાહેર કર્યું હતું નિવેદન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે, 'આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં અમે તૈયાર છીએ.'
Human Metapneumovirus (HMPV) is not a new virus and has been circulating globally for many years.
— Jagat Prakash Nadda (@JPNadda) January 6, 2025
The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no cause… pic.twitter.com/IN1o5N38dq
કેન્દ્રીય મંત્રીએ આ વાયરસ અંગે કહ્યું હતું કે, 'તાજેતરના સમયમાં ચીનમાં HMPVના કેસમાં વધારો થયો હોવાના અહેવાલો છે. આના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આના પર ધ્યાન આપી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ શેર કરશે.'
જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરલ ચેપમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી.
આ પણ વાંચો: નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ: દિલ્હીથી લઈને બિહાર-બંગાળ સુધી અનુભવાયા આંચકા
દેવેન્દ્ર ફડણવીસે લોકોને કરી હતી અપીલ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લોકોને HMPV વાયરસથી ન ગભરાવવાની અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'આ વાયરસ નવો નથી, તે પહેલા પણ દેખાઈ ચૂક્યો છે અને હવે ફરી એકવાર તેની અસર દેખાઈ રહી છે. આ અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને માહિતી આપવાનો નિર્ણય લીધો છે અને મીડિયાને માત્ર સત્તાવાર માહિતી પ્રસારિત કરવાની અપીલ કરી છે.'