હિઝબુલ મુજાહિદ્દીનના વોન્ટેડ આતંકી મટ્ટૂની દિલ્હીમાંથી ધરપકડ
- મટ્ટૂના માથે રૂ.10 લાખનું ઈનામ હતું
- 11 હુમલા માટે જવાબદાર જાવેદ મટ્ટૂ, A ++ કેટેગરીનો એકલો જીવતો આતંકી
નવી દિલ્હી : હિઝબુલ મુજાહિદ્દીનનો વોન્ટેડ આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટૂ ગુરૂવારે દિલ્હીમાં ઝડપાઈ ગયો હતો. દિલ્હી પોલીસે કેન્દ્રીય એજન્સી સાથે મળીને આ ઓપરેશન પાર પાડયું હતું. પોલીસની ટીમે મટ્ટૂ પાસેથી એક પિસ્તોલ, છ જીવતા કારતૂસ અને ચોરેલી કાર જપ્ત કરી હતી.
જાવેદ અહેમદ મટ્ટુએ કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મટ્ટૂ જમ્મુ અને કાશ્મીરમાં ૧૧ આતંકી હુમલાઓમાં વોન્ટેડ હતો. તેના માથા પર રૂપિયા ૧૦ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે ગોળીબારમાં ઘાયલ થયા બાદ મટ્ટૂ ભૂગર્ભમાં ગયો હતો.
એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી મટ્ટૂ નેપાળ ભાગી ગયો હતો. થોડા દિવસ પહેલા દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે, મટ્ટૂ દિલ્હી-એનસીઆરમાં હથિયારો અને દારૂગોળો એકત્ર કરવા આવી શકે છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે, પાકિસ્તાન સ્થિત હેન્ડલર શસ્ત્રોની ડિલિવરીનું સંકલન કરશે.
જમ્મુ કાશ્મીરના સોપોરનો રહેવાસી મટ્ટૂ ઘણી વખત પાકિસ્તાન જઈ આવ્યો છે. મટ્ટૂ જમ્મુ કાશ્મીરમાં પાંચ ગ્રેનેડ હુમલા સહિત પાંચ પોલીસ કર્મચારીઓની હત્યામાં સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મટ્ટૂ એ પ્લસ પ્લસ કેટેગરીનો એકલો જીવિત આંતકી છે. સ્વતંત્રતા દિવસ પહેલા મટ્ટૂના ભાઈનો તિરંગો ફરકાવતો વીડિયો વાયરલ થયો હતો.