હિટ એન્ડ રન કાયદો : સરકાર-ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે સમાધાન, આશ્વાસન બાદ હડતાળ સમાપ્ત
કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ હડતાળ સમેટાઈ
હીટ એન્ડ રનમાં નવો નિયમ હાલ લાગુ નહી કરાય : AIMTC
નવી દિલ્હી, તા.02 જાન્યુઆરી-2024, મંગળવાર
Hit & Run Law : ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાળ (Transporter Strike) બાદ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનની નવી જોગવાઈને હાલ લાગુ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય બાદ ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પરત ખેંચી છે. નવી જોગવાઈના કારણે બસ અને ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા હતા, જેના કારણે જનજીવન પર અસર થઈ હતી. હવે આ મામલે સરકાર અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે હાલ સમાધાન થઈ ગયું છે. સરકારે નવી જોગવાઈ મોકુફ રાખતા ટ્રાન્સપોર્ટરોએ હડતાળ પરત ખેંચી છે. અગાઉ અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસની બેઠક અંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, ‘અમે આજે અખિલ ભારતીય પરિવહન કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.’
નવા કાયદાની કલમ હેઠળ હાલ કોઈપણ કાર્યવાહી કરાશે નહીં
અજય ભલ્લાએ કહ્યું કે, સરકાર જણાવવા માંગે છે કે નવા કાયદા અને દંડની જોગવાઈઓ હજુ સુધી લાગુ કરાઈ નથી. તેમણે કહ્યું કે, ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 106(2) લાગુ કરતાં પહેલાં ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કરાશે. ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોની ચિંતા સાંભળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે.
બેઠક બાદ ટ્રાન્સપોર્ટરોએ શું કહ્યું ?
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC)ના અધ્યક્ષ અમૃત લાલ મદને ગૃહ સચિવ સાથેની બેઠક બાદ સમસ્યાનું સમાધાન લાવવા અપીલ કરી હતી. તેમણે ડ્રાઈવરોને કહ્યું કે, તમે માત્ર અમારા ડ્રાઈવરો નહીં, સૈનિકો છો. અમે નથી ઈચ્છતા કે તમારે કોઈ અસુવિધાનો સામનો કરવો પડે.
ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું
AIMTC અધ્યક્ષે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે, સરકાર કાયદા હેઠળ 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ મોકુફ રાખશે. તેમણે કહ્યું કે, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની આગામી બેઠક સુધી કોઈ કાયદો લાગુ કરાશે નહીં.
નવી જોગવાઈમાં શું છે ?
હવે ભારતીય ન્યાય સંહિતાની ધારા 104(2) હેઠળ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો બેદરકારી અથવા ઝડપી વાહન ચલાવવાના કારણે કોઈનું મોત થાય અને આરોપી ડ્રાઈવર પોલીસને જાણ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જાય તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. 7 લાખનો દંડ પણ ભરવો પડી શકે છે. જો આરોપી અકસ્માત સ્થળેથી ન ભાગે તો 5 વર્ષની સજા થઈ શકે છે. આ બંને બાબતો બિનજામીન પાત્ર છે અને સૌથી મોટી વાત આરોપી ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાંથી જામીન નહીં મળે.