'બંદૂકની અણીએ PMOએ બિઝનેસમેનથી હસ્તાક્ષર કરાવ્યાં', મહુઆ મોઈત્રાએ સોગંદનામા પર ઊઠાવ્યાં સવાલ

તેમણે કહ્યું કે ભાજપ સરકાર એટલી ઉત્સુક છે કે તે કોઈ પણ રીતે અદાણી મુદ્દે મને બોલતા અટકાવવા માગે છે

મોઈત્રાએ પૂછ્યું કે દર્શન હીરાનંદાણીને સીબીઆઈ કે એથિક્સ કમિટી કે પછી કોઈ તપાસ એજન્સી દ્વારા અત્યાર સુધી બોલાવાયા નથી તો પછી તેમણે સોગંદનામુ કોને આપ્યું?

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
'બંદૂકની અણીએ PMOએ બિઝનેસમેનથી હસ્તાક્ષર કરાવ્યાં', મહુઆ મોઈત્રાએ સોગંદનામા પર ઊઠાવ્યાં સવાલ 1 - image

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઈત્રા (Mahua moitra) પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણીએ (Darshan Hiranandani) ગંભીર આરોપો મૂકી ખળભળાટ મચાવી દીધો છે. જોકે તૃણમૂલ સાંસદે સામે વળતા પ્રહાર કર્યા હતા. તેમણે વડાપ્રધાનના કાર્યાલય (PMO) પર આરોપ લગાવ્યો છે કે તેના દ્વારા બિઝનેસમેન પર દબાણ બનાવાયું છે. 

સોગંદનામાની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊઠાવ્યો 

મહુઆએ હીરાનંદાણીના સોગંદનામાની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊઠાવ્યો છે. તેમણે કહ્યું કે આ સોગંદનામાનું કાગળ એક સફેદ ટુકડો જ છે તેમાં કોઈ લેટરહેડ નથી. બે પાનાની પ્રેસ નોટમાં મહુઆ મોઈત્રાએ કહ્યું કે એવા સફળ ધનિક બિઝનેસમેન હીરાનંદાણી કે જેમની દરેક મંત્રી અને પીએમઓ સુધી પહોંચ છે તેમને પહેલીવાર સાંસદ દ્વારા ભેટ આપવા અને તેમની માગને પૂરી કરવા માટે કેમ મજબૂર કરાશે? આ સંપૂર્ણપણે તર્કહીન છે. 

પીએમઓ પર લગાવ્યો ગંભીર આરોપ

મહુઆ મોઈત્રા અહીં જ ન રોકાયા અને તેમણે આગળ કહ્યું કે આ પત્ર પીએમઓ દ્વારા તૈયાર કરાયો હતો ન કે દર્શન હીરાનંદાણી દ્વારા. મોઈત્રાએ એ દાવાને પણ ફગાવી દીધા છે જેમાં કહેવાયું હતું કે તેમણે બિઝનેસમેનથી રોકડ કે ભેટ સ્વીકાર્યા હતા. મોઈત્રાએ કહ્યું કે પીએમઓએ દર્શન હીરાનંદાણી અને તેમના પિતાના માથે બંદૂક તાણી દીધી અને તેમને મોકલેલા પત્ર પર હસ્તાક્ષર કરવા ફક્ત 20 મિનિટનો સમય આપ્યો હતો. તેમને ધમકી અપાઈ હતી કે જો તેઓ આવું નહીં કરે તો તેમના તમામ બિઝનેસને બંધ કરી દેવાશે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર એટલી ઉત્સુક છે કે તે કોઈ પણ રીતે અદાણી મુદ્દે મને બોલતા અટકાવવા માગે છે. તેમણે કહ્યું કે દર્શન હીરાનંદાણીને સીબીઆઈ કે એથિક્સ કમિટી કે પછી કોઈ તપાસ એજન્સી દ્વારા અત્યાર સુધી બોલાવાયા નથી. તો પછી તેમણે સોગંદનામુ કોને આપ્યું?  


Google NewsGoogle News