Get The App

જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુઓને પૂજા કરવાની છૂટ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુઓને પૂજા કરવાની છૂટ 1 - image


- 1993 સુધી પૂજા થતી હતી, 30 વર્ષ બાદ વારાણસી કોર્ટે બેરિકેડ્સ હટાવવા આદેશ આપ્યો

- માત્ર વ્યાસજીના તેહખાનામાં જ પૂજાની છૂટ અપાઇ છે, મુસ્લિમ પક્ષકારો કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે

- કાશી વિશ્વનાથ ટ્રસ્ટ પૂજા માટે પૂજારીની નિમણૂંક કરશે, વારાણસીના મેજિસ્ટ્રેટને સાત દિવસમાં વ્યવસ્થા કરવા આદેશ 

વારાણસી : ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના એક હિસ્સામાં પૂજાપાઠ કરવા માટે હિન્દુ પક્ષકારોને કોર્ટ દ્વારા છૂટ આપવામાં આવી છે. વારાણસીની કોર્ટે હિન્દુ પક્ષકારોની પૂજા કરવાની માગ કરતી અરજીનો સ્વીકાર કર્યો હતો. મસ્જિદ જે સ્થળે છે ત્યાં અગાઉ મંદિર હોવાના દાવાનો વિવાદ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે જે અંગે કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો, પણ આ મસ્જિદના જે હિસ્સામાં ૧૯૯૩ સુધી પૂજાપાઠ થતા હતા ત્યાં ફરી છૂટ આપવામાં આવી છે. જે વિસ્તારમાં પૂજાની છૂટ અપાઇ છે તેને તેહખાના તરીકે પણ ઓળખવામાં આવે છે. 

વારાણસીની આ જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજીનું તેહખાનું આવેલુ છે, જ્યાં અગાઉ પૂજાપાઠ થતા હતા જોકે ઉત્તર પ્રદેશની મુલાયમસિંહની તત્કાલીન સરકારે તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ તેહખાનામાં સોમનાથ વ્યાસ અને તેનો પરિવાર પૂજાપાઠ કરતા હતા. હવે ત્યાં ફરી પૂજાપાઠની છૂટની માગ કરતી અરજી કોર્ટમાં કરાઇ હતી. વારાણસીની જિલ્લા કોર્ટ દ્વારા તેનો સ્વીકાર કરાયો છે. જજ એ. કે. વિશ્વેસાએ પૂજાની છૂટ આપતા પોતાના આદેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટને કહ્યું છે કે તેઓ સાત દિવસની અંદર પૂજાની વ્યવસ્થા કરે. 

જ્ઞાનવાપી મસ્જિદના જે હિસ્સામાં સોમનાથ વ્યાસ પૂજા કરતા હતા ત્યાં મંજૂરીની માગણી સોમનાથ વ્યાસના ભાણેજ શૈલેન્દ્ર કુમાર પાઠક દ્વારા કરવામાં આવી હતી. કોર્ટના આ આદેશ બાદ મુસ્લિમ પક્ષકાર મૌલાના ખાલિદ રાશિદ ફિરંગીએ કહ્યું હતું કે અમે કોર્ટના આ ચુકાદાથી નિરાશ છીએ, અમે હવે હાઇકોર્ટમાં પડકારીશું. જ્યારે હિન્દુ પક્ષકારોએ કહ્યું છે કે અમને ૩૦ વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કેમ કે નવેમ્બર, ૧૯૯૩ સુધી અમને આ મસ્જિદમાં પૂજાપાઠ કરવાની છૂટ હતી. આ પહેલા ૧૭મી જાન્યુઆરીએ કોર્ટના આદેશ બાદ જિલ્લા પ્રશાસને જ્ઞાનવાપીના વ્યાસજીના તેહખાનાને પોતાના કબજામાં લઇ લીધો હતો. 

એએસઆઇના સરવે દરમિયાન પણ આ તેહખાનાની સાફસફાઇ કરવામાં આવી હતી. હવે જિલ્લા જજે પોતાના આદેશમાં કહ્યું છે કે વિશ્વનાથ મંદિરના પૂજારી દ્વારા અહીંયા પૂજા કરાવવામાં આવે. જે પણ બેરિકેડ્સ હોય તેને હટાવી લેવામાં આવે. આદેશ અનુસાર જે વ્યાસજીનું તેહખાનું છે તેના કસ્ટોડિયન હવે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ થઇ ગયા છે. તેઓ હવે પૂજા સ્થળની આસપાસ જે બેરિકેડ્સ હશે તેને હટાવશે અને અગાઉની જેમ પૂજાપાઠ કરવાની વ્યવસ્થા કરી આપશે. વારાણસી કોર્ટના આ ચુકાદા અંગે પોતાનો પ્રતિભાવ આપતા અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે કોર્ટે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે અગાઉ જ્યાં પૂજાપાઠ થતા હતા તે શરૂ રહેશે. પૂજાપાઠ કરવાનો નાગરિકને અધિકાર છે અને તે દિશામાં કોર્ટે ચુકાદો આપ્યો છે. જે પણ લોકોએ પૂજાપાઠ અટકાવ્યા તેમણે ખોટુ કર્યું હતું. 


Google NewsGoogle News