હિન્દુ સમાજે વિચારવું પડશે કે તેનું અપમાન સંયોગ છે કે પ્રયોગ : પીએમ
- હિન્દુઓને હિંસક કહેનારા જ હિન્દુ આતંકવાદ શબ્દ લાવ્યા, હિન્દુ ધર્મને ડેન્ગ્યુ, મલેરિયા સાથે સરખાવ્યો
- વિકાસના દરેક મોરચા પર દેશને, સૈન્યને નબળા પાડવાનું કામ કરતી કોંગ્રેસની ઈકોસિસ્ટમને તેની ભાષામાં જ જવાબ અપાશે
- ૯૯ માર્ક્સનો ગર્વ કરનાર બાળક બુદ્ધિને કોણ સમજાવે ૧૦૦માંથી નહીં ૫૪૩માંથી મળ્યા છે, ફેલ થવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો
નવી દિલ્હી: હિન્દુઓને હિંસક કહેવાના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનની આકરી ટીકા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે, વિપક્ષ દ્વારા સતત હિન્દુઓનું અપમાન એ સંયોગ છે કે પ્રયોગ તે હિન્દુ સમાજે વિચારવાનું છે. હિન્દુ સમાજ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. આ સાથે નીટ પેપર લીક, અગ્નિવીર સહિતના મુદ્દાઓ પર વિપક્ષની ઝાટકણી કાઢતાં પીએમ મોદીએ કહ્યું કે, એનડીએનું ત્રીજી વખત સત્તા પર આવવું ઐતિહાસિક ઘટના છે. ૬૦ વર્ષ પછી કોઈ સરકારે આવી સિદ્ધિ મેળવી. ૧૮મી લોકસભાના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર પીએમ મોદીના ભાષણ સાથે લોકસભાનું સત્ર પૂરું થયું હતું.
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પહેલા ભાષણમાં રાહુલ ગાંધીએ હિન્દુઓ હિંસક હોવાનું વિવાદાસ્પદ નિવેદન કરીને ભાજપ-આરએસએસને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં રાહુલ ગાંધી પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ લોકોના જૂઠ્ઠાણા દેશના નાગરિકોની વિવેકબુદ્ધિ પર આશંકા વ્યક્ત કરે છે. ગૃહમાં શરૂ થયેલી જુઠ્ઠાણાની આ પરંપરા પર આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. દેશવાસીઓ અને આ ગૃહની પણ આ અપેક્ષા છે. કાલે જે થયું તેને દેશવાસીઓ માફ નહીં કરે. આ ગંભીર કાવતરું છે. હિન્દુ સમાજે વિચારવાનું છે કે તેનું આ અપમાન સંયોગ છે કે કોઈ મોટા પ્રયોગની તૈયારી છે.
તેમણે ઉમેર્યું કે, ૧૩૧ વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં કહ્યું હતું કે, મને ગર્વ છે કે હું એવા ધર્મમાંથી આવું છું, જેણે આખી દુનિયાને સહિષ્ણુતા શિખવાડયા છે, જેના કારણે ભારતમાં લોકતંત્ર ખીલ્યું છે. પરંતુ આજે હિન્દુઓ પર ખોટા આરોપો મુકાઈ રહ્યા છે. એમ કહેવાયું કે હિન્દુ હિંસક હોય છે. આ એ લોકો છે જેઓ હિન્દુ શક્તિના વિનાશની વાત કરે છે. તેમણે હિન્દુ આતંકવાદ શબ્દ ગઢવાનું કાવતરું કર્યું હતું. તેમના સાથી હિન્દુ ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મલેરિયા સાથે કરે છે. આ ઈકોસિસ્ટમ હિન્દુ પરંપરા, હિન્દુ સમાજ, દેશની સંસ્કૃતિ, દેશના વારસાનું અપમાન કરે છે.
નીટ પેપર લીક મુદ્દે રસ્તાથી સંસદ સુધી હોબાળો મચ્યો છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે સરકાર પેપર લીક રોકવા માટે અત્યંત ગંભીર છે. તેના માટે એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે. હું દરેક વિદ્યાર્થીને કહીશ કે સરકાર આવી ઘટનાઓ રોકવા માટે અત્યંત ગંભીર છે. યુદ્ધ સ્તરે અમે અમારી જવાબદારીઓ પૂરી કરવા પગલાં લઈ રહ્યા છીએ. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાને છોડવામાં નહીં આવે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત આગળ વધે છે તેમ સ્પર્ધા અને પડકારો પણ વધે છે. ભારતની પ્રગતિથી કેટલાક લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ તાકતો ભારતની ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડાયવર્સિટી પર હુમલા કરી રહી છે. આ અંગેની ચિંતા માત્ર સરકારની નથી. સુપ્રીમ કોર્ટે પણ તેનાથી ચિંતિત છે. સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં ગંભીરતાપૂર્વક કહ્યું કે એવું લાગે છે કે મહાન દેશની પ્રગતિ પર શંકાઓ કરવા, દરેક મોરચા પર તેને નબળો કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ પ્રકારના કોઈપણ પ્રયત્નને શરૂઆતમાં જ રોકી દેવા જોઈએ.
૨૦૧૪માં એનડીએ સરકાર બન્યા પછી દેશના વિકાસમાં કોંગ્રેસની ઈકોસિસ્ટમ પણ એક મોટો પડકાર છે. આ ઈકોસિસ્ટમને દેશની વિકાસયાત્રા રોકવાનું નક્કી કરી લીધું છે. પરંતુ હવે આ ઇકોસિસ્ટમના દરેક કાવતરાનો જવાબ તેની જ ભાષામાં અપાશે. અગ્નિવીર મુદ્દાનો ઉલ્લેખ કરતાં મોદીએ ઉમેર્યું કે, કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે તેણે સૈન્યને મજબૂત થવા દીધું નહીં. જીપ, બોફોર્સ સહિતના કૌભાંડ તેનો પુરોવો છે. તેણે ક્યારેય સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવા દીધું નહીં. આજે કોંગ્રેસ વિપક્ષમાં છે ત્યારે પણ તે અગ્નિવીર મુદ્દે રાજકારણ કરીને સૈન્યને નબળું કરવાનું કામ કરી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત ૧૦૦ બેઠકોનો આંકડો વટાવી શકી નથી. આ તેનો ત્રીજો સૌથી ખરાબ દેખાવ છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું, આજકાલ બાળકને ફોસલાવવાનું કામ ચાલી રહ્યું છે. ૯૯ માર્ક્સ લાવનાર એક બાળક અહંકારમાં બધાને બતાવતું કે જૂઓ આટલા માર્ક્સ આવ્યા, બધા તેને શાબાશી આપતા હતા. એક દિવસ તેના શિક્ષકે કહ્યું કે આટલો ખુશ કેમ થાય છે? મીઠાઈ કેમ વહેંચે છે? તું ૧૦૦માંથી ૯૯ નથી લાવ્યો. આ તો ૫૪૩માંથી લાવ્યો છે. હવે બાળક બુદ્ધિને કોણ સમજાવે કે તેણે નપાસ થવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
- કોંગ્રેસે શોલે ફિલ્મનાં માસીને પણ પાછળ છોડયા
નવી દિલ્હી: રાહુલ ગાંધીનું નામ લીધા વીના વડાપ્રધાન નરેેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ નિવેદનબાજીમાં શોલે ફિલ્મને પણ પાછળ પાડી દીધી છે. આ લોકો કહે છે - અરે માસી, ભલે સતત ત્રીજી વખત જ તો હાર્યા છીએ, પણ નૈતિક વિજય તો થયો છે ને. અરે માસી, ૧૩ રાજ્યોમાં શૂન્ય બેઠક આવી છે, પરંતુ હીરો તો છીએ ને. અરે માસી, પક્ષ ડૂબી રહ્યો છે, પરંતુ શ્વાસ તો લઈ રહ્યો છે ને.
હું તો કહીશ કે નકલી વિજયની ઊજવણી છોડો. પ્રમાણિક્તાથી દેશમાં મળેલા જનાદેશને સમજવાનો પ્રયત્ન કરો અને તેનો સ્વીકાર કરો.