‘જ્ઞાનવાપીમાં મોટું હિન્દુ મંદિર, દેવી-દેવતાની મૂર્તિઓ હતી’ ASI સરવેને ટાંકીને હિન્દુ પક્ષનો દાવો
17મી સદીમાં હિન્દુ મંદિરને તોડી, તેના કાટમાળથી જ વર્તમાન માળખું બનાવાયું હોવાનો દાવો
જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque)ના ASI સરવેના રિપોર્ટ (ASI Survey Report) મુદ્દે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મને જિલ્લા ન્યાયાધીશના નકલ વિભાગ કચેરીએ જ્ઞાનવાપી મસ્જિદની એએસઆઈ સરવે રિપોર્ટ સોપ્યો છે. રિપોર્ટ 839 પેજનો છે. વિષ્ણુ શંકરે પ્રેસ કોન્ફરન્સ યોજી રિપોર્ટનો ઉલ્લેખ કરી ઘણા દાવા કર્યા છે.
હિન્દુ પક્ષે સરવે રિપોર્ટ સોંપવાની માંગ કરી હતી
વાસ્તવમાં કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી મસ્જિદનો એએસઆઈ સરવે કરાવાયો હતો. એએસઆઈએ 18 ડિસેમ્બરે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રિપોર્ટ રજુ કર્યો હતો, જે અંગે હિન્દુ પક્ષે રિપોર્ટ બંને પક્ષોને સોંપવાની માંગ કરી હતી. ત્યારબાદ જિલ્લા અદાલતે 24 જાન્યુઆરી-2024ના રોજ તમામ પક્ષોને સર્વે રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.
‘ત્યાં એક મોટું ભવ્ય હિન્દુ મંદિર હતું’
વિષ્ણુ શંકરે દાવો કર્યો છે કે, ‘જીપીઆર સર્વે પર એએસઆઈએ કહ્યું છે કે, એ કહી શકાય છે કે, ત્યાં એક મોટું ભવ્ય હિન્દુ મંદિર હતું, અત્યારના માળખા અગાઉ એક મોટું હિન્દુ મંદિર હતું. એએસઆઈના જણાવ્યા મુજબ વર્તમાન માળખાની પશ્ચિમી દિવાલ પહેલાના હિન્દુ મંદિરનો એક ભાગ છે. ત્યાં એક પ્રી એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે, તેની ઉપર જ બનાવાયા હતા.
‘ત્યાં મળેલા 22 શિલાલેખ હિન્દુ મંદિરના’
હિન્દુ પક્ષે રિપોર્ટને ટાંકીને દાવો કર્યો છે કે, ‘મસ્જિદના પિલર્સ અને પ્લાસ્ટરમાં આંશિક મોડિફિકેશન સાથે મસ્જિદ માટે ફરી ઉપયોગ કરાયો છે. હિન્દુ મંદિરના થાંભલાનો આંશિક ફેરફાર કરી નવા માળખા માટે ઉપયોગ કરાયો છે. થાંભલા પરના કોતરણી કામનો નાશ કરવાનો પ્રયાસ કરાયો છે. ત્યાં મળેલા 22 શિલાલેખ હિન્દુ મંદિરના છે. દેવનાગરી ગ્રંથતેલુગુ કન્નડના પણ શિલાલેખ મળ્યા છે.’
‘ભૂગર્ભ સ્થળેમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ’
હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો કે, મહામુક્તિ મંડપ ખુબ જ મહત્વપૂર્ણ શબ્દ છે, જે તેના શિલાલેખમાં મળ્યો છે. સરવે દરમિયાન એક પથ્થર મળ્યો, શિલાલેખ મળ્યો, જેનો તૂટેલો ભાગ પહેલેથી જ એએસઆઈ પાસે હતો. પહેલાના મંદિરના થાંભલાઓનો ફરી ઉપયોગ કરાયો છે. ભૂગર્ભ સ્થળેથી હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે, તેને ભૂગર્ભની નીચે માટીથી દબાવી દેવાઈ હતી. પશ્ચિમી દિવાલ હિન્દુ મંદિરનો ભાગ છે, જે સ્પષ્ટ છે. 17મી સદીમાં હિન્દુ મંદિરને તોડાયું અને તેના ધ્વસ્ત કરાયેલા કાટમાળથી જ વર્તમાન માળખું બનાવાયું. મંદિરના થાંભળાનું રેસ્ક્યૂ કરાયું છે.
કોર્ટે રિપોર્ટની હાર્ડકોપી સોંપવા આદેશ કર્યો હતો
વાસ્તવમાં હિન્દુ પક્ષ તરફથી કોર્ટમાં હાજર વકીલ વિષ્ણુ શંકર જૈને ભારપૂર્વક કહ્યું હતું કે, પક્ષકારોને ઈમેલ દ્વારા રિપોર્ટની કૉપી અપાશે. જોકે ASIએ વાંધો ઉઠાવી દલીલ કરી હતી કે, ઈ-મેલ પર રિપોર્ટની ટેપરિંગ થઈ શકે છે અને રિપોર્ટ સાઈબર ફ્રોડનો શિકાર બની શકે છે, તેથી તેની હાર્ડ કોપી જ અપાશે, જેના પર મુસ્લિમ પક્ષે સહમતી સાધી હતી. ત્યારબાદ જિલ્લા ન્યાયાધીશે જ્ઞાનવાપી સરવે અંગેના એએસઆઈના રિપોર્ટની હાર્ડ કોપી પક્ષકારોને આપવા આદેશ કર્યો હતો.