'હિન્દુ-સેના'એ નવી દિલ્હીમાં 'બાબર રોડ'ના બોર્ડ ઉપર 'અયોધ્યા-માર્ગ'નું સ્ટિકર લગાડી દીધું
- સત્તાધીશોએ તે સ્ટિકર તુર્તજ દૂર કરી નાખ્યું
- હિન્દુ-સેનાની વર્ષોથી માંગણી હતી કે 'બાબર રોડ'નું નામ બદલી કોઈ મહાપુરૂષનું નામ તે રોડને આપવું જોઈએ : વિષ્ણુ ગુપ્તા
નવી દિલ્હી : 'હિન્દૂ-સેના'એ શનિવારે નવી દિલ્હીમાં આવેલા 'બાબર રોડ'ના બોર્ડ ઉપર 'અયોધ્યા-માર્ગ' તેવું સ્ટિકર લગાડી દીધું હતું. આ સ્ટિકર 'લલિત હોટેલ' પાસેના એક 'સાઈન બોર્ડ' પર લગાડી દેવામાં આવ્યું છે. આ અંગે 'હિન્દૂ-સેના'ના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે, હિન્દૂ-સેનાની ઘણા લાંબા સમયથી માંગણી હતી કે તે રોડનું નામ 'બાબર રોડ' બદલી કોઈ મહાપુરૂષનું નામ તેને આપવું જોઈએ. આજે હિન્દૂ-સેનાના કાર્યકર્તાઓએ તે કામ કરી નાખ્યું હતું. પરંતુ સત્તાધીશોએ લગભગ તુર્તજ 'અયોધ્યા માર્ગ'નું સ્ટિકર બાબર રોડના સાઈન બોર્ડ ઉપરથી દૂર કર્યું હતું.
વિષ્ણુ ગુપ્તાએ તે સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે, 'હિન્દૂ-સેના'ની ઘણાં વર્ષોથી જ માગણી હતી તે આજે પૂરી થઈ છે. હિન્દુ-સેનાના કાર્યકર્તાઓએ અહીંના 'બાબર રોડ'નું નામ બદલી 'અયોધ્યા માર્ગ' રાખવામાં આવ્યું છે. હિન્દૂ-સેનાના કાર્યકર્તાઓની ઘણાં સમયથી માંગણી હતી કે જેહાદી અને આતંકી બાબરનું નામ ધરાવતી આ સડકનું નામ બદલી કોઈ મહાપુરૂષનું નામ રાખવું જોઈએ. આજે હિન્દૂ-સેનાના કાર્યકર્તાઓએ આ કામ કર્યું છે. જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ૨૨મી તારીખે તેની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે ત્યારે દિલ્હીમાં 'બાબર રોડ'નું શું કામ છે ?
જોકે હિન્દૂ સેનાએ લગાડેલું આ સ્ટિકર સત્તાધીશોએ તુર્તજ દૂર પણ કરી નાખ્યું હતું.
હિન્દૂ સેના અને વિષ્ણુ ગુપ્તા પહેલેથી જ ચર્ચામાં છે. ૧૪ જૂન ૨૦૧૬ના દિવસે તત્કાલીન અમેરિકી પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના જન્મ દિને એક પાર્ટી આયોજિત કરી હતી અને તેમના વિજય માટે પ્રાર્થના કરી હતી. ૨૨ સપ્ટે. ૨૦૨૩ના દિને 'ઓલ ઈંડીયા મજલિસ એ-ઈત્તેહાદુલ મુસ્લીમના પ્રમુખ અસરૂદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરવાના આરોપ પર વિષ્ણુ ગુપ્તા સહિત ૫ લોકો ઉપર કાર્યવાહી ચલાવાઈ હતી. વિષ્ણુ ગુપ્તા ઉપર ઘણી વખત કાર્યવાહી થઈ છે.'