હિન્દુ સેનાએ દિલ્હીમાં 'બાબર રોડ' પર 'અયોધ્યા માર્ગ' લખેલું સ્ટિકર ચોંટાડ્યું, દિલ્હી પોલીસે હટાવ્યું
હિન્દુ સેનાએ કહ્યું કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે ત્યારે હવે બાબર રોડની શું જરૂર?
Babar Road Delhi News | રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિન્દુ સેનાના કાર્યકરોએ બાબર રોડ પર લગાવેલા સાઈન બોર્ડ પર અયોધ્યા માર્ગનું સ્ટીકર ચોંટાડી દીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ સ્ટિકરને હટાવી દીધું હતું. હિન્દુ સેના ઘણાં સમયથી બાબર રોડનું નામ બદલવાની માગ ઊઠાવી રહી હતી.
ક્યારે બની ઘટના?
માહિતી અનુસાર શનિવારે સવારે બાબર રોડના સાઈન બોર્ડ પર અયોધ્યા માર્ગ લખેલું સ્ટિકર ચોંટાડેલું જોવા મળ્યું હતું. એનડીએમસી દ્વારા લગાવાયેલા સાઈન બોર્ડ પર હિન્દુ સેનાએ આ સ્ટિકર લગાવ્યું હતું. તેની જવાબદારી પણ તેણે સ્વીકારી હતી.
હિન્દુ સેનાએ શું કહ્યું?
હિન્દુ સેનાએ કહ્યું હતું કે અમે ઘણા સમયથી માગ કરી રહ્યા છીએ કે બાબર રોડનું નામ બદલીને કોઈ મહાપુરુષના નામે રાખવામાં આવે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે એવામાં દિલ્હીમાં હવે આ બાબર રોડની શું જરૂર છે?