Get The App

શિમલામાં બે દિવસમાં ગેરકાયદે મસ્જિદ તોડી પાડવા હિન્દુ સંગઠનની માગ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
શિમલામાં બે દિવસમાં ગેરકાયદે મસ્જિદ તોડી પાડવા હિન્દુ સંગઠનની માગ 1 - image


- મસ્જિદ તોડી પાડવા વિધાનસભામાં કોંગ્રેસનું આક્રમક વલણ

- સરકારી જમીન પર પાંચ માળની ગેરકાયદે મસ્જિદ બનાવાઈ, 14 વર્ષથી કોર્ટમાં કેસ પેન્ડિંગ : કોંગ્રેસ નેતાનો દાવો

- સંજૌલીમાં કેટલાક મુસ્લિમોએ હિન્દુ વેપારી પર હુમલો કરતાં બંને સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું 

શિમલા : હિમાચલ પ્રદેશના પાટનગર શિમલાના સંજૌલી ક્ષેત્રમાં એક ગેરકાયદે મસ્જિદના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિન્દુ સંગઠનોએ વિધાનસભા પરિસરમાં આવેલા ચૌરા મેદાનમાં દેખાવો કર્યા હતા અને બે દિવસમાં ગેરકાયદે મસ્જિદ તોડી પાડવા માગ કરી હતી. વધુમાં કોંગ્રેસ શાસિત રાજ્યમાં આ મુદ્દા પર વિધાનસભામાં ગ્રામીણ વિકાસ અને પંચાયતિ રાજ મંત્રી અનિરુદ્ધે આક્રમક વલણ અપનાવ્યું હતું.

સંજૌલીમાં ગેરકાયદે મસ્જિદ મુદ્દે ગુરુવારે વિધાનસભાથી લઈને રસ્તા પર ભારે હોબાળો મચ્યો હતો. હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિકાસ અને પંચાયતિ રાજ મંત્રી અનિરુદ્ધ સિંહે ગુરુવારે વિધાનસભામાં ગેરકાયદે મસ્જિદ નિર્માણના મુદ્દે પોતાની જ સરકાર અને તંત્રની આકરી ટીકા કરી હતી. 

તેમણે કહ્યું કે, સંજૌલી બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. લવ જેહાદ જેવી ઘટનાઓ થઈ રહી છે, જે પ્રદેશ અને દેશ માટે ખતરનાક છે. મસ્જિદનું ગેરકાયદે નિર્માણ થયું છે. પહેલા એક માળ બનાવાયો, પછી મંજૂરી વિના જ બાકીના માળ બનાવી પાંચ માળની મસ્જિદ બનાવી દેવાઈ. આ મસ્જિદ સરકારી જમીન પર બની છે અને આ કેસ ૧૪ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે.

તેમણે હિમાચલ પ્રદેશ બહારથી આવતા લોકોને ગંભીર જોખમ સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, પ્રદેશમાં થઈ રહેલા ઝઘડા અને હિંસા પાછળ સ્થાનિક લોકોનો હાથ નથી. પરંતુ તે બહારના તત્વો દ્વારા શરૂ કરાયો છે. તેમણે મુખ્યમંત્રી સમક્ષ માત્ર હિમાચલી બોનાફાઈડ નાગરિકોને જ તહબજારીનું લાઈસન્સ આપવા પર ભાર મૂક્યો હતો. કોંગ્રેસના પબ્લિક વર્ક્સ મંત્રી વિક્રમાદિત્ય સિંહ સહિતના અન્ય નેતાઓએ પણ આ મુદ્દે અનિરુદ્ધ સિંહનું સમર્થન કર્યું હતું.

હકીકતમાં ૩૦મી ઑગસ્ટે કથિત રીતે મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ માલ્યાણ વિસ્તારમાં એક વેપારી પર હુમલો કર્યા પછી હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના પછી ગુરુવારે સ્થાનિક લોકોએ વિધાનસભા ગૃહ બહાર દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. 

આરોપ છે કે મુસ્લિમ સમાજની એક વ્યક્તિએ સ્થાનિક દુકાનદાર યશપાલ સિંહ પર હુમલો કર્યો હતો, જેનાથી તેના માથે ૧૪ ટાંકા આવ્યા હતા. 

આ ઘટના પછી રવિવારે લોકો સંજૌલીમાં એકત્ર થયા હતા અને મસ્જિદ તોડી પાડવા તેમજ મલ્યાણા હુમલામાં સંડોવાયેલા લોકો પર હત્યાના પ્રયાસના ગુના હેઠળ કેસ ચલાવવા માગ કરી હતી.


Google NewsGoogle News