'જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પર રોક લગાવો, પૂજા શરૂ કરાવો..', હિન્દુ સંગઠનની સુપ્રીમકોર્ટમાં અપીલ
આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI) નો રિપોર્ટ જાહેર થયા બાદ હિન્દુ સંગઠનોએ ત્યાં નમાઝનો વિરોધ શરૂ કરી દીધો
Gyanvapi Mosque Controversy | વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ અંગે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI) નો રિપોર્ટ જાહેર થયા બાદ હિન્દુ સંગઠનોએ ત્યાં નમાઝનો વિરોધ શરૂ કરી દીધો છે. હિન્દુ સંગઠનોએ એક અરજી સાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી જેમાં જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પઢવા પર રોક લગાવવાની સાથે સાથે પૂજા પાઠ શરૂ કરાવવાની માગ કરી હતી.
કોણે અને કયા આધારે કરી આ માગ?
હિન્દુ સંગઠન હિન્દુ સિંહ વાહિની સેનાએ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસને પણ આ મામલે પત્ર લખ્યો હતો. તેમાં એએસઆઈ સરવેના રિપોર્ટનો હવાલો આપી કહ્યું હતું કે અમે માગ કરીએ છીએ કે કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં નમાઝ પઢવા પર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે. અરજીમાં વૈજ્ઞાનિક સરવેના રિપોર્ટને આધાર ગણાવતાં આ માગ કરાઈ હતી.
શું બોલ્યાં હિન્દુ સંગઠનના વકીલ?
હિન્દુ સંગઠનના વકીલ વિનીત જિંદલે હિન્દુ સિંહ વાહિની સેનાના મહાસચિવ તરીકે ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના નામે પત્ર લખ્યો હતો. તેમાં કહ્યું કે રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે અહીં ભવ્ય હિન્દુ મંદિર હતો. તસવીર અને શિલાલેખ પણ તેની પુષ્ટી કરે છે. તે હિન્દુ મંદિર હોવા વિશે કોઈ શંકા નથી એટલા માટે ત્યાં થતી નમાઝ પર હવે ત્વરિત રોક લગાવવામાં આવે.