સપિંડ લગ્ન શું છે? હિંદુ લગ્નનો આ નિયમ દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને કારણે છે ચર્ચામાં
હિંદુ મેરેજ એક્ટમાં સપિંડ લગ્ન પર પ્રતિબંધ
તેના પર પ્રતિબંધ લગાવવા એક મહિલાએ કરી હાઈકોર્ટમાં અરજી
What is Sapinda Marriages: આ સપ્તાહે દિલ્હી હાઈકોર્ટે હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 5(v)ને ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરતી મહિલાની અરજીને ફગાવી દીધી હતી. આ કલમ સપિંડ કહેવાતા બે હિંદુઓ વચ્ચે થતા લગ્ન પર પ્રતિબંધ મૂકે છે. સપિંડ એટલે કે તે બે પરિવારો ખૂબ જ નજીકના પારિવારિક સંબંધો ધરાવે છે. જો કે બંને પરિવારોના રિવાજોમાં જો આ લગ્નની મંજૂરી હોય તો લગ્નની પરવાનગી મળી શકે છે. 22 જાન્યુઆરીએ આપેલા પોતાના આદેશમાં કોર્ટે કહ્યું હતું કે, 'જો લગ્ન માટે જીવનસાથીની પસંદગી બાબતે કોઈ નિયમો ન હોય તો અનૈતિક સંબંધોને માન્યતા મળી શકે છે.' જાણીએ કે હિંદુ ધર્મમાં સપિંડ લગ્ન શું છે?
સપિંડ લગ્ન શું છે?
સપિંડ લગ્ન એવા બે લોકો વચ્ચે થાય છે જેઓ ખૂબ જ નજીકના લોહીના સંબંધી હોય છે. હિન્દુ મેરેજ એક્ટમાં આવા સંબંધોને સપિંડ કહેવામાં આવે છે. આ નક્કી કરવા માટે, કાયદાની કલમ 3 માં નિયમો આપવામાં આવ્યા છે. કલમ 3(f)(ii) મુજબ, 'જો બે વ્યક્તિઓમાંથી કોઈ એક બીજાનો સીધો પૂર્વજ છે અથવા તો બંનેના પૂર્વજો સરખા હોય, જો આવા બે લોકો લગ્ન કરે તો તે લગ્નને સપિંડ લગ્ન કહેવામાં આવશે.'
હિંદુ મેરેજ એક્ટ મુજબ, છોકરો કે છોકરી ત્રણ પેઢી સુધી તેની માતાના પક્ષમાંથી કોઈની સાથે લગ્ન કરી શકતા નથી. મતલબ, માતાના પક્ષેથી ત્રણ પેઢીમાં આવતા આ સંબંધીઓ સાથે લગ્ન કરવા એ પાપ છે અને કાયદાની વિરુદ્ધ છે. આ પ્રતિબંધ પિતાની બાજુથી પાંચ પેઢી સુધી લાગુ પડે છે. આ બધું એટલા માટે છે કારણ કે ખૂબ જ નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. જો કે, અમુક સમુદાયોમાં, સપિંડ લગ્ન કરવાનો રિવાજ છે, આવા કિસ્સામાં, તે લગ્નને કાયદા હેઠળ માન્યતા આપી શકાય છે.
શું હતો સમગ્ર મામલો?
એક મહિલાએ આ કાયદાને કોર્ટમાં પડકાર્યો હતો. થયું એવું કે 2007 માં તેના પતિએ કોર્ટ સમક્ષ સાબિત કર્યું કે તેમના લગ્ન સપિંડ લગ્ન હતા અને આવા લગ્ન મહિલા સમુદાયમાં થતા નથી. તેથી તેમના લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. મહિલાએ આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ ઓક્ટોબર 2023માં કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. મતલબ, કોર્ટે સ્વીકાર્યું કે સપિંડ લગ્ન પર પ્રતિબંધ મૂકતો હિંદુ મેરેજ એક્ટનો નિયમ સાચો છે. મહિલાએ હાર ન માની અને તે જ કાયદાને ફરીથી હાઈકોર્ટમાં પડકાર્યો. આ વખતે તેમણે કહ્યું કે સપિંડ લગ્ન ઘણી જગ્યાએ થાય છે, ભલે તે સમુદાયનો રિવાજ ન હોય. તેમણે દલીલ કરી હતી કે હિંદુ મેરેજ એક્ટમાં સપિંડ લગ્નોને માત્ર રિવાજ ન હોવાને આધારે રોકવા એ ગેરબંધારણીય છે. આ સમાન અધિકાર આપતી બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. મહિલાએ વધુમાં કહ્યું કે બંને પરિવારોએ તેમના લગ્નને મંજૂરી આપી હતી, જે સાબિત કરે છે કે આ લગ્ન ખોટા નથી.
શું સપિંડ લગ્ન પર પ્રતિબંધમાં કોઈ છૂટછાટ છે?
આ નિયમમાં માત્ર એક જ છૂટ છે. ઉપર જણાવ્યા મુજબ, જો છોકરા અને છોકરી બંનેના સમુદાયમાં સપિંડ લગ્નનો રિવાજ હોય, તો જ તેઓ સપિંડ લગ્ન કરી શકે છે. હિંદુ મેરેજ એક્ટની કલમ 3(a), રિવાજનો ઉલ્લેખ કરતી વખતે જણાવે છે કે રિવાજને ખૂબ લાંબા સમય સુધી, સતત અને કોઈપણ ફેરફાર વિના માન્ય હોવો જોઈએ. વળી, તે રિવાજ એટલો પ્રચલિત હોવો જોઈએ કે તે પ્રદેશ, કુળ, સમૂહ કે કુટુંબના હિંદુઓ તેને કાયદા તરીકે અનુસરે.
હાઈકોર્ટનો શું જવાબ હતો?
દિલ્હી હાઈકોર્ટે મહિલાની દલીલો સ્વીકારી ન હતી. ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે જણાવ્યું હતું કે સપિંડ લગ્નને યોગ્ય ઠેરવી શકે તેવા નક્કર પુરાવા સાથે કોઈ માન્ય રિવાજ અરજદારે સાબિત કર્યો નથી. દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે લગ્ન માટે જીવનસાથી પસંદ કરવા માટે કેટલાક નિયમો હોઈ શકે છે. મહિલા એ સાબિત કરવા માટે કોઈ નક્કર કાનૂની આધાર આપી શકતી નથી કે બળજબરીથી લગ્ન અટકાવવા એ બંધારણમાં સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.