છૂટાછેડા સરળ બનાવવા હિન્દુ લગ્ન કાયદામાં સુધારો જરૂરી : હાઇકોર્ટ

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
છૂટાછેડા સરળ બનાવવા હિન્દુ લગ્ન કાયદામાં સુધારો જરૂરી : હાઇકોર્ટ 1 - image


- લગ્ન સંબંધો હવે લાંબો સમય ટકતા નથી : ઇલ્હાબાદ હાઇકોર્ટ

- પતિથી લાંબો સમય સુધી અલગ રહેવાના પત્નીના નિર્ણયને હાઇકોર્ટે ક્રૂરતા ગણીને છૂટાછેડાને મંજૂરી આપી

- લાગણીની દ્રષ્ટીએ લગ્નો મૃત બની ગયા હોય તો તેવા કેસમાં છૂટાછેડાને સુપ્રીમે પણ માન્યતા આપી છે : હાઇકોર્ટ

લખનઉ : છૂટાછેડાના મામલામાં પતિની તરફેણમાં ચુકાદો આપતી વખતે ઇલ્હાબાદ હાઇકોર્ટે રસપ્રદ ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે પ્રેમ લગ્નો જેટલી સરળતાથી થઇ રહ્યા છે તેટલી જ ઝડપથી વિવાદ પણ થઇ રહ્યા છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને વિનંતી કરી રહી કે તે સુપ્રીમ કોર્ટના ૨૦૦૬ના આદેશો મુજબ હિન્દુ લગ્ન કાયદામાં ફેરફારો કરે. સુપ્રીમે કહ્યું હતું કે લગ્ન વિચ્છેદની સ્થિતિ સુધારી શકાય તેમ ના હોય તો તેને છુટાછેડાના આધારના રૂપમાં રજુ કરવામાં આવે. 

ઇલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ વિવેક કુમાર બિરલા અને ન્યાયાધીશ ડોનાડી રમેશની બેંચે કહ્યું હતું કે ૧૯૫૫માં જ્યારે હિન્દુ લગ્ન કાયદો ઘડવામાં આવ્યો ત્યારે લગ્નો અને સંબંધોને લઇને જે ભાવનાઓ અને સન્માન હતા તે અલગ હતા. આજે જે કઇ થઇ રહ્યું છે તે આ કાયદો ઘડાયો ત્યારે તેનું અનુમાન પણ નહીં લગાવાયું હોય. શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા, જાતિગત દીવારોનું તુટવું, આધુનિકતા અને પશ્ચિમી સભ્યતાની અસરને કારણે આ બદલાવ આવ્યા છે. આજે સમાજ વધુ આઝાદ અને સ્વતંત્ર છે, જે માટે ઇમોશનલ સપોર્ટની જરૂરિયાત બહુ ઓછી રહી ગઇ છે. લવ મેરેજ હોય કે એરેંજ મેરેજ બદલાઇ રહેલી પરિસ્થિતિની અસર તમામ સંબંધો પર પડી રહી છે. કોઇ ફરક નથી પડતો કે કોના માટે કોણ જવાબદાર છે. પણ હવે સંબંધો લાંબા નથી ચાલી રહ્યા. 

ઇલ્હાબાદ હાઇકોર્ટમાં એક ડોક્ટર કપલનો મામલો પહોંચ્યો હતો. પતિ ૩૦ વર્ષ સુધી સૈન્યમાં ડોક્ટર તરીકે સેવા આપી ચુક્યો છે. પત્ની તેનાથી છ વર્ષ સુધી અલગ રહી, જે બાદ ૨૦૧૫માં બન્નેએ છૂટાછેડા માટે અરજી કરી. જોકે ફેમેલી કોર્ટે અરજી સ્વીકારવાની ના પાડી દીધી. વર્ષ ૨૦૧૯માં મામલો હાઇકોર્ટ પહોંચ્યો. જોકે પત્ની સુનાવણી દરમિયાન ઉપસ્થિત નહોતી રહી, જ્યારે પતિએ એવી દલીલ કરી હતી કે પત્ની લાંબા સમયથી મારાથી દૂર છે જે માનસિક ક્રૂરતામાં આવે છે. હાઇકોર્ટે આ અંગે વિચાર કર્યો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટે લાંબા સમયથી અલગ રહેતા પતિ-પત્ની વચ્ચેના છૂટાછેડાને માન્ય આપી છે. ૨૦૦૬માં નવીન કોહલી અને નીલૂ કોહલી મામલાનો ઉલ્લેખ કરાયો છે. આ કેસની હકીકતો જોતા લાગી રહ્યું છે કે આ લગ્નમાં લાગણીનો કોઇ સંબંધ નથી રહ્યો. જેને કારણે છુટાછેડા માન્ય રાખી શકાય. હાઇકોર્ટે આ મામલામાં છૂટાછેડાને મંજૂરી આપી હતી. સાથે કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે આવા કેસોમાં સરળતાથી છૂટાછેડા લઇ શકાય તે માટે હિન્દુ લગ્ન કાયદામાં સુધારા જરૂરી છે.


Google NewsGoogle News