આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ
Hindus and Muslims maintain their religious identities: ભારતમાં ધર્માંતરણ મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારત જ નહીં, વિશ્વના ટોચના દેશોમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ વધ્યા છે. જો કે, તેમાં હિન્દુ અને મુસ્લિમોમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ અન્ય ધર્મની તુલનાએ ઓછું હોવાનો દાવો પ્યૂ રિસર્ચ સર્વેમાં કરવામાં આવ્યો છે. વિશ્વભરમાં ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લોકોમાં ધર્માંતરણનો કિસ્સો વધ્યો છે. તેમાં પણ દક્ષિણ કોરિયામાં ધર્મ પ્રત્યેની આસ્થામાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ભારતમાં ધર્માંતરણનું પ્રમાણ 2 ટકા
પ્યૂ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલા સર્વે રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયામાં 50 ટકા લોકો પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ તરફ વળ્યા છે. તેમાં ઘણાં નાસ્તિક પણ સામેલ છે. સ્પેન, કેનેડા, સ્વિડન, નેધરલેન્ડ, યુકે,ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, અને જાપાનમાં પણ ધર્માંતરણની ટકાવારી 30થી 40 ટકા આસપાસ રહી છે. જ્યારે ભારતમાં ધર્માંતરણનું પ્રમાણ માંડ 2 ટકા જોવા મળ્યું છે. કિશોર અવસ્થામાં પ્રવેશ્યા બાદ ઘણા લોકો પોતાના ધર્મ સાથે સંબંધ તોડી અન્ય ધર્મ અપનાવી રહ્યા છે. તેમાં ઘણા નાસ્તિક હોવાથી કોઈપણ ધર્મનું અનુસરણ કરી રહ્યા નથી.
અમેરિકામાં હિન્દુ ધર્માંતરણનું પ્રમાણ વધુ
ભારત અને બાંગ્લાદેશમાં આજે પણ હિન્દુઓ અને મુસ્લિમો પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે. તેમનામાં ધર્માંતરણનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળ્યું છે. 36 દેશોમાં હાથ ધરાયેલા સર્વેમાં હિન્દુ ધર્મમાં મોટી મુવમેન્ટ જોવા મળી છે. જેમાં અમેરિકામાં હિન્દુઓની કુલ વસ્તીમાંથી 18 ટકા હિન્દુઓ પોતાનો ધર્મ છોડી અન્ય ધર્મ અપનાવી રહ્યા છે. જ્યારે શ્રીલંકામાં આ ટકાવારી 11 ટકા છે. શ્રીલંકામાં હિન્દુઓ હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. જ્યારે અમેરિકામાં ઘણા હિન્દુઓ નાસ્તિક બન્યા છે. અને ઘણાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે.
હિન્દુ ધર્મ અપનાવવામાં પણ અમેરિકા આગળ
હિન્દુ ધર્મ છોડવાની સાથે અપનાવવામાં પણ અમેરિકા આગળ છે. અમેરિકામાં 8 ટકા હિન્દુ અમેરિકન સગીરોએ જણાવ્યું કે, તેમનો જન્મ અન્ય ધર્મમાં થયો હતો. ભારતના 99 ટકા હિન્દુઓ પોતાના જન્મજાત ધર્મ પર કાયમ છે. બાંગ્લાદેશમાં પણ આ જ સ્થિતિ છે. ભારતના 99 ટકા અને બાંગ્લાદેશના 100 ટકા મુસ્લિમોએ પણ પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે.