Get The App

અંગ્રેજીનો વિકલ્પ બને હિન્દી, અન્ય ભાષી નાગરિકો ભારતીય ભાષામાં કરે સંવાદઃ શાહ

Updated: Apr 8th, 2022


Google News
Google News
અંગ્રેજીનો વિકલ્પ બને હિન્દી, અન્ય ભાષી નાગરિકો ભારતીય ભાષામાં કરે સંવાદઃ શાહ 1 - image


- મંત્રીમંડળનો 70 ટકા એજન્ડા હવે હિન્દી ભાષામાં તૈયાર કરવામાં આવે છે

નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2022, શુક્રવાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હિન્દીની સ્વીકાર્યતા સ્થાનિક ભાષાઓના નહીં પરંતુ અંગ્રેજીના વિકલ્પ તરીકે હોવી જોઈએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન પ્રમાણે અમિત શાહે સંસદીય રાજભાષા સમિતિની 37મી બેઠકની અધ્યક્ષતા દરમિયાન આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો નિર્ણય લીધો છે કે, સરકાર ચલાવવાનું માધ્યમ રાજભાષા છે અને તે નિશ્ચિતરૂપે હિન્દીના મહત્વને વધારશે. 

અમિત શાહે સદસ્યોને જણાવ્યું હતું કે, મંત્રીમંડળનો 70 ટકા એજન્ડા હવે હિન્દી ભાષામાં તૈયાર કરવામાં આવે છે. હવે સમય આવી ગયો છે કે, રાજભાષા હિન્દીને દેશની એકતાનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવવામાં આવે. હિન્દીની સ્વીકાર્યતા સ્થાનિક ભાષાઓના નહીં પરંતુ અંગ્રેજીના વિકલ્પ તરીકે હોવી જોઈએ. 

હિન્દીના પ્રચાર, પ્રસાર માટે પગલાં

અમિત શાહે કહ્યું હતું કે, જ્યાં સુધી અન્ય ભાષાઓમાંથી શબ્દો લઈને હિન્દીને સર્વગ્રાહી નહીં બનાવવામાં આવે ત્યાં સુધી તેનો પ્રચાર-પ્રસાર નહીં થઈ શકે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે, અન્ય ભાષાવાળા રાજ્યોના નાગરિકો આપસમાં સંવાદ કરે તો તે ભારતની ભાષામાં કરે. 

જુલાઈમાં યોજાશે બેઠક

શાહે 3 મહત્વના બિંદુઓ પર ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, સમિતિ સમક્ષ આ અંગેના રિપોર્ટના પ્રથમથી લઈને 11મા ખંડમાં જે ભલામણો કરવામાં આવી છે તે લાગુ કરવા માટે જુલાઈ મહિનામાં એક બેઠક યોજવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. શાહે જણાવ્યું કે, બીજા બિંદુ (પોઈન્ટ) અંતર્ગત તેમણે 9મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને હિન્દીનું પ્રારંભિક જ્ઞાન પ્રદાન કરવા પર ભાર આપ્યો છે. 

હિન્દી શબ્દકોશની સમીક્ષા

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજા બિંદુ અંતર્ગત ગૃહ મંત્રીએ હિન્દી શબ્દકોશની સમીક્ષા કરીને તેને પુનઃપ્રકાશિત કરવા સૂચન આપ્યું છે. આ પ્રસંગે શાહે સમિતિના રિપોર્ટના 11મા ખંડને રાષ્ટ્રપતિ પાસે સામાન્ય સહમતિથી મોકલવા મંજૂરી આપી.   

Tags :