'હિન્દી રાષ્ટ્રભાષા નથી પણ...' અશ્વિનને ટેકો કરી તમિલનાડુ ભાજપના અધ્યક્ષે પાર્ટીને આપ્યો ઝટકો
Hindi Language Controversy: ક્રિકેટર આર અશ્વિનની હિન્દી ભાષા અંગેની તાજેતરની ટિપ્પણીથી સમગ્ર દેશમાં વિવાદ ઊભો થઈ ગયો છે. અશ્વિન એક કોલેજમાં ગ્રેજ્યુએશન સેરેમનીમાં પહોંચ્યો હતો જ્યાં તેણે કહ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી. હવે અશ્વિનને ભાજપ નેતા અન્નામલાઈનું સમર્થન મળ્યું છે. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું કે 'યોગ્ય છે, હિન્દી કોઈ રાષ્ટ્રભાષા નથી, પરંતુ એક સંપર્ક ભાષા છે, જે સુવિધાની ભાષાના રૂપમાં કામ કરે છે.
તમિલનાડુમાં પહેલેથી છે હિન્દી વિવાદ
અશ્વિને આ નિવેદન તમિલનાડુમાં આપ્યું જ્યાં પહેલેથી જ હિન્દીનો ઉપયોગ એક મોટો મુદ્દો રહ્યો છે. અશ્વિને સેરેમની દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને તેમને અમુક સવાલ પૂછ્યા જે બાદ તેણે હિન્દી અંગે આ વાત કહી. અશ્વિને આ બધું તમિલમાં કહ્યું. સેરેમની દરમિયાન બાળકો સાથે વાત કરતાં અશ્વિને પૂછ્યું, 'અહીં જે લોકો ઈંગ્લિશ સમજે છે તે હાં કહે.' આની પર વિદ્યાર્થીઓએ મોટેથી બૂમો પાડી.'
જે બાદ અશ્વિને કહ્યું, 'જે લોકો તમિલ સમજે છે તે મોટેથી હા કહે.' અહીં પણ બાળકોએ જોરથી બૂમો પાડી. તે બાદ અશ્વિને કહ્યું, 'ઠીક, હિન્દી?' અહીં કોઈ અવાજ ન આવ્યો. ત્યારે અશ્વિને કહ્યું, 'હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, આ સત્તાવાર ભાષા છે.' અશ્વિનના આ નિવેદને વિવાદ ઊભો કરી દીધો છે. ઘણી વિરોધી પાર્ટીઓ જેમાં તમિલનાડુમાં સરકાર ચલાવી રહેલી ડીએમકેએ કેન્દ્ર પર એ આરોપ લગાવ્યો છે કે તે જાણીજોઈને હિન્દી થોપી રહી છે.
આ પણ વાંચો: ભાજપના મંત્રી નિતેશ રાણેનું વિવાદિત નિવેદન, હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ભડકાવવા પ્રયાસ
વિવાદ ઊભો થઈ ગયો
અશ્વિનના નિવેદન બાદ વિવાદ ઊભો થઈ ગયો છે. ઘણા લોકો તેના વિરુદ્ધ ઉતરી આવ્યા છે તો સોશિયલ મીડિયા પર અશ્વિનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જોકે ઘણા લોકો તેમની સાથે પણ ઊભેલા નજર આવી રહ્યાં છે. આ મામલે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
હિન્દી ખૂબ સુંદર ભાષા છે
તેના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના નેતા ફખરુલ હસન ચંદે કહ્યું, 'જે લોકો ભારતમાં રહે છે તેઓ હિન્દીને પસંદ કરે છે. હિન્દી ખૂબ સુંદર ભાષા છે. દરેકે આને કબૂલ કરવી જોઈએ. તમે કઈ ભાષા બોલો છો તેનાથી ફરક પડતો નથી. ભારત એક મોટો દેશ છે જ્યાં પાણી બદલાય છે તો ભાષા બદલાય છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમામ હિન્દીને પસંદ કરે છે.'