હિન્દીના કારણે ઉત્તર ભારતની 25 ભાષા ખતમ થઈ ગઈ, તમિલનાડુમાં એવું નહીં થવા દઈએ: સ્ટાલિન
Stalin about Hindi Language: તમિલનાડુમાં હિન્દી વિરુદ્ધ તમિલની વાત કરનારા મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિને ફરી એકવાર આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. હવે તેમણે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું છે કે, અમે હિન્દીને તમિલો પર લાદી દેવાનો વિરોધ કરીએ છીએ. હિન્દીના કારણે ઉત્તર ભારતની 25થી વધારે ભાષા ખતમ થઈ ગઈ છે. તમિલનાડુમાં અમે હિન્દી ઠોકી બેસાડી દેવાની મંજૂરી નહીં આપીએ. અમે તમિલ સંસ્કૃતિની સુરક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે.
આ પણ વાંચોઃ ગિફ્ટ સિટી બનાવનારા ભૂટાની બિલ્ડર્સની દિલ્હી-નોઈડાની ઓફિસો પર EDના દરોડા
અમે હિન્દી ઠોકી બેસાડવાના વિરોધીઃ સ્ટાલિન
ડીએમકેના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં એક પત્રમાં તેમણે કહ્યું, કે 'આપણે કેન્દ્રની હિન્દી લાદવાની નીતિનો વિરોધ કરીશું. હિન્દી એ માસ્ક છે, સંસ્કૃત એ છુપાયેલો ચહેરો છે.' ડીએમકેએ એવો પણ આરોપ મૂક્યો છે કે, ‘કેન્દ્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) માં ત્રિભાષી ફોર્મ્યુલા દ્વારા હિન્દી લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે.’ જો કે, કેન્દ્ર સરકારે આ આરોપને નકારી કાઢ્યો છે.
મૈથિલી, બ્રજભાષા, બુંદેલખંડી અને અવધી પણ નષ્ટ
આ પત્રમાં સ્ટાલિને દાવો કર્યો છે કે, 'બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બોલાતી મૈથિલી, બ્રજભાષા, બુંદેલખંડી અને અવધી જેવી કેટલીક ઉત્તર ભારતની ભાષાઓને આધિપત્યવાદી હિન્દીએ નષ્ટ કરી દીધી છે. હિન્દી-સંસ્કૃત ભાષાઓનાં હસ્તક્ષેપના કારણે 25થી વધુ ઉત્તર ભારતીય મૂળની ભાષા નષ્ટ થઈ ગઈ છે. જાગૃતિના કારણે સદીઓ જૂના દ્રવિડ આંદોલન અને વિવિધ આંદોલનોએ તમિલો અને તેમની સંસ્કૃતિનું રક્ષણ કર્યું છે. તમિલનાડુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જ વિરોધ કરે છે કારણ કે, કેન્દ્ર આ નીતિ દ્વારા હિન્દી અને સંસ્કૃતને લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે.'
આ પણ વાંચોઃ કેન્દ્રના નિર્ણયથી રાજ્યોને નુકસાનના એંધાણ, આર્થિક મંદીના કારણે આર્થિક મદદમાં કાપ મૂકાશે
તો તમિલ જેવી અન્ય ભાષા ઓનલાઈન ભણાવાશે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે, ત્રીજી ભાષા વિદેશી પણ હોઈ શકે છે. આ અંગે સ્ટાલિનનું માનવું છે કે, ‘ત્રિભાષા નીતિ કાર્યક્રમ પ્રમાણે કેટલાક રાજ્યોમાં માત્ર સંસ્કૃતનો ફેલાવો કરાઈ રહ્યો છે. ભાજપ શાસિત રાજસ્થાન ઉર્દુ પ્રશિક્ષકોના બદલે સંસ્કૃત શિક્ષકોની નિમણૂક કરાઈ રહી છે. જો તમિલનાડુ ત્રિભાષા નીતિનો સ્વીકાર કરે છે, તો માતૃભાષાને નજરઅંદાજ કરી દેવાશે અને ભવિષ્યમાં હિન્દી સંસ્કૃતિકરણ થશે. નવી શિક્ષણ નીતિમાં કહેવાયું છે કે, સંસ્કૃત સિવાય અન્ય ભારતીય ભાષા સ્કૂલોમાં શીખવવામાં આવશે, જ્યારે તમિલ જેવી અન્ય ભાષા ઓનલાઈન જ ભણાવાશે. એવું પણ થઈ શકે છે.