હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે મહુઆ મોઈત્રાના માધબી બુચને 13 સવાલ, મોદી સરકારને પણ આડેહાથ લીધી

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
Mahua Moitra



Hindenburg Report Row: શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટથી ભારતમાં ફરી એક વાર ભારે હોબાળો થઇ રહ્યો છે. હિંડનબર્ગ રિસર્ચે નવો રિપોર્ટ જાહેર કરી સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર અદાણી સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે હાલ ભારતીય રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સતત કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. એવામાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી સીતારમણ અને SEBI સામે કેટલાક સવાલો કર્યા છે.

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરથી સાંસદ મોઇત્રાએ પોતાના X હેન્ડલ પર સેબી ચેરપર્સન માધબી પુરી બુચને 13 સવાલ પુછ્યા છે. આ સવાલોમાં તેમણે સેબી ચેરપર્સનને નાણાકીય સંબંધો અને વ્યવહારો, વિશેષરૂપે અદાણી ગ્રુપ સંબંધે સ્પષ્ટતાની માગ કરી છે. તેમણે સેબી ચેરપર્સનના કથિત નાણાકીય લેવડ-દેવડના વિવિધ પાસાઓનો પણ સમાવેશ કર્યો છે. જેમાં વિનોદ અદાણીથી જોડાયેલા ફંડ્સમાં રોકાણ, અગોરા પાર્ટનર્સ સાથે સંબંધ અને સેબીના કાયમી સભ્ય રૂપે કાર્ય કરતી વખતે સંભવિત હિતોનો ઉલ્લેખ કર્યો છે.

મોદી સરકારને પણ આડેહાથ લીધી

મહુઆ મોઇત્રાએ સેબી ચેરપર્સન સાથે મોદી સરકાર પર નિશાન સાધતાં પુછ્યું કે, પ્રિય નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારમણ શું માધબી પુરી બુચે કેબિનેટ કમિટિને નિયુક્ત કરવા પહેલા અપારદર્શક ઓફશોર ફંડમાં પોતાની માલિકી જાહેર કરી હતી? શું આ તેમની આઇબી રિપોર્ટમાં હતું? કૃપા કરીને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન આ બાબતે પુષ્ટિ કરે.



આ પણ વાંચોઃ હિંડનબર્ગના આરોપો અંગે માધબી બુચનો જવાબ, મિત્રની સલાહથી રોકાણ કર્યું હતું, પૈસા અદાણી પાસે નથી ગયા

મહુઆ મોઇત્રાએ સેબી ચેરપર્સનને કરેલા 13 સવાલ

1- શું તમે 2015માં IPEplus Fund 1 માં રોકાણ કર્યું હતું, જે ગ્લોબલ ડેવલોપમેન્ટ ઓપર્ચ્યુનિટીઝ ફંડનો ભાગ હતો. જે વિનોદ અદાણીએ ઉપયોગ કરેલા ગ્લોબલ ઓપર્ચ્યુનિટીઝ ફંડનો ભાગ છે?

2- આ ફંડમાં તમારી ભાગીદારી ક્યારે સમાપ્ત થઇ ?

3- શું અદાણી એન્ટરપ્રાઇઝ/ અદાણી પાવરના પૂર્વ ડાયરેક્ટર અનિલ આહુજા આ ફંડનો ભાગ હતા ?

4- જ્યારે તમે સેબીના કાયમી સભ્ય હતા, ત્યારે શું તમે સેબીને તમારા માલિકીની ભાગીદારીની સ્પષ્ટતા કરી હતી?

5- જ્યારે તમે સેબીના કાયમી દિગ્દર્શક હતા, તે સમયે તમારી પાસે સિંગાપુરમાં અગોરા પાર્ટનર્સ કે ભારતમાં અગોરા પાર્ટનર્સમાં શેર હોલ્ડિંગ હતી?

6- શું તમે આ શેર હોલ્ડિંગ અને પ્રાપ્ત આવકનો ખુલાસો કર્યો હતો?

7- કઇ સંસ્થાઓેએ અગોરાને કામ આપ્યું?

8- શું તમે 2022માં અગોરામાં પોતાની ભાગીદારી પોતાના પતિને વેચી/ટ્રાન્સફર કરી?

9- કઇ સંસ્થાઓ અગોરા સિંગાપુર કે અગોરા ઇન્ડિયાને કામ આપી રહી છે?

10- શું તમે સેબીને જણાવ્યું હતું કે તમારા પતિ બ્લેકસ્ટોનમાં સામેલ થયા છે જે REIT ઇકોસિસ્ટમના સૌથી મોટા હિતધારકોમાંથી એક છે?

11- તમે વ્યક્તિગત રૂપે અથવા સમૂહ રૂપે અદાણી ગ્રુપ કે બ્લેકસ્ટોન જેવા સંગઠનના લોકો સાથે કેટલી સીધી બેઠકો કરી, જેમાં અદાણી કે બ્લેકસ્ટોન ભાગીદાર હોય?

12- 'સેબીએ કોઇ જવાબ આપ્યો નથી' સુપ્રીમ કોર્ટને આ બતાવવા પહેલા શું તમે સમિતિ કે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે જે ફંડોની તપાસ કરવાનું કામ તમને સોંપવામાં આવ્યું છે, તે હકિકતમાં એ જ સંસ્થાનું ભાગ છે જેમાં તમે રોકાણ કર્યા હતા?

13- શું તમે પોતાને તપાસથી અલગ કરી લીધું હતું?



સેબીમાં જોડાયાના બે વર્ષ પહેલા કર્યું હતું રોકાણ: બુચ 

શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ પર માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે વિસ્તૃત જવાબ આપ્યો છે. નવા જવાબમાં બુચ દંપત્તિએ કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને (માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ) સિંગાપોરના નાગરિક હતા અને SEBIમાં જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરવામાં આવ્યું હતું. 



આ પણ વાંચોઃ SEBIના ચેરપર્સન પર કયા આરોપ મૂક્યા છે, સમજો હિંડનબર્ગનો રિપોર્ટ ટુ ધ પોઈન્ટ

મિત્રની સલાહથી રોકાણ કર્યું: બુચ 

વધુમાં જણાવતા બુચ દંપત્તિએ કહ્યું છે કે આ રોકાણ તેમણે ધવલના ખાસ મિત્ર તથા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજાની સલાહ પર કર્યું હતું. અનિલ આહુજા બાળપણથી લઈને IIT સુધી ધવલ બુચના મિત્ર હતા. અનિલ આહુજાએ સિટીબેન્ક, જે પી મોર્ગન તથા 3i ગ્રૂપ જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે. બુચ દંપત્તિનો દાવો છે કે જ્યારે વર્ષ 2018માં તેમને જાણ થઈ કે આહુજાએ ફંડના CIO રૂપે પદ છોડી દીધું છે ત્યારે તેમણે પણ પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું હતું. આ ફંડનો ક્યારેય અદાણીની કોઈ કંપનીના બોન્ડ કે ઈક્વિટીમાં ઉપયોગ કરાયો નથી.

અમારા કોઈ કોમર્શિયલ સંબંધ નથી: અદાણી 

હિંડનબર્ગના આરોપો પર અદાણી ગ્રૂપ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે. અદાણીએ પણ આરોપો નકારીને કહ્યું છે કે અગાઉ તપાસ થઈ ચૂકી છે અને તમામ આરોપ આધારહીન સાબિત થઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં જ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગ્રૂપનું કહેવું છે કે તેમના ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં પારદર્શિતા છે અને સમય સમય પર પબ્લિક ડોક્યુમેન્ટના માધ્યમથી જાણકારીઓ આપવામાં આવે છે. રિપોર્ટમાં જે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની સાથે અમારા કોઈ જ કોમર્શિયલ સંબંધ નથી.



Google NewsGoogle News