કોઈ મુસ્લિમ મહિલા નથી ઈચ્છતી કે તેનો પતિ વધુ 3 પત્નીઓ ઘરમાં લઈ આવેઃ હિમંત બિસ્વા સરમા
- આસામમાં મુસ્લિમ સમુદાયનો એક ધર્મ છે પરંતુ સંસ્કૃતિ અને મૂળના 2 અલગ-અલગ વર્ગ છે
દિસપુર, તા. 01 મે 2022, રવિવાર
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શનિવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, સૌ કોઈ યુસીસી ઈચ્છે છે. કોઈ પણ મુસ્લિમ મહિલા નથી ઈચ્છતી કે, તેનો પતિ અન્ય 3 પત્નીઓને ઘરમાં લઈ આવે. કોઈ પણ મુસ્લિમ મહિલાને પુછો તો તેનો આ જ જવાબ રહેશે.
હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, 'યુસીસી મારો મુદ્દો નથી, તે સૌ મુસ્લિમ મહિલાઓનો મુદ્દો છે. જો તેમને ન્યાય આપવો છે તો 3 તલાકને ખતમ કર્યા બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાવવો પડશે.'
સરમાએ આગળ જણાવ્યું કે, આસામમાં મુસ્લિમ સમુદાયનો એક ધર્મ છે પરંતુ સંસ્કૃતિ અને મૂળના 2 અલગ-અલગ વર્ગ છે. તેમાંથી એક આસામનો મૂળ નિવાસી છે અને છેલ્લા 200 વર્ષોમાં પ્રવાસનો કોઈ ઈતિહાસ નથી. તે વર્ગ ઈચ્છે છે કે, તેમને વિસ્થાપિત મુસલમાનો સાથે ન ભેળવી દેવામાં આવે અને તેમને એક અલગ ઓળખ આપવામાં આવે.
બિસ્વાએ જણાવ્યું કે, આ માટે પેટા સમિતિની રચના કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો પંરતુ આ બધો કમિટીનો રિપોર્ટ છે. સરકારે હજુ સુધી તે મુદ્દે કોઈ નિર્ણય નથી લીધો. તે ભવિષ્યમાં નિર્ણય લેશે કે, કોણ સ્વદેશી મુસલમાન છે અને કોણ પ્રવાસી મુસલમાન. આસામમાં આ અંગે કોઈ વિરોધ નથી. તેઓ અંતર જાણે છે, તેને સત્તાવાર સ્વરૂપ આપવું પડશે.