'ભગવાન ઈઝરાયલને શક્તિ આપે કે તમામ નસરલ્લાહનો ખાતમો કરી દે', આસામના CMનું નિવેદન
Himanta Biswa Sarma on Israel : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના પડઘા હવે છેક હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ સંભળાઈ રહ્યા છે. આ મુદ્દો હવે ભારતીય રાજકરણમાં મત માંગવા માટે ચર્ચાનો વિષય બની રહ્યો છે. ભાજપના આક્રમક નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે પલવલમાં એક રેલી દરમિયાન હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઇઝરાયેલને શક્તિ આપવા માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી.
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે દેશના ખૂણે ખૂણેથી બહારના લોકોને બહાર ફેંકવા પડશે. 'કોંગ્રેસે સમગ્ર ભારતમાં તુષ્ટિકરણનું વાતાવરણ ઊભું કર્યું છે. જ્યાં જાઓ ત્યાં કોંગ્રેસ પાસે એક જ વસ્તુ છે - મિયાં અને મુસ્લિમો. જો દેશમાં કોંગ્રેસની સરકાર જ ન બની હોત તો 75 વર્ષ પહેલા જ અયોધ્યામાં રામ મંદિર બની ગયું હોત. કોંગ્રેસે બાબરને પોષ્યા હતા. હવે બાબરનું સ્થાન રામ લલ્લાએ લીધું છે, પરંતુ બાબર દેશના ખૂણે-ખૂણે છુપાયેલો છે. આપણે આ બાબરને દેશની બહાર ધકેલવો પડશે. આ માટે ભાજપે વારંવાર જીતવું પડશે. સરમાએ એમ પણ કહ્યું કે જો કોંગ્રેસ હરિયાણામાં સરકાર બનાવશે તો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગશે અને મામન ખાન હિન્દુઓને ભગાડી દેશે.
કોંગ્રેસના નેતા મામન ખાનનો ઉલ્લેખ કરતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, 'તે કહે છે કે હિંદુઓ સાથે હિસાબ પતાવશે. હું મામનને કહેવા માંગુ છું, તમે જોયું ને ઈઝરાયલે આતંકવાદ વિરુદ્ધ કેવું કામ કર્યું છે. અમે પણ ભારતમાં આતંકવાદ વિરુદ્ધ આ જ પ્રકારે કામ કરીશું. આતંકવાદીને કોઈ બચાવી શકશે નહીં. આ દેશ હિંદુઓએ બનાવ્યો છે અને હિંદુઓ પાસેથી કોઈ હિસાબ લઈ શકે તેમ નથી. હિંદુઓએ આ દેશ બનાવ્યો અને હિંદુઓ જ આ દેશને મહાસત્તા બનાવશે.’
સરમાએ કહ્યું કે જ્યારે ઇઝરાયલે નસરાલ્લાહનો ખાતમો કર્યો ત્યારે ભારતનું INDI ગઠબંધન રડી રહ્યું હતું. બિસ્વાએ સવાલ કર્યો કે, શું સરહદ પર જવાનો શહીદ થાય છે ત્યારે આ લોકો રડે છે? 'જ્યારે હિઝબુલ્લાહ કમાન્ડર મૃત્યુ પામે છે ત્યારે રડું આવે છે. હું દિલથી ઈચ્છુ છું કે દુનિયામાંથી આતંકવાદ ખતમ થઈ જાય. ભગવાન ઇઝરાયલને આતંકવાદને ખતમ કરવા માટે વધુ શક્તિ આપે. અમે શાંતિ પ્રેમી લોકો સાથે છીએ, પરંતુ આતંકવાદને પોતાનો ધર્મ માનનારા લોકો સાથે નથી. ભગવાન ઇઝરાયલને વધુ તાકાત આપે જેથી દેશ-વિદેશના તમામ નસરાલ્લાહનો નાશ થાય.’
વધુ વાંચો : ગરવો ગિરનાર હવે 24 કલાક ઝગમગશે, આઝાદી બાદ પહેલી વખત કરાઈ આ મહત્ત્વની કામગીરી