હિમંત બિશ્વા શર્માનું મહત્વનું એલાન લોકસભા ચૂંટણી પછી રાહુલને કરાશે ગિરફતાર
- રાહુલની 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન થયેલી કહેવાતી હિંસા માટે રાહુલ સહિત ઘણા કોંગ્રેસીઓ ઉપર FIR દાખલ કરાઈ
ગુવાહાતી : આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માએ બુધવારે સાંજે જણાવ્યું હતું કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અત્યારે'ભારત જોડો ન્યાય યાત્રા' પર છે. ન્યાય યાત્રા આસામમાંથી પસાર થઈ રહી છે. તે દરમિયાન કહેવાતી હિંસા ભડકાવવા માટે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.
આ અંગે શિવસાગર જિલ્લામાં નાજીરા ગામમાં એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું : અમે એક એફઆઈઆર દાખલ કરી છે. એસ.આઇ.ટી તે સંબંધે તપાસ કરશે. જો તેમાં તેઓ (રાહુલ) કસૂરવાન સાબિત થશે તો તેમની ધરપકડ કરાશે પરંતુ, તે લોકસભાની ચૂંટણી પછી કરશે.
આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ વહેલી યોજાવાની છે તે સર્વવિદિત છે. તેવામાં આસામ પોલીસે રાહુલ સહિત અનેક કોંગ્રેસી કાર્યકરો સામે (કહેવાતી) હિંસા ફેલાવવા માટે એફઆઈઆર દાખલ કરી છે.
આસામના ડીજીપી જે.પી. સિંહે કહ્યું હતું કે, અત્યારે આ અંગે અમે વધુ તપાસ કરવાનું આસામ સીઆઇડીને સોંપ્યું છે.
શર્માએ તે વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગુવાહાતીમાં કોંગ્રેસના કાર્યકરોને પ્રવેશતા રોકવા માટે જે બેરીકેડસ રચી હતી તે તોડી કોંગ્રેસી કાર્યકરો અને રાહુલ ગાંધી પ્રવેશી ગયા હતા. ઉપરાંત તેઓને આસામના આઇકન શ્રીમંત શંકરદેવનાં જન્મ સ્થાનની મુલાકાત ન લેવાનું પણ કહ્યું હતું. તેઓને મંદિરમાં ન જવા માટે પણ કહ્યું હતું છતાં તેઓ ગયા. તેથી તેમની ઉપર અપરાધિક ગુના માટે એફઆઈઆર દાખલ કરાઈ છે.
નિરીક્ષકો, આ સંબંધે જણાવે છે કે, રાહુલ ગાંધી કૈં નોંધાયેલા તોફાની નથી. ભારતના એક સામાન્ય નાગરિક છે. તેમને ભારતમાં ગમે ત્યાં જવાનો સંવૈધાનિક અધિકાર છે. ભારતમાં કોઈપણ મંદિરમાં કોઈને પણ કશા પણ ભેદભાવ વીના પ્રવેશવાનો પણ સંવૈધાનિક અધિકાર છે હિમંત બિશ્વા શર્મા તે કેમ ભૂલી જાય છે. કોર્ટમાં તેમના હુકમને પડકારાશે. તો કોર્ટ રાહુલ ગાંધી અને તેમના સાથીઓ ઉપરનો પ્રતિબંધ દૂર કરશે જ, તે નિશ્ચિત લાગે છે.