'બાંગ્લાદેશી મુસ્લિમોએ ભારતીય બનવું હોય તો બસ આ શરતો પૂરી કરે..' આસામ CMનો મોટો વાયદો
લોકસભા ચૂંટણી ટાણે આસામના મુખ્યમંત્રીનું એક નિવેદન ભારે ચર્ચામાં
image : IANS |
Assam CM news | લોકસભા ચૂંટણી ટાણે આસામના મુખ્યમંત્રીનું એક નિવેદન ભારે ચર્ચામાં છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બાંગ્લાદેશ મૂળના બંગાળી ભાષી પ્રવાસી મુસ્લિમોને મૂળ ભારતીય નિવાસી તરીકેનો દરજ્જો આપવા માટે તેમની સામે કેટલીક શરતો મૂકી છે.
કઈ કઇ શરતો મૂકી...?
મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે જો બાંગ્લાદેશી મૂળના બંગાળી ભાષી પ્રવાસી મુસ્લિમોએ મૂળ નિવાસી તરીકેનો દરજ્જો મેળવવો હોય તો તેના માટે સૌથી પહેલા તેમણે બેથી વધુ બાળકો પેદા કરવાનું બંધ કરવું પડશે. તેમજ એકથી વધુ લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકવો પડશે. આ આસામી લોકોની સંસ્કૃતિ નથી. જો બાંગ્લાદેશી મુસ્લિમો ભારતીય બનવા માંગતા હોય તો તેઓ તેમની સગીર દીકરીઓના લગ્ન નહીં કરી શકે. બાંગ્લાદેશી મુસ્લિમોને મિયા પણ કહેવામાં આવે છે.
મુખ્યમંત્રીએ શિક્ષણ પર મૂક્યો ભાર...
મુખ્યમંત્રીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે બંગાળી ભાષી મુસ્લિમો વૈષ્ણવ મઠની જમીન પર અતિક્રમણ કરે છે અને ભારતીય હોવાનો દાવો પણ કરે છે. સરમાએ કહ્યું, “જો તમે સ્વદેશી તરીકે ઓળખાવા માંગતા હોવ તો તમારા બાળકોને મદરેસામાં મોકલવાને બદલે તેમને ડોક્ટર અને એન્જિનિયર બનવા માટે શિક્ષિત કરો. મુસ્લિમોએ તેમની દીકરીઓને શાળાએ મોકલવાનું પણ શરૂ કરવું જોઈએ અને પિતાની સંપત્તિ પર અધિકાર આપવો જોઈએ."
આસામના લોકો અને બાંગ્લાદેશીઓ વચ્ચેનો તફાવત જણાવ્યો...
સરમાએ કહ્યું, "બાંગ્લાદેશી મુસ્લિમો અને આસામના મૂળ લોકો વચ્ચે આ જ તફાવત છે. જો તેઓ ઉપર જણાવેલી પ્રથાઓ છોડી દે અને આસામી લોકોની સંસ્કૃતિ અપનાવી શકે તો તેમને પણ ક્યારેક સ્વદેશી જાહેર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પછી આસામમાં મુસ્લિમોની બીજી સૌથી મોટી વસ્તી છે. 2011ની વસ્તી ગણતરી દર્શાવે છે કે આસામની કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો 34% થી વધુ છે. પરંતુ રાજ્યમાં આ મુસ્લિમ વસ્તી બે અલગ-અલગ જાતિની છે. બંગાળી ભાષી અને બાંગ્લાદેશ મૂળના પ્રવાસી મુસ્લિમો અને અસમિયા ભાષી સ્વદેશી મુસ્લિમો પણ અહીં જ રહે છે.
આસામમાં મુસ્લિમોની વસતી કેટલી...?
2022 માં આસામ કેબિનેટે રાજ્યના આશરે 40 લાખ આસામી-ભાષી મુસ્લિમોને મોટા મૂળ આસામી સમુદાયના પેટા જૂથ તરીકે માન્યતા આપી હતી. આ પછી મુસ્લિમોના બે જૂથો વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ ગયો. આ મુસ્લિમો પાસે બાંગ્લાદેશનો કોઈ ઈતિહાસ નથી. તેમને દેશી આસામી મુસ્લિમો કહેવાય છે. જો કે, આસામમાં મુસ્લિમ વસ્તીનો મોટો હિસ્સો બાંગ્લાદેશી મૂળનો છે. આસામી ભાષી મુસ્લિમો કુલ મુસ્લિમ વસ્તીના લગભગ 37% છે. પ્રવાસી બંગાળી ભાષી મુસ્લિમો 63% છે. કેબિનેટે મંજૂર કરેલા સ્વદેશી આસામી મુસ્લિમોમાં પાંચ જૂથોનો સમાવેશ થાય છે. જેમાં ગોરિયા, મોરિયા, જોલા (માત્ર ચાના બગીચામાં રહે છે), દેશી અને સૈયદ (માત્ર આસામી બોલતા) સામેલ છે.