હિમાંશીના 16 એપ્રિલે વિનય નરવાલ સાથે લગ્ન અને છ દિવસમાં વિધવા
- પત્નીએ અશ્રુભીની આંખે કહ્યું મને તમારા પર ગર્વ છે
- આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લેફટનન્ટના વતનમાં લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
- વિનયની બહેન સૃષ્ટિનો સીએમ સૈની સમક્ષ આક્રોશ મારે મારા ભાઈની હત્યા કરનારાઓની લાશ જોવી છે
નવી દિલ્હી : વાર્ષિક પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ એક યુવકની હત્યા કરી નાંખી અને તેની પત્નિ બાજુમાં બેઠી હોય એ તસવીરે આખા દેશને હચમચાવી દીધો છે. આ યુવતી હિમાંશી શિક્ષિકા છે અને તેની બાજુમાં પડેલો મૃતદેહ તેમના પતિ વિનય નરવાલનો છે. હિમાંશી દુલ્હનો દ્વારા પહેરવામાં આવતી લાલ અને સફેદ બંગડીઓથી ભરેલા હાથ સાથે શાંતિથી પતિના નિર્જીવ શરીરની બાજુમાં બેઠી છે એ તસવીર પથ્થર હૃદયની વ્યક્તિને પણ હચમચાવી નાંખનારી છે.
આ હુમલામાં મૃત્યુ પામેલા વિજય નરવાલના બુધવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બહેન સૃષ્ટિ અને કાકાના ભાઈએ તેમને મુખાગ્નિ આપ્યો. આ પહેલા બહેને તેની અર્થીને કાંધ આપી હતી. સીએમ નાયબ સૈની અને ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પણ ત્યા ગયા. તેમની સમક્ષ બહેન સૃષ્ટિ ખૂબ જ રોઈ. તેણે જણાવ્યું હતું કે વિનયનો મૃતદેહ કલાક સુધી ત્યાં પડયો રહ્યો હતો. લશ્કર હોત તો તેને બચાઈ શકાત. મારા ભાઈને જેણે માર્યો તેની લાશ હું જોવા માંગું છું. તેના અંગે સીએમે જણાવ્યું હતું કે વિનયને મારનારનું મોત નિશ્ચિત છે. લેફ્ટનન્ટ વિનયની અંતિમ યાત્રામાં મોટી જનમેદની ઉમટી પડી હતી. પત્ની હિમાંશીએ ચોંધાર આંસુએ રડતા વિનય નરવાલને વિદાય આપતા જણાવ્યું હતું કે મને તમારા પર ગર્વ છે.
ભારતીય નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ સાથે હિમાંશીનાં લગ્ન ૧૬ એપ્રિલે થયાં હતાં. બંને હનીમૂન મનાવવા કાશ્મીર આવ્યાં હતાં પણ હિમાંશીને વૈધવ્ય મળી ગયું. હાથમાં પહેરેલી લાલ રંગની ચૂડીઓ હજુ ઉતારી પણ નહોતી ત્યાં પતિના લોહીનો લાલ રંગ જોવાનો પહાડ માથે તૂટી પડયો.
વિનય નરવાલ અને હિમાંશીએ મૂળ તો હનીમૂન યુરોપમાં મનાવવાનું નક્કી કર્યું હતું પણ વિનય નરવાલને મોત કાશ્મીરમાં ખેંચી લાવ્યું હોય એમ તેમના વિઝા સમયસર ન મળ્યા. આ કારણે તેમણે છેલ્લી ઘડીએ યોજના બદલી અને યુરોપના બદલે કાશ્મીર પસંદ કર્યું. વિનય માટે કાશ્મીરની યાત્રા જીંદગીની અનંત યાત્રા બની ગઈ. વિનય નરવાલ અને હિમાંશીએ ૧૬ એપ્રિલના રોજ મસૂરીમાં ડેસ્ટિનેશન વેડિંગમાં લગ્ન કર્યા હતા. ઈન્ડિયન નેવીમાં લેફ્ટનન્ટ વિનય ૨૬ વર્ષના જ છે જ્યારે હિમાંશી માત્ર ૨૪ વર્ષનાં છે. લગ્નના ચાર દિવસ પછી બંને હનીમૂન માટે કાશ્મીર આવ્યાં હતાં. બંને ૨૧ એપ્રિલે જમ્મુ અને કાશ્મીર આવેલાં અને ૨૨ એપ્રિલે પહેલગામની એક હોટલમાં રોકાયાં હતાં. જમ્યા પછી બંને ફરવા ગયેલાં ને ત્યાં જ આતંકવાદી હુમલો થયો તેનો લેફ્ટનન્ટ વિનય ભોગ બની ગયા.
વિનયને નૌકાદળમાં જોડાયાને માત્ર ત્રણ વર્ષ થયાં હતાં. લેફ્ટનન્ટ વિનયનું કેરળના કોચીમાં પોસ્ટિંગ હતું.