Get The App

VIDEO: હિમવર્ષાથી થીજી ગયું મનાલી! 3 ફૂટ સ્નોફોલ, વીજળી ગુલ, અનેક પ્રવાસીઓ ફસાયા

હિમાચલના મનાલી અને કુલ્લુમાં ચારેકોર બરફ પડતા પ્રવાસીઓ અટવાયા, વાહનો લપસતા જોખમ વધ્યું

ચાર ફેબ્રુઆરી સુધી યલ્લો એલર્ટ જાહેર, કેટલાક વિસ્તારોમાં બસો બંધ, પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
VIDEO: હિમવર્ષાથી થીજી ગયું મનાલી! 3 ફૂટ સ્નોફોલ, વીજળી ગુલ, અનેક પ્રવાસીઓ ફસાયા 1 - image


Himachal Pradesh Snowfall : હિમાચલ પ્રદેશના કુલ્લુ (Kullu) અને મનાલી (Manali)માં ભારે હિમવર્ષા પડતા ચારેકોર બરફની ચાદર પથરાઈ ગઈ છે, જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યાં રોડ, વીજળી, પાણી સહિત તમામ સેવાઓ પર અસર પડી છે. બરફ પડવાના કારણે મનાલી હાઈવે પણ બંધ કરી દેવાયો છે, તો કુલ્લુ જિલ્લામાં બે ફેબ્રુઆરી સુધી શાળા-કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપી દેવાઈ છે. ત્યાં ગયેલા ઘણા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

મળતી વિગતો મુજબ મનાલી સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં બે દિવસથી ભારે હિમવર્ષા પડી રહી છે. હાલની વિગતો મુજબ મનાલીમાં એક ફુટ, સોલંગનાલામાં બે ફુટ અને અટલ ટનલની આસપાસ ત્રણ ફુટ સુધીની હિમવર્ષા થઈ છે. મનાલીના ડીએસપી કેડી શર્માએ પ્રવાસીઓને સાવધાન રહેવા અને સુચનાઓનું પાલન કરવા આદેશ આપ્યો છે. ચારેકોર બરફની ચાદરો પથરાતા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પડી છે.

પ્રવાસીઓ ફસાયા, વાહનો ચલાવવા પણ જોખમી બન્યા

ત્યાં અન્ય રાજ્યોમાંથી ફરવા ગયેલા ઘણા પ્રવાસીઓ ફસાયા છે અને તેઓએ પગપાળા જ હોટલ જવાનો વારો આવ્યો છે. ત્યાં પતલીકુલથી મનાલી સુધીના રસ્તા પર ચારેકોર બરફ છે, જેના કારણે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે. નાના વાહનો રસ્તા પર લપસી રહ્યા છે, તો બસોના પૈડા પણ થંભી ગયા છે.

હિમાચલમાં ચાર ફેબ્રુઆરી સુધી યલ્લો એલર્ટ

મનાલીમાં વીજળી ચાલુ બંધ  થઈ રહી છે, તો ગ્રામીણ વિસ્તારોમાં 10 કલાકથી વીજલી ગુલ થઈ ગઈ છે. મનાલી અને પતલીકુહલની આસપાસની તમામ HRTC લોકલ બસો બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત કુલ્લુના ઘણી ઊંચાઈવાળા વિસ્તારોમાં પીવાના પાણીની સપ્લાય પ્રભાવિત થઈ છે. કુલ્લુ જિલ્લાના વહિવટીતંત્રએ શાળા-કૉલેજોમાં બે દિવસની રજા જાહેર કરી દીધી છે. હવામાન ખાતા (IMD Weather Forecast)એ હિમાચલમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરી માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.


Google NewsGoogle News