હિમાચલ પ્રદેશમાં ડ્રોન મોકલીને જાસૂસી કરી રહ્યું છે ચીન? મંત્રીના દાવાથી હડકંપ
Himachal Pradesh News : હિમાચલ પ્રદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચીન દ્વારા ભારતની બોર્ડરમાં ઘૂસણખોરી અને જાસૂસીની શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે, અહીં કિન્નૌરની ભારત-ચીન બોર્ડર પર ચીની ડ્રોન દેખાયા હોવાનો દાવો કરાયો છે. આ દાવો ખુદ હિમાચલ સરકારના મંત્રી અને કિન્નૌર વિધાનસભાના ધારાસભ્ય જગત સિંહ નેગીએ કર્યો છે. તેમનો દાવો છે કે, કિન્નૌર જિલ્લાના પૂ બ્લોકમાં શિપકી લા અને ઋષિ ડોગરી ગામોમાં ડ્રોન ગતિવિધિ જોવા મળી છે અને તેનો ઉપયોગ દેખરેખ અને જાસૂસીના ઉદ્દેશ્યો માટે કરાઈ રહ્યો છે.
નેગીએ કહ્યું કે, ગત અઠવાડિયે બોર્ડર વિસ્તાર નજીક વારંવાર અનેક ડ્રોન ઉડતા જોવા મળ્યા છે અને કેટલાક લોકોએ મને આ અંગે માહિતી પણ આપી છે.
આ પણ વાંચો : ચીનને મિત્ર ગણતાં માલદીવના રાષ્ટ્રપતિના સુર બદલાયા, ભારત આવીને આર્થિક મદદ માગી
તેમનું માનવું છે કે, આ ડ્રોન ભારતની બોર્ડર પર ચાલી રહેલા રોડ નિર્માણ સહિત અન્ય ગતિવિધિઓની માહિતી લેવા માટે મોકલાયા છે. તેમણે કહ્યું કે, શિપ્કી લા અને ઋષિડોગરી બંનેમાં LAC સુધી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આ ડ્રોન દ્વારા દેખરેખ અને જાસૂસીની શક્યતા હોય શકે છે.
તેમણે કેન્દ્ર સરકાર પાસે આ મામલાને ધ્યાનમાં લેવાની અપીલ કરતા કહ્યું છે કે, પોલીસ અને સેનાના જવાનોએ પણ આ ડ્રોનને જોયું છે. તેવામાં કેન્દ્ર સરકારે આ મામલે જરૂરી નિર્દેશ જાહેર કરવા જોઈએ.
જણાવી દઈએ કે, કિન્નૌર અને લાહૌલ અને સ્પીતિના આદિવાસી જિલ્લા ચીન સાથે 240 કિલોમીટર લાંબી બોર્ડર શેર કરે છે. જે 9 ઊંચાઈ વાળા પહાડી રસ્તાઓમાંથી પસાર થાય છે. મંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ભારતના એરસ્પેસનું ઉલ્લંઘન કરનારી ચીની ડ્રોન વિરૂદ્ધ આકરા પગલાં લેવામાં આવે.