કંગના રણૌત સામે આ દિગ્ગ્જ નેતાને ચૂંટણીમાં ઉતારશે કોંગ્રેસ?, થોડા દિવસ પહેલા પક્ષથી હતા નારાજ
Lok Sabha Elections 2024: હિમાચલ લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક પર કોંગ્રેસ મોટી ચાલ રમી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિનેત્રી કંગના રણૌત સામે કોંગ્રેસ વિક્રમાદિત્ય સિંહને ચૂંટણી મેદાને ઉતારી શકે છે. કોંગ્રેસ ઈચ્છે કે, મંડીના વર્તમાન સાંસદ પ્રતિભાસિંહને ફરી ચૂંટણી લડે, પરંતુ મંડી બેઠક પરના સર્વેમાં વિક્રમાદિત્ય સિંહના આંકડા મજબૂત જોવા મળ્યા છે. સર્વેમાં એવી હકીકત સામે આવી છે કે યુવા મતદારોની વચ્ચે વિક્રમાદિત્ય સિંહ જ કંગનાને ટક્કર આપી શકે એમ છે.
સુખુ સરકારની સ્થિરતા પર સંકટને કારણે કોંગ્રેસ મૂંઝવણમાં હતી, પરંતુ એ પછી નક્કી કરવામાં આવ્યું કે, કંગનાની સામે પ્રતિભા સિંહના પુત્ર અને સુખુ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડશે. તેમજ જો વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી જીતી ગયા તો પ્રતિભા સિંહ તેમની બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે.
2014માં પ્રતિભા સિંહ રામસ્વરૂપ શર્મા સામે ચૂંટણી હારી ગયા
વર્ષ 2014 અને વર્ષ 2019માં ભાજપના ઉમેદવાર પંડિત રામસ્વરૂપ શર્મા અહીંથી જીત્યા હતા. વર્ષ 2014માં પ્રતિભા સિંહ રામસ્વરૂપ શર્મા સામે ચૂંટણી હારી ગયા હતા. એ પછી 2019ની ચૂંટણી પ્રતિભા સિંહે અહીંથી લડ્યા નહોતા. તેમની જગ્યાએ કોંગ્રેસે પંડિત સુખરામના પૌત્ર આશ્રય શર્માને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ પણ આ બેઠક પર જીતી શક્યા ન હતા.
પેટાચૂંટણીમાં પ્રતિભા સિંહનો વિજય થયો હતો
ત્યાર બાદ પંડિત રામસ્વરૂપ શર્માના અવસાન બાદ અહીં પેટાચૂંટણી યોજાવામાં આવી હતી. અને પેટાચૂંટણીમાં પ્રતિભા સિંહનો વિજય થયો હતો. પ્રતિભા સિંહની જીત થતાં તત્કાલીન ભાજપ સરકારની એન્ટી ઈન્કમ્બન્સી સિવાય વીરભદ્ર સિંહના નિધનની ભાવનાત્મક લહેર પણ ઊભી થઈ હતી.
જો હાઈકમાન્ડ કહેશે તો ચૂંટણી લડીશ: પ્રતિભા સિંહ
મંડી સંસદીય વિસ્તારના વર્તમાન સાંસદ હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. તેઓએ ખુલ્લા મંચ પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. પ્રતિભા સિંહનું કહેવું છે કે, ‘કોંગ્રેસે મને માત્ર મંડી સંસદીય મતવિસ્તાર સુધી મર્યાદિત ન રાખે. તેમને ચાર લોકસભા બેઠકો સાથે છ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી જીતવા પર પણ ધ્યાન આપવાનું છે.’ જોકે, પ્રતિભા સિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘જો હાઈકમાન્ડ કહેશે તો હું ચૂંટણી લડીશ.’ જો કે તેઓ ચૂંટણી ન લડે તો વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડી શકે છે.
કોંગ્રેસના આંતરિક સર્વે મુજબ, વિક્રમાદિત્ય સિંહ મંડી સંસદીય વિસ્તારના સૌથી લોકપ્રિય ઉમેદવાર છે. વિક્રમાદિત્ય સિંહ હાલમાં શિમલા ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે, અને સરકારમાં જાહેર બાંધકામ મંત્રી વિભાગની સાથે વિકાસ વિભાગ પણ સંભાળી રહ્યા છે.