છોકરીઓની લગ્નની વય 21 વર્ષ કરનાર કોંગ્રેસ શાસિત આ રાજ્ય દેશમાં પ્રથમ, બિલ કર્યું મંજૂર
Himachal Pradesh News | હિમાચલ પ્રદેશની સુખ્ખુ સરકારે લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણનું સમર્થન કરતાં ચોમાસુ સત્રમાં છોકરીઓની લગ્નની લઘુત્તમ વય ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાનું બિલ પસાર કરી દીધું છે. આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. રાજ્યપાલના હસ્તાક્ષર થવાની સાથે હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય ૨૧ કરનાર દેશનું પહેલું રાજ્ય બની જશે. આ સાથે રાજ્યની ખરાબ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ બધા જ મંત્રી, મુખ્ય સંસદીય સચિવ અને કેબિનેટ સ્તરના સભ્ય બે મહિનાનો પગાર નહીં લે તેવી જાહેરાત કરી છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભાનું ચોમાસુ સત્ર મંગળવારે શરૂ થયું ત્યારે રાજ્યના મહિલા કલ્યાણ મંત્રી ધનીરામ શાંડિલે બાળ વિવાહ પ્રતિબંધ કાયદા, ૨૦૦૬ અને અન્ય સંબંધિત કાયદામાં સુધારા માટેનું નવું બિલ ગૃહ સમક્ષ રજૂ કર્યું હતું. આ બિલ ધ્વની મતથી પસાર થઈ ગયું છે. નવા બિલમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય મર્યાદા ૧૮થી વધારીને ૨૧ વર્ષ કરવામાં આવી છે.
આ બિલમાં જણાવાયું છે કે, આજના વિશ્વમાં મહિલાઓ પ્રત્યેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જોકે, તેમના વહેલા લગ્ન કરાવી દેવાથી માત્ર તેમની કારકિર્દીમાં જ અવરોધો ઊભા નથી થતા પરંતુ તેમના શારીરિક વિકાસમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. લૈંગિક સમાનતા અને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડવા માટે છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય ૧૮થી વધારીને ૨૧ વર્ષ કરવી જરૂરી છે. આથી, સરકારે નવા બિલ મારફત બાળ લગ્ન કાયદા, ૨૦૦૬ અને અન્ય સંબંધિત કાયદાઓમાં સુધારા માટે દરખાસ્ત કરી છે.
ધનીરામ શાંડિલે કહ્યું કે, છોકરીઓના વહેલા લગ્ન કરાવી દેવા અને તેઓ વહેલા માતા બનતી હોવાથી તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડતી હોય છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કહ્યું કે, આ બિલ મહિલાઓના હિતો પર ધ્યાન કેન્દ્રીત કરતી કોંગ્રેસ સરકારના આશય દર્શાવે છે. અમે છોકરીઓની લગ્નની વય વધારીને ૨૧ કરવા માટે કાયદો ઘડનાર દેશનું પહેલું રાજ્ય બન્યા છીએ. કોંગ્રેસ હંમેશા મહિલાઓના કલ્યાણ માટે અગ્રેસર રહી છે.
દરમિયાન હિમાચલ પ્રદેશની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મુખ્યમંત્રી સુખ્ખુએ ગુરુવારે ગૃહમાં કહ્યું કે તેઓ અને રાજ્યના બધા જ મંત્રી, મુખ્ય સંસદીય સચિવ અને કેબિનેટ સ્તરના સભ્ય બે મહિના સુધી પગાર નહીં લે, કારણ કે રાજ્ય નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. કેબિનેટમાં ચર્ચા પછી બધા સભ્યોએ નિર્ણય લીધો છે કે તેઓ બે મહિના સુધી પગાર નહીં લે કે પ્રવાસ ભથ્થું અને મોંઘવારી ભથ્થું પણ નહીં લે.
જોકે, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં વિપક્ષ ભાજપે આ જાહેરાતના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સરકારની નીતિઓના કારણે જ રાજ્ય આર્થિક મુશ્કેલીમાં મુકાયું છે. સીએમ સુખ્ખુના આ પગલાંથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.